રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટી દ્રારા તૈયાર કરાયેલું અંતિમ બજેટ જનરલ બોર્ડમાં રજૂ કરવાનું હતું તે પહેલા મળેલી રાજકોટ ભાજપ સંગઠન અને કોર્પોરેટરોની સંકલનની બેઠક છોડીને મેયર પોતાની ઓફિસમાં પહોંચી ગયા હતા.
વાત એમ હતી કે સંકલનની બેઠકમાં જ્યારે મેયર પોતાની વાત રજૂ કરી રહ્યા હતા તે સમયે કેટલાક કોર્પોરેટરો મજાક કરી રહ્યા હતા અને મેયરની વાત ધ્યાને લેવામાં ન આવતા મેયર રોષે ભરાયા હતા અને સંકલનની બેઠક છોડીને પોતાની ચેમ્બરમાં પહોંચી ગયા હતા. મેયરની નારાજગીને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તુરંત જ સમજી ગયા હતા અને સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર અને શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી મેયરની સમજાવટ કરીને ફરી સંકલનમાં લાવ્યા હતા.
આ અંગે ટીવીનાઇન દ્રારા મેયર નયનાબેન પેઢડિયાનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે સંકલનની બેઠકમાં મજાક ચાલતી રહેતી હોય છે.જો કે બેઠક છોડી દેવા મામલે દાવો કર્યો હતો કે મારે ચેમ્બરમાં કામ હોવાથી હું ચેમ્બરમાં આવી હતી. એટલે કે મેયર નયનાબેન પેઢડિયાએ આડકતરી રીતે તેઓ ચેમ્બરમાં આવી ગયા હોવાની વાતનો સ્વિકાર કર્યો હતો.
રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા મહાકુંભમાં ગયા અને ત્યારબાદ થયેલા વિવાદને કારણે એક મહિલા મેયરની ગરિમા ન જળવાઇ હોવાનું ખુદ મેયરે નિવેદન આપ્યું હતું. મેયર સંગઠન અને મહાનગરપાલિકાના પદાધિકારીઓની સામે ખુલ્લો મોરચો ખોલતા નજરે પડ્યા હતા અને આક્રામક બન્યા હતા. હવે આ જ બદલાયેલા વર્તનની આજે સંકલનની બેઠકમાં પણ ઝલક જોવા મળી હતી.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો