AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

23 જુલાઈના મહત્વના સમાચાર : અમદાવાદમા 6થી8 સુધીના 2 કલાકમાં 3 ઈંચ વરસાદ, પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, 7 અન્ડરપાસ બંધ કરાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2026 | 10:20 PM
Share

આજે 23 જુલાઈને  ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

23 જુલાઈના મહત્વના સમાચાર : અમદાવાદમા 6થી8 સુધીના 2 કલાકમાં 3 ઈંચ વરસાદ, પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, 7 અન્ડરપાસ બંધ કરાયા

આજે 23 જુલાઈને  ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 23 Jul 2026 08:31 PM (IST)

    સાંજના 6થી 8 ધોળકામાં 4, અમદાવાદમાં 3 ઈંચ વરસાદ

    અમદાવાદ શહેરમાં સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના માત્ર 2 કલાકમાં જ 3 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે અમદાવાદ જિલ્લાના ધોળકામાં, સાંજના 4થી 8 વાગ્યા સુધીના 4 કલાકમાં 10 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈમાં પોણા ત્રણ ઈંચ, ખેડાના માતર, અમદાવાદના બાવળામાં બે ઈંચ વરસાદ નોંધાયો છે.

  • 23 Jul 2026 08:17 PM (IST)

    અમદાવાદ જિલ્લાના ધોળકામાં 13 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો, અનેક સોસાયટી અને લોકોના મકાનમાં પાણી ઘૂસ્યા વરસાદી પાણી

    અમદાવાદ જિલ્લાના ધોળકામાં 13 ઈંચથી વધુ વરસાદ ખાબકતાં સ્થાનિકોને હાલાકી વેઠવી પડી છે. ધોળકા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી હાલાકી પડી રહી છે. ભારે વરસાદથી ધોળકાના રોડ-રસ્તાઓ બેટમાં પરિવર્તિત થયાં છે. ધોળકાના ગ્રામ્ય વિસ્તારમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક સોસાયટી અને લોકોના મકાનમાં પાણી ઘૂસ્યા વરસાદી પાણી. ઢીંચણસમા પાણી ભરાતાં સ્થાનિકોને પડી રહી છે હાલાકી.  ધોળકા સરખેજ હાઈવે પર જળભરાવથી ટ્રાફિક જામની સ્થિતિ.

  • 23 Jul 2026 08:06 PM (IST)

    અમદાવાદમા ફરીથી શરૂ થયેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, 7 અન્ડરપાસ બંધ કરાયા

    અમદાવાદમાં મોડી સાજે ફરીથી શરુ થયેલા ભારે વરસાદને પગલે, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે. શહેરના સાત અન્ડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જવાથી, વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. બંધ કરાયેલા અન્ડરબ્રિજમાં અખબાર નગર, મકરબા, મિઠાખળી, કુબેરનગર, પરિમલ ગાર્ડન, શાહીબાગ અન્ડરબ્રિજ અને જલારામ અન્ડરપાસનો સમાવેશ થાય છે.

  • 23 Jul 2026 07:16 PM (IST)

    અમદાવાદથી મુંબઈ જતી 8 ટ્રેન રદ કરી દેવાઈ, જુઓ લિસ્ટ

    ઘોલવડ અને ઉમરગામ રોડ સ્ટેશનો વચ્ચે ભરાયેલા વરસાદી પાણીનું સ્તર વધવાને કારણે, અમદાવાદ મુંબઈ વચ્ચેની ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ છે. ઘોલવડ અને ઉમરગામ રોડ સ્ટેશનો (મુંબઈ ડિવિઝન, પશ્ચિમ રેલવે) વચ્ચેના વિભાગ પર સલામતીના કારણોસર રેલ ટ્રાફિકને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યો છે, કારણ કે પુલ નંબર 203 પર પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. પરિણામે, 8 જેટલી ટ્રેનને રદ કરી દેવામા આવી છે:

