2 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : હવામાન વિભાગે આગામી 3 કલાક માટે 15 જિલ્લામાં જાહેર કર્યું રેડ એલર્ટ, તોફાની પવન સાથે પડી શકે છે ભારે વરસાદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2024 | 9:10 PM

Gujarat Live Updates : આજે 2 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

2 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : હવામાન વિભાગે આગામી 3 કલાક માટે 15 જિલ્લામાં જાહેર કર્યું રેડ એલર્ટ, તોફાની પવન સાથે પડી શકે છે ભારે વરસાદ

સ્ટાઇપેન્ડ મુદ્દે આજે રેસિડેન્ટ તબીબો હડતાળ પર છે. સ્ટાઇપેન્ડમાં 40 ટકાના વધારાની માગ  કરવામાં આવી છે. હડતાળથી દર્દીઓની હાલાકી વધશે. વડોદરામાં પૂર બાદ ધારાસભ્ય કેયુર રોકડિયા પ્રજાના રોષનો ભોગ બન્યા છે. ધારાસભ્યને લોકોએ ઘેર્યા હતા અને પૂરમાં ચિંતા ન કર્યાનો આરોપ લગાવ્યો છે. રાજ્યમાં પૂરથી તારાજીનો કેન્દ્ર તાગ મેળવશે.  નુકસાનીના મૂલ્યાંકન માટે વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. પૂર પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લેવામાં આવશે. આગામી 5 દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારેની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. ભારતી આશ્રમના મેનજરે ઋષિ ભારતી પર આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે રૂમમાંથી વાંધાજનક વસ્તુઓ મળી આવી છે. ઋષિ ભારતીને હરિહરાનંદે શિષ્ય તરીકે બરખાસ્ત કરવામાં આવ્યા છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 02 Sep 2024 09:04 PM (IST)

    કોલકત્તા આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની CBI એ કરી ધરપકડ

    કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

  • 02 Sep 2024 08:23 PM (IST)

    નરોડાના કોતરપુર વિસ્તારમાં ભરાયા પાણી

    અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. થોડીવારના વરસાદમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી. નરોડાના કોતરપુર વિસ્તારમાં  પાણી ભરાયા હતા. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

  • 02 Sep 2024 08:21 PM (IST)

    દુબઈથી લવાયેલા આરોપી દિપક ઠક્કર 4 દિવસના પોલીસ રિમાન્ડ પર

    ડબ્બા ટ્રેડિંગ અને સટ્ટાના કેસમાં દુબઈથી લવાયેલા આરોપી દીપક ઠક્કરના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. SMC એ આરોપી દિપક ઠક્કરને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે આગામી 6 તારીખે 11 કલાક સુધી આરોપી દિપક ઠક્કરના રિમાન્ડ મંજૂર કર્યાં છે.

  • 02 Sep 2024 08:19 PM (IST)

    ભરૂચનો ઇન્દિરા નગર વિસ્તાર વરસાદી પાણીમાં ડૂબ્યો

    ભરૂચનો ઇન્દિરા નગર વિસ્તાર વરસાદી પાણીમાં ડૂબ્યો છે. પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા ઈન્દિરા નગર વિસ્તારમાંથી આશરે 200 લોકોનું સ્થળંતર કરાયું છે. નાના બાળકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઇન્દિરા નગર વિસ્તારમાં વરસાદી પાણી પ્રવેશી રહ્યા હોવાથી લોકોના ઘરમાં પણ પાણી પ્રવેશ્યા હતા.

  • 02 Sep 2024 08:17 PM (IST)

    હવામાન વિભાગે આગામી 3 કલાક માટે 15 જિલ્લામાં જાહેર કર્યું રેડ એલર્ટ, તોફાની પવન સાથે પડી શકે છે ભારે વરસાદ

    હવામાન વિભાગે, આગામી 3 કલાક માટે 15 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. અમદાવાદ , ભરૂચ , આણંદ, નર્મદા, ગાંધીનગર, મહેસાણા, દાહોદ, મહિસાગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લામાં વરસાદની સાથે 40થી 60 કિમીની ઝડપે  પવન ફુંકાવવાની આગાહી કરી છે.

  • 02 Sep 2024 07:37 PM (IST)

    કાબુલમાં ફિદાયીન હુમલો, એટર્ની જનરલ ઓફિસ પાસે બ્લાસ્ટમાં 5 વિદેશી સહિત 10 લોકોના મોત

    કાબુલમાં આત્મઘાતી હુમલો થયો છે. વિસ્ફોટમાં 5 વિદેશી સહિત 10 લોકોના મોત થયા છે. આ હુમલો ત્યારે થયો જ્યારે સરકારી કર્મચારી પોતાનું કામ પતાવીને ઘરે જઈ રહ્યા હતા. હુમલાખોરનું નિશાન તાલિબાન સરકારી અધિકારીઓ હતા જે વાહનોમાં મુસાફરી કરી રહ્યા હતા.

  • 02 Sep 2024 07:15 PM (IST)

    પૂર્ણા-અંબિકા નદીના પાણી ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યાં છે, બીલીમોરા અને નવસારીમાં પ્રવેશ્યા પૂરના પાણી

    પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓ ભયજનક સપાટી વટાવી જતાં પૂરની સ્થિતિ સર્જાઈ હોવાનું નવસારી જિલ્લા કલેકટરે જણાવ્યું છે. સમગ્ર જિલ્લામાંથી 300 થી વધુ લોકોનું  સ્થળાંતર કરાયું છે. સાવચેતીના ભાગરૂપે નવસારી શહેરમાંથી સૌથી વધુ લોકોનું  સ્થળાંતર કરાયું છે. સ્થળાંતરિત લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે  પૂરની સ્થિતિ થઈ છે. પૂર્ણા નદીની જળસપાટી 28 ફૂટ પર પહોંચી છે. જે ભયજનક સપાટીથી ત્રણ ફૂટ ઉપર વહી રહી છે. અંબિકા નદીની જળસપાટી 32 ફૂટ પર પહોંચી, ભયજનક સપાટીથી ચાર ફૂટ ઉપર વહી રહી છે. નવસારી જિલ્લાની બીલીમોરા અને નવસારી નગરપાલિકા વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યા છે.

  • 02 Sep 2024 06:44 PM (IST)

    ભરૂચમાં માત્ર 2 કલાકમાં 5 ઈંચ વરસાદ તુટી પડ્યો, સર્વત્ર પાણી જ પાણીની સ્થિતિ

    ભરૂચમાં આજે સાંજના 4થી 6 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ 120 મિલીમીટર એટલે કે પાંચ ઈંચ જેટલો વરસાદ સાંબેલાધારે તુટી પડ્યો હતો. ભરૂચ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. ખાસ કરીને ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જનજીવન ભારે પ્રભાવિત થયું હતું.

  • 02 Sep 2024 06:23 PM (IST)

    આજે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં ગુજરાતના 111 તાલુકામાં વરસાદ વરસ્યો

    ગુજરાતમાં ફરી શરુ થયેલા વરસાદના રાઉન્ડમાં, આજે સોમવારે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીના 12 કલાકમાં, રાજ્યના 111 તાલુકામાં એક મિલીમીટરથી લઈને 218 મિલીમીટર સુધીનો વરસાદ વરસ્યો છે. સૌથી વઘુ વરસાદ તાપીના સોનગઢ તાલુકામાં સાડા આઠ ઈંચ વરસાદ નોંધાયો છે. તો તાપીના વ્યારામાં સવા આઠ ઈંચ, ડાંગના વઘાઈમાં સાડા સાત ઈંચ, તાપીના ડોલવણમાં સાડા છ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

  • 02 Sep 2024 06:14 PM (IST)

    કેનેડામાં પંજાબી ગાયક એપી ધિલ્લોનના ઘરની બહાર ફાયરિંગ, લોરેન્સ-રોહિત ગેંગે સ્વીકારી જવાબદારી

    કેનેડામાં જાણીતા પંજાબી ગાયક એપી ધિલ્લોનના ઘરની બહાર ફાયરિંગની ઘટના સામે આવી છે. સુરક્ષા એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે. આની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોદારા ગેંગે લીધી છે. આને લગતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

  • 02 Sep 2024 05:00 PM (IST)

    કેન્સ સાણંદમાં 3,307 રૂપિયાનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે, કેબિનેટે આપી મંજૂરી

    કેન્દ્રીય કેબિનેટે આજે સોમવારે ગુજરાતના સાણંદમાં દરરોજ 63 લાખ ચિપ્સની ઉત્પાદન ક્ષમતા સાથે સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવા માટે કેન્સની દરખાસ્તને મંજૂરી આપી હતી. કેન્સ સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવા માટે 3,307 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ પ્લાન્ટ 46 એકરમાં બનાવવામાં આવશે. આ પ્લાન્ટ પાવર સેક્ટરને લગતી ચિપ્સ પણ સપ્લાય કરશે. કંપનીએ આ પ્રોજેક્ટ માટે ગુજરાતના સાણંદમાં જમીન સંપાદિત કરી લીધી છે અને ટૂંક સમયમાં બાંધકામ શરૂ થશે. ( પીટીઆઈ)

  • 02 Sep 2024 04:49 PM (IST)

    બીલીમોરામાં અંબિકા નદીના જળ 29 ફૂટ ભયજનક સપાટી વટાવીને 32 ફૂટ પર પહોચ્યાં

    નવસારીના બીલીમોરા શહેર નજીકથી વહેતી અંબિકા નદીની જળ સપાટીમાં વધારો થયો છે. અંબિકા નદીની જળસપાટી 29 ફૂટ ભયજનક સપાટી વટાવીને 32 ફૂટ પર પહોંચી છે. બીલીમોરા શહેરના વાડિયા સીપીઆર બંદર રોડ વિસ્તારમાં પાણી ભરાવાની  શરૂઆત થઈ છે. અંબિકા નદીની સપાટી વધતા ગોલગામ સંપર્ક વિહોણું થયું છે. અંબિકા નદી કાંઠાના 14 જેટલા ગામોમાં પાણી ભરવાની પણ શરૂઆત થઈ છે. ભાઠા કલમઠા વિસ્તારોમાં વાડીઓમાં  પાણી ભરાયા છે. ગણદેવી તાલુકાના અંબિકા કાંઠાના 16 ગામોને એલર્ટ કરાયા છે.

  • 02 Sep 2024 03:02 PM (IST)

    જમ્મુ-કાશ્મીર: માતા વૈષ્ણો દેવી ભવન રોડ પર ભૂસ્ખલન, 3 શ્રદ્ધાળુઓ ઘાયલ, બચાવ કામગીરી ચાલુ

    જમ્મુ-કાશ્મીરમાં શ્રી માતા વૈષ્ણો દેવી ભવન રોડ પર આજે સોમવારે એક મોટો અકસ્માત થયો હતો. પંછી હેલિપેડ પાસે ભૂસ્ખલન થયું છે, જેમાં કેટલાક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. દરમિયાન માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ખરાબ હવામાનને કારણે ભૂસ્ખલન થયું છે. વાસ્તવમાં આ વિસ્તારમાં છેલ્લા કેટલાક કલાકોથી સતત વરસાદ પડી રહ્યો છે.

  • 02 Sep 2024 02:51 PM (IST)

    તાપીના ડોલવણ તાલુકામાં મુશળધાર વરસાદથી ઓલણ નદીના પૂરના પાણી આસપાસના ગામોમાં ઘૂસ્યા

    તાપીના ડોલવણ તાલુકામાં મુશળધાર વરસાદને પગલે નદીઓમાં વરસાદી પૂરના પાણી ભયજનક સ્તરે વહી રહ્યાં છે. ઓલણ નદીના પાણી નદીની આસપાસના ગામમાં ઘુસ્યા છે. પંચોલ ગામે આવેલ આશ્રમ શાળામાં ઓલણ નદીના પાણી ઘુસ્યા. આશ્રમ શાળાની આસપાસ નદીના પાણી ઘુસતા NDRFની ટિમ ઘટના સ્થળે પહોંચી છે. આશરે 200 જેટલા બાળકોને આશ્રમ શાળાના પહેલા માળે સુરક્ષિત ખસેડાયા છે.

  • 02 Sep 2024 02:43 PM (IST)

    સુરતના મહુવાથી પસાર થતી પૂર્ણાં નદીમાં આવ્યુ ઘોડાપૂર

    સુરતના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે, મહુવાથી પસાર થતી પૂર્ણાં નદીમાં ઘોડાપૂર આવ્યું છે. મહુવા ગામમાંથી પસાર થતો બ્રિજ પ્રસાશન દ્વારા વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો છે. નદી કિનારે રહેતા 112 પરિવારોનું સ્થળાંતર કરી દેવાયું છે. હજુ પણ નદીનું જળ સતત વધી રહ્યું છે. મહુવા તાલુકાના ઓનડચ , મિયાપુર ,બુધલેશ્વર , સેખપુર સહિતના ગામો  એલર્ટ કરાયા છે.

  • 02 Sep 2024 02:34 PM (IST)

    સવારના 6થી બપોરના 2 સુધીમાં 99 તાલુકામાં વરસાદ, સોનગઢમાં 8 ઈંચ

    આજે સોમવાર 2 સપ્ટેમ્બરના સવારના છ વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 99 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન સૌથી વધુ વરસાદ તાપીના સોનગઢમાં આશરે આઠ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ડાંગના વઘાઈમાં સાત ઈંચ, તાપીના વ્યારામાં સાડા છ ઈંચ, ઉચ્ચછલમાં છ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

  • 02 Sep 2024 02:21 PM (IST)

    છોટાઉદેપુર, નર્મદા, સુરતમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ

    વરસાદ અંગે આગામી 5 દિવસ માટે હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં અત્યંત ભારે અતિ ભારે મધ્યમ અને હળવા વરસાદની શક્યતા છે. છોટાઉદેપુર, નર્મદા, સુરતમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટની આગાહી છે. આજે બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, ભરૂચમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે. તાપી, નવસારી, ડાંગ, ભાવનગરમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.

  • 02 Sep 2024 02:17 PM (IST)

    વડોદરા જિલ્લામાં પૂરની સ્થિતિને લઈને હર્ષ સંઘવીની બેઠક

    વડોદરા જિલ્લામાં પૂરની સ્થિતિને લઈને હર્ષ સંઘવીની બેઠક મળી. સ્વચ્છતા, સ્વાસ્થ્યને લઈને  બેઠક યોજી હતી. પાલિકામાં આવતા 64 હજારથી વધુ પરિવારને કેસ ડોલ્સ અપાયા છે. ગ્રામ્યના 20 હજારથી વધુ પરિવારને કેસ ડોલ્સ અપાયા. 5 હજાર 835 પરિવારને ઘરવખરી સહાય ચુકવાઈ. તો ગ્રામ્યમાં 3 હજારથી વધુ પરિવારને ઘરવખરી સહાય ચુકવાઈ છે. સફાઈની કામગીરી હજુ પણ ચાલુ છે. 3 દિવસ બાદ વડોદરાની સ્થિતિ અંગે ફરી રિવ્યુ બેઠક કરાશે.

  • 02 Sep 2024 02:15 PM (IST)

    નવસારીઃઅંબિકા અને કાવેરી નદીમાં પૂરની સ્થિતિ

    વાંસદા અને ડાંગ જિલ્લાના ડુંગરાળ પ્રદેશોમાં વરસેલો વરસાદ નવસારી જિલ્લાની પૂર્ણા અંબિકા અને કાવેરી નદીઓમાં સીધી રીતે આવી રહ્યા છે. પૂર્ણા નદીના કેચમેન્ટ એરિયા એવા સુરત તાપી જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે સાથે અંબિકા નદીના કેચમેન્ટ એરિયા વગર સાપુતારા અને આવા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે જેની સીધી અસર નવસારી જિલ્લાની પૂર્ણા અંબિકા અને કાવેરી નદીઓમાં થવાની શક્યતાઓને પગલે નવસારી શહેર અને બીલીમોરા શહેરને જિલ્લા તંત્ર દ્વારા એલોટ કરી દેવામાં આવ્યા છે નવસારી શહેરમાં ત્રીજી વખત પૂરની સ્થિતિ નિર્માણ થતા તંત્ર દોડતું થયું છે.

  • 02 Sep 2024 02:15 PM (IST)

    તાપી: ડોલવણના અંતાપૂર ગામેથી 20થી વધુ લોકોનું રેસ્ક્યૂ

    તાપી: ડોલવણના અંતાપૂર ગામેથી 20થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. SDRFની ટીમ દ્વારા લોકોનું રેસ્કયૂ આપરેશન કરવામાં આવ્યું. નદીના ઘોડાપૂર વચ્ચે ફસાયેલા 20 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. SDRFની ટીમે સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે હાજર છે.

  • 02 Sep 2024 12:54 PM (IST)

    દાહોદ: જિલ્લામાં મોડી રાતથી મેઘરાજા મહેરબાન

    દાહોદ: જિલ્લામાં મોડી રાતથી મેઘરાજા મહેરબાન થયા છે. ધોધમાર વરસાદથી માછણ નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. ભારે વરસાદથી કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. નદી પરના કોઝવે પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો છે. પાણીના પ્રચંડ પ્રવાહમાંથી લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. પોલીસ બંદોબસ્ત હોવા છતાં કોઝવે પરથી વાહનોની અવર-જવર જોવા મળી રહી છે.

  • 02 Sep 2024 12:49 PM (IST)

    ગુજરાતમાં સાર્વત્રિક વરસાદથી 113 જળાશયો સંપૂર્ણ ભરાયા

    મેઘરાજાની સાર્વત્રિક મહેરના પરિણામે રાજ્યના 206 જળાશયોમાંથી 113 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા જ્યારે 43 જળાશયો-ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 18 ડેમ 50 ટકાથી 70 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે 23 ડેમમાં 25 થી 50 ટકા વચ્ચે તેમજ 9 ડેમમાં 25 ટકાથી ઓછુ પાણી સંગ્રહ થયું છે.

  • 02 Sep 2024 12:32 PM (IST)

    જમ્મુ-સુંજવાન આર્મી બેઝ પર ફાયરિંગ, એક જવાન ઘાયલ

    જમ્મુ-સુંજવાન આર્મી બેઝ પર આતંકીઓએ ગોળીબાર કર્યો છે. ફાયરિંગની આ ઘટનામાં એક જવાન ઘાયલ થયો છે. સેનાએ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

  • 02 Sep 2024 12:30 PM (IST)

    દિલ્હી: EDએ AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની ધરપકડ કરી

    એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની ધરપકડ કરી છે. પાંચ કલાકની પૂછપરછ બાદ ED તેને પોતાની સાથે લઈ ગઈ છે. અમાનતુલ્લા ખાનના ઘરે છેલ્લા પાંચ કલાકથી EDના દરોડા ચાલુ હતા.

  • 02 Sep 2024 11:55 AM (IST)

    આંધ્રપ્રદેશ: 14 જિલ્લામાં પૂરની સ્થિતિ

    આંધ્રપ્રદેશ: 14 જિલ્લામાં પૂરની સ્થિતિ છે. 17000 હજાર લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. વિજયવાડા શહેરમાં પૂરથી તારાજી સર્જાઇ છે. પ્રકાશમ બેરેજમાંથી 9.7 લાખ ક્યૂસેક પાણી છોડાયું છે. આંધ્રપ્રદેશમાં પૂર અને ભારે વરસાદથી 8 લોકોનાં મોત થયા છે.

  • 02 Sep 2024 11:36 AM (IST)

    ડાંગ: વઘઇમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ

    ડાંગ: વઘઇમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. સવારે 6 થી 10 વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો છે. આહવામાં 3.5 ઇંચ અને સુબીરમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ડાંગ જિલ્લાની મુખ્ય નદીઓમાં ઘોડાપુર આવ્યુ છે. અંબિકા, પૂર્ણા અને ખાપરી નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ત્રણેય નદીમાં પાણીની ભારે આવક થતા નવસારીમાં પૂરની સંભાવના છે.

  • 02 Sep 2024 11:31 AM (IST)

    નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ

    નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે. વાસદા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઐતિહાસિક ઊનાઈ મંદિર નજીકના રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ઉનાઈ મંદિર જવામાં લોકોને ભારે હાલાકી થઇ રહી છે.

  • 02 Sep 2024 09:53 AM (IST)

    સુરત: સગીર કાર ચાલકે કામરેજના ખડસર ગામે સર્જ્યો અકસ્માત

    સુરત: સગીર કાર ચાલકે કામરેજના ખડસર ગામે અકસ્માત સર્જ્યો છે. રિંગરોડ પર એક બાઈક અને ટુ વ્હીલરને અડફેટે લીધા છે. કારચાલક સગીરે બંને વાહનોને ટક્કર મારી હતી. ઇજાગ્રસ્ત 3 લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જી સગીર કાર ચાલક ફરાર થયો હતો. પોલીસે આરોપી કારચાલકની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

  • 02 Sep 2024 09:25 AM (IST)

    બાંગ્લાદેશમાં પૂરના કારણે તારાજી, અત્યાર સુધીમાં 59 લોકોના મોત

    બાંગ્લાદેશમાં પૂરના કારણે ભારે તરાજી સર્જાઈ છે. અત્યાર સુધીમાં 59 લોકોના મોત થયા છે. હજારો મકાનો ધરાશાયી થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ભયાનક પૂરથી 11 જિલ્લાના 53 લાખ લોકો પ્રભાવિત થયા છે.

  • 02 Sep 2024 09:12 AM (IST)

    રાષ્ટ્રપતિ મુર્મુ આજથી મહારાષ્ટ્રના ત્રણ દિવસના પ્રવાસે

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સોમવારથી મહારાષ્ટ્રની ત્રણ દિવસની મુલાકાત લેશે અને આ દરમિયાન તેઓ ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ 3 સપ્ટેમ્બરે પુણેમાં સિમ્બાયોસિસ ઈન્ટરનેશનલના 21મા દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે. તે મુંબઈમાં મહારાષ્ટ્ર વિધાન પરિષદના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે. 4 સપ્ટેમ્બરે તે લાતુરના ઉદગીરમાં બુદ્ધ વિહારનું ઉદ્ઘાટન કરશે. તે ઉદગીરમાં મહારાષ્ટ્ર સરકારની ‘શાસન અપલ્યા દારી’ અને ‘મુખ્યમંત્રી મારી લડકી બહુ યોજના’ના લાભાર્થીઓની એક સભાને પણ સંબોધશે.

  • 02 Sep 2024 09:07 AM (IST)

    અરવલ્લી: મેઘરજના વાસણા નજીક પરપ્રાંતીય શ્રમિકનું મોત

    અરવલ્લી: મેઘરજના વાસણા નજીક પરપ્રાંતીય શ્રમિકનું મોત થયુ છે. સરકારી ગોડાઉન પાસેના પુલ પરથી શ્રમિક નીચે પટકાયો છે. રાતના અંધકારમાં ફોન પર વાત કરતા સમયે પુલ પરથી પટકાયાની સંભાવના છે. મેઘરજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

  • 02 Sep 2024 08:57 AM (IST)

    જામનગર: પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળામા જાહેરમાં મારામારી

    જામનગર: પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળામા જાહેરમાં મારામારી થઇ. પોલીસ કે સુરક્ષા જવાનોના હોવાથી જાહેરમાં મારામારી થઇ. રાત્રે કોઈક બાબતે કેટલાક યુવાનો છુટાહાથે મારામારી કરી છે. આ યુવાનો લાકડી લઈને એકબીજા પર તૂટી પડયા.

