અમદાવાદના ખ્યાતિકાંડ બાદ નસબંધી કાંડ હોય કે પછી સુરતમાંથી ઝોલા છાપ ડોકટરો ઝડપાયા હોવાની ઘટના સામે આવી હતી. લોકોના આરોગ્ય સાથે ચેડાં થતી હોય તેવી અનેક ઘટનાઓ સતત બહાર આવી રહી છે. ત્યારે ખેડાની એક હોસ્પિટલ વિવાદમાં આવી છે. ખેડાના મહેમદાવાદમાં ખાત્રજ ચોકડી પાસે વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આવેલી છે.
નવાઈના વાત એ છે કે આ હોસ્પિટલ પતરાના શેડ નીચે ધમધમી રહી છે. છતાં અહીં દર્દીઓને PMJAY યોજનાનો લાભ મળતો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. મુદ્દો એ હતો કે આવી હોસ્પિટલની PMJAY યોજનામાં પસંદગી કેવી રીતે થઈ ? હોસ્પિટલના કેમ્પસમાં જ જોખમી મેડિકલ વેસ્ટના ઢગલા જોવા મળ્યા હતા. એટલું જ નહીં ન તો ફાયર સેફ્ટીના કોઈ સાધનો હતો કે ન તો ફાયર એનઓસી હતું.
Health Department swings into action over Ved Hospital controversy in #Kheda#Gujarat #TV9Gujarati #TV9News pic.twitter.com/OFkum1Kmqv
— Tv9 Gujarati (@tv9gujarati) December 19, 2024
આ સમગ્ર ઘટના અંગે ટીવી નાઈને અહેવાલ રજૂ કર્યો. અને આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા. જો કે ટીવી નાઈનના અહેવાલ બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. અને ન માત્ર મહેમદાવાદની વેદ હોસ્પિટલ પરંતુ PMJAY યોજનાનો લાભ મેળવતી તમામ હોસ્પિટલ અંગે તપાસ કરવાના આદેશ અપાયા છે.
મહેમદાવાદ સહિત ગુજરાતની M પેનલમાં આવતી PMJAY હોસ્પિટલોમાં તપાસ કરાશે. આ સમગ્ર ઘટનામાં આરોગ્ય વિભાગ સવાલોના ઘેરામાં એટલે પણ છે કારણ કે વેદ હોસ્પિટલના ડૉક્ટર દ્વારા ચોંકાવનારો દાવો કરાયો હતો. એ દાવો એ હતો કે તેમની હોસ્પિટલમાં PMJAYના તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે.
આ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સમયાંતરે ચકાસણી પણ કરવામાં આવે છે. ત્યારે હવે ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે. જે સમગ્ર મામલાની તપાસ કરીને અહેવાલ ઉચ્ચ અધિકારીઓને સોંપશે. આ સમગ્ર ઘટનાની તપાસમાં અનેક ખુલાસા થઈ શકે છે. હોસ્પિટલમાં PMJAY યોજના અંતર્ગત કેટલાં ઓપરેશનો થયા છે તે પણ સવાલનો વિષય છે.