    સંપૂર્ણપણે રદ કરાયેલી ટ્રેનો

    • ટ્રેન નં. 19034 અમદાવાદ – વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ • ટ્રેન નં. 20960 વડનગર – વલસાડ સુપરફાસ્ટ એક્સપ્રેસ • ટ્રેન નં. 22904 ભુજ – બાંદ્રા ટર્મિનસ એસી એક્સપ્રેસ • ટ્રેન નં. 09088 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ • ટ્રેન નં. 12902 અમદાવાદ – દાદર ગુજરાત મેલ • ટ્રેન નં. 19418 અમદાવાદ – બોરીવલી એક્સપ્રેસ • ટ્રેન નં. 22956 ભુજ – બાંદ્રા ટર્મિનસ કચ્છ એક્સપ્રેસ • ટ્રેન નં. 20908 ભુજ – દાદર સયાજી એક્સપ્રેસ

  • 23 Jul 2026 07:07 PM (IST)

    અમદાવાદમાં આજે સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 5 ઈંચથી વધુ વરસાદ, ક્ષિણ પશ્ચિમ ઝોનમાં સાડા નવ ઈંચ વરસાદ નોંધાયો

    વિશાળ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં આજે વરસાદની માત્રા વધુ ઓછી નોંધાઈ છે. સૌથી વઘુ વરસાદ દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં નોંધાયો છે. ઝોન વાઈઝ વરસાદની સરેરાશ જોઈએ તો, પૂર્વ ઝોનમાં 2 ઈંચ, પશ્ચિમ ઝોનમાં સાડા ચાર ઈંચ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 7 ઈંચ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સાડા નવ ઈંચ, મધ્ય ઝોનમાં પાંચ ઈંચ, ઉત્તર ઝોનમાં 2 ઈંચ, દક્ષિણ ઝોનમાં સાડા ચાર ઈંચ વરસાદ સાથે સમગ્ર શહેરમાં એકંદરે 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

  • 23 Jul 2026 06:57 PM (IST)

    ધોળકામાં સાંજના 4થી6 સુધીના માત્ર 2 કલાકમાં જ 6 ઈંચ વરસાદ તુટી પડ્યો

    ગુજરાતના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળેલ આકડાકીય વિગતો અનુસાર, આજે 23મી જુલાઈના રોજ સાંજના 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીના માત્ર 2 કલાકના જ સમયગાળામાં 6 ઈંચ જેટલો અતિભારે વરસાદ તુટી પડ્યો છે.

  • 23 Jul 2026 06:51 PM (IST)

    અંબિકા નદી 28 ફૂટ ભયજનક સપાટી વટાવીને 42 ફૂટ પર પહોંચતા સમગ્ર ગણદેવી તાલુકાની હાલત ગંભીર, હર્ષ સંઘવીએ લીધી સ્થળ મુલાકાત

    ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરગ્રસ્ત ગણદેવી તાલુકાની લીધી મુલાકાત. અંબિકા નદી કાંઠાના અમલસાડ ગામે લીધી મુલાકાત. અંબિકા નદી 28 ફૂટ ભયજનક સપાટી વટાવીને 42 ફૂટ પર પહોંચી જતા સમગ્ર ગણદેવી તાલુકાની હાલત ગંભીર. અંબિકા નદીના કારણે બીલીમોરા શહેર 50 ટકા ડૂબી ચૂક્યું છે. ઘૂંટણસમા પાણીમાં ઉતરીને હર્ષ સંઘવીએ નદીના પૂરનું નિરીક્ષણ કર્યું અને લોકો સાથે મુલાકાત કરી. ધારાસભ્યો અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો સાથે વાતચીત કરી લોકોને બચાવવા માટેની જરૂરીયાત બાબતે કરી ચર્ચા.

  • 23 Jul 2026 06:45 PM (IST)

    અમદાવાદમાં એસ જી હાઈવે થલતેજ અન્ડરપાસ સાવચેતી માટે બંધ કરાયો

    શહેરમાં ફરીથી શરૂ થયેલા ભારે વરસાદ ને પગલે, સાવચેતી માટે એસ જી હાઈવે પરના થલતેજ  અન્ડરપાસ સાવચેતીના ભાગરૂપે બંધ કરાયો છે. થલતેજ અંડરપાસમાં એક સાઈડમાં વરસાદી પાણી ભરાતા કોર્પોરેશને બેરીકેટ લગાવ્યા છે. પકવાનથી સોલા જતા રોડ પર અંડરબ્રિજ પર પર બેરીકેટ મુકાયા છે. એક સાઈડ રોડ પર પાણી ભરાતા સાવધાની બોર્ડ મૂક્યું.

  • 23 Jul 2026 06:43 PM (IST)

    બેચરાજી માર્કેટયાર્ડમાં વરસાદી પાણી ફરી વળતા વ્યાપક નુકસાન

    મહેસાણાના બેચરાજી માર્કેટયાર્ડમાં પડેલી જણસીને ભારે વરસાદથી વ્યાપક નુકસાન થવા પામ્યું છે. ભારે વરસાદથી બેચરાજી માર્કેટયાર્ડમાં પાણી ભરાતાં ભારે નુકસાન થયું છે. અંદાજે લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એરંડા, રાયડો, જીરું અને ઇસબગુલનો જથ્થો પલળી ગયો. સૌથી વધુ નુકસાન લસકાના બિયારણમાં જોવા મળી રહ્યું. એરંડાની 1700 થી 1800 બોરીમાં પાણીથી ભારે નુકસાન થયું હોવાનું ખેડૂતો કહી રહ્યાં છે. ગટર બ્લોક થતાં નાળાનું પાણી માર્કેટયાર્ડમાં આવી ગયું હોવાનુ પણ કહેવામાં આવી રહ્યું છે.

  • 23 Jul 2026 06:27 PM (IST)

    ​ભારે વરસાદની આગાહીને પગલે આણંદ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આવતીકાલ 24 જુલાઈએ રજા જાહેર

    ​ભારે વરસાદની આગાહીને પગલે આણંદ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આવતીકાલ 24 જુલાઈએ રજા જાહેર કરવામાં આવી છે. ​હવામાન વિભાગના રેડ એલર્ટ બાદ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી જિલ્લા મેજિસ્ટ્રેટે મોટો નિર્ણય લઈને શાળા કોલેજમાં રજા જાહેર કરી છે. ​આણંદ જિલ્લાની તમામ આંગણવાડીઓ, સરકારી અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ITI તથા કોલેજો તારીખ 24 જુલાઈ (શુક્રવાર) ના રોજ બંધ રહેશે. હવામાન વિભાગ દ્વારા 23 થી 25 જુલાઈ દરમિયાન જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ આપવામાં આવ્યું છે. સંભવિત હોનારત કે અનિચ્છનીય બનાવ અટકાવવા જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રવીણ ચૌધરી દ્વારા રજા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. જિલ્લાના તમામ તાલુકાઓમાં આ હુકમનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 હેઠળ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.

  • 23 Jul 2026 05:38 PM (IST)

    ખેડામાં વરસ્યો 10 ઈંચ સુધીનો વરસાદ

    ખેડા જિલ્લામાં સવારથી અત્યાર સુધીમાં 10 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો.

  • 23 Jul 2026 04:18 PM (IST)

    સુરતમાંથી 1500નું સ્થળાંતર કરાવ્યું, નવસારીના 11 ગામમાં ફસાયેલા 200નુ રેસ્કયૂ કરાયું

    સુરત સિટીમાં અત્યાર સુધીમાં 1500 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નવસારીમાં કાવેરી નદીના કારણે 11 ગામોમાં ફસાયેલા 200 જેટલા લોકોને પણ રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડી દેવાયા છે.

  • 23 Jul 2026 04:13 PM (IST)

    ઉપરવાસમાં ભારે વરસાદથી કરજણ ડેમમાં પાણીની આવક થતા, 5 દરવાજા ખોલીને 43,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે

    કરજણ ડેમના 7 દરવાજામાંથી 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. કરજણ ડેમના ઉપરવાસ ડેડીયાપાડા સાગબારામાં ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક થઈ રહી છે. કરજણ ડેમની મહત્તમ સપાટી 116 મીટર છે હાલની જળ સપાટી લેવલ 104.95 મીટર અને પાણીની આવક 92,993 ક્યુસેક્સ છે. રુલ લેવલ (106.31 મીટર) જાળવવા બપોરે કરજણ ડેમના 5 ગેટ્સ ખોલી એમાથી આશરે 43,000 ક્યુસેકસ પાણી છોડવામાં આવ્યું છે. તબક્કાવાર રીતે કરજણ નદીમાં છોડાવામાં આવતા કરજણ નદી બે કાંઠે વહેવા લાગી છે. કરજણ ડેમ 56% જેટલો ભરાયો છે. હાલ કુલ 5 દરવાજા ખોલવામાં આવ્યા છે જેમાં ગેટ નં. 2,3,4,5,6(2.60 મીટર ખુલ્લા કરવામાં આવેલ છે. કુલ 43,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે

  • 23 Jul 2026 04:10 PM (IST)

    બહુચરાજીમાં ભારે વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યા

    મહેસાણા જિલ્લાના  બહુચરાજીમાં ભારે વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યા છે. 7 ઇંચથી વધુ વરસાદથી જનજીવન ખોરવાયું જવા પામ્યુ છે. બહુચરાજીના જૂના ઈન્દિરાનગરમાં પાણી ભરાયા છે. ઘરોમાં પાણી ભરાતા રહીશો પરેશાન થયા.  વર્ષોથી પાણી ભરવાની સમસ્યાથી રહીશો પરેશાન છે. ગ્રામ પંચાયત હતી ત્યારે પણ આ સમસ્યા હતી હવે નગરપાલિકા બની ત્યારે પણ આ સમસ્યા યથાવત રહી છે.

  • 23 Jul 2026 04:09 PM (IST)

    અમદાવાદના આનંદનગર રોડ પર વિશાળકાય વૃક્ષ ધરાશાયી, વાહનવ્યવહાર બંધ કરાવ્યો

    આનંદનગર રોડ પર વિશાળકાય વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ ધરાશાયી થતાં વાહનવ્યવહારો થયો બંધ. રસ્તાઓ પર પાણી અને માર્ગ બંધ થવાથી લોકોને હાલાકી વધી છે. આનંદનગર રોડ પર પાણી ભરાયા છે. તંત્રનાં તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે.

  • 23 Jul 2026 04:05 PM (IST)

    પૂર્ણા નદીના પૂરથી નવસારી શહેરનો 40 ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ

    પૂર્ણ નદીના પૂરના કારણે નવસારી શહેરનો 40% વિસ્તાર પાણીમાં ડૂબ્યો છે. એક લાખથી વધુ લોકો સીધી રીતે પ્રભાવિત થયા છે. શહેરીજનોને બચાવવાની કવાયતમાં જોતરાયુ તંત્ર.

  • 23 Jul 2026 03:15 PM (IST)

    દક્ષિણ ગુજરાતમાં બચાવ અને રાહત કામગીરી માટે નવી દિલ્હીથી NDRFની વઘુ 2 ટીમ બોલાવાઈ

    દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રને બચાવ રાહત અને રેસ્ક્યુ કામગીરીમાં મદદરૂપ થવા માટે 3 NDRF તથા 5 SDRFની ટીમ કાર્યરત છે. નવી દિલ્હીથી NDRFની 2 ટીમ આજે સાંજે પહોંચશે. આ ઉપરાંત આર્મીના 70 જવાનોની ટીમ અને 5 બોટ તથા 25 વ્યક્તિઓની ફાયરની ટીમ મોકલવામાં આવી રહી છે તે પણ વલસાડ પહોંચીને ભારે વરસાદની સ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રની મદદમાં રહેશે.

  • 23 Jul 2026 02:48 PM (IST)

    ખેડા: જિલ્લાના મહેમદાવાદ, માતર પંથકોમાં વરસાદ

    ખેડા જિલ્લાના મહેમદાવાદ અને માતર પંથકમાં ધોધમાર વરસાદ વરસતાં જનજીવન પ્રભાવિત થયું છે. પીપળિયા, ભલાડા, લીંબાસી અને પરીએજ સહિતના ગામોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘમહેર જોવા મળી હતી. ભારે વરસાદને કારણે મુખ્ય બજાર, ગ્રામ પંચાયત કચેરી સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી વાહનવ્યવહાર પર પણ અસર જોવા મળી હતી.

  • 23 Jul 2026 02:27 PM (IST)

    આવતીકાલે તમામ શાળા કોલેજો બંધ રાખવા આદેશ

    અમદાવાદ: ભારે વરસાદને લઈ તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. આવતીકાલે તમામ શાળા કોલેજો બંધ રાખવા આદેશ આપ્યો છે. અમદાવાદમાં આવતીકાલે તમામ શાળા કોલેજો બંધ રહેશે. હવામાન વિભાગની આગાહીને પગલે નિર્ણય લેવાયો.

  • 23 Jul 2026 01:41 PM (IST)

    રાજ્યના 11 જિલ્લામાં અતિભારેનું રેડ એલર્ટ

    હવામાન વિભાગે આગામી ત્રણ કલાક દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના કુલ 11 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, પાટણ, મહેસાણા અને રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ખેડા, આણંદ, વડોદરા અને ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદીઓના જળસ્તરમાં વધારો થવા અને વાહનવ્યવહાર પ્રભાવિત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

  • 23 Jul 2026 01:14 PM (IST)

    વલસાડ: ઉમરગામમાં ધસમસતા પ્રવાહમાં ધોવાયો પુલ

    વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે ધસમસતા પાણીના પ્રવાહમાં સંજાણ–હુમરાણ વચ્ચેનો પુલ ધોવાઈ ગયો છે. પુલ તૂટી જતાં ગામનો મુખ્ય સંપર્ક માર્ગ બંધ થઈ ગયો છે અને સ્થાનિક લોકોને અવરજવર માટે લાંબો ચકરાવો કરીને જવું પડી રહ્યું છે. ભારે વરસાદ અને તેજ પ્રવાહને કારણે ઘટનાસ્થળે જોખમી સ્થિતિ સર્જાઈ હોવાથી તંત્ર દ્વારા લોકોને પુલની નજીક ન જવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. સાથે જ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને જરૂરી તકેદારી રાખવા પણ સૂચના આપવામાં આવી છે.

  • 23 Jul 2026 12:58 PM (IST)

    મહેસાણામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

    મહેસાણા શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ધોધમાર વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મહેસાણા-1 અને મહેસાણા-2ને જોડતા મુખ્ય નાળામાં વરસાદી પાણી ભરાતા અવરજવરમાં મુશ્કેલી ઊભી થઈ છે. ગોપીનાળામાં પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ટ્રાફિક પણ પ્રભાવિત થયો છે. વરસાદ બંધ થયા બાદ પણ લાંબા સમય સુધી પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તંત્રની ડ્રેનેજ વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે.

  • 23 Jul 2026 12:30 PM (IST)

    નર્મદામાં ભારે વરસાદનો કહેર, ઉમરાણ ગામનો નવો પુલ ધોવાયો

    નર્મદા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદે ડેડીયાપાડા અને સાગબારા વિસ