  • 02 Sep 2024 08:34 AM (IST)

    અમદાવાદ: હેલ્મેટ સર્કલ પાસે બેફામ કારે સર્જ્યો અકસ્માત

    અમદાવાદ: હેલ્મેટ સર્કલ પાસે બેફામ કારે અકસ્માત સર્જ્યો છે. બેફામ ગતિએ આવતી થાર કારે અન્ય કારને ટક્કર મારી હતી. અન્ય કારમાં સવાર સગર્ભા સહિત 2 ને ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તો સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

  • 02 Sep 2024 08:15 AM (IST)

    પંચમહાલ : ગોધરા અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ

    પંચમહાલમાં ગોધરા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ચાર દિવસના વિરામ બાદ ફરીથી ધોધમાર વરસાદની શરૂઆત થઇ છે. ગોધરા, ઓરવાડા, ભામૈયા, કેવડીયા, ચંચેલાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થતાં જનજીવન પર અસર પહોંચી છે. જિલ્લા અત્યાર સુધી સિઝનનો 100% વરસાદ નોંધાયો છે.

  • 02 Sep 2024 07:44 AM (IST)

    અરવલ્લી: હાઇવે પરના ખાડા મુદ્દે એક્શનમાં પોલીસ

    અરવલ્લી: હાઇવે પરના ખાડા મુદ્દે પોલીસ એક્શનમાં છે. જિલ્લાના SPએ હાઇવે ઓથોરિટીને નોટિસ ફટકારી. સ્ટેટ હાઇવે પર પડેલા ખાડાને જલ્દી પૂરવા  સૂચના આપી. હાઇવે ઓથોરિટી સામે અકસ્માત અંગે ગુનો દાખલ થશે. અકસ્માત ઝોન વિસ્તારમાં અકસ્માત થયો તો ગુનો થશે દાખલ. મોડાસા-શામળાજી હાઇવે પર અઢળક ખાડા પડ્યા છે. ખાડાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.

  • 02 Sep 2024 07:32 AM (IST)

    અમદાવાદ: સ્ટાઇપેન્ડ મુદ્દે આજથી રેસિડન્ટ ડોક્ટર્સ હડતાળ પર

    અમદાવાદ: સ્ટાઇપેન્ડ મુદ્દે આજથી રેસિડન્ટ ડોક્ટર્સ હડતાળ પર છે. બી.જે. મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબોએ  હડતાળની જાહેરાત કરી છે. ઈમરજન્સી સિવાયની તમામ સેવાઓ સંપૂર્ણ બંધ કરવામાં આવશે. રેસિડેન્ટ ડોક્ટર્સે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. સ્ટાઈપેન્ડમાં વધારો 3 વર્ષને બદલે 5 વર્ષે કરાતા તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્ટાઈપેન્ડમાં 40 ટકાનો વધારો કરવાની માગ કરવામાં આવી છે. હડતાળને કારણે દર્દીઓને ફરી હાલાકી ભોગવવી પડશે.

  • 02 Sep 2024 07:31 AM (IST)

    આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

    આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઓડિશા-આંધ્રપ્રદેશ પર બનેલા ડિપ્રેશનથી રાજ્યમાં પૂનઃવરસાદ આવશે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી, વલસાડમાં મધ્યમથી ભારેની આગાહી છે. 3 સપ્ટેમ્બરે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરામાં વરસાદની આગાહી છે.

Published On - Sep 02,2024 7:28 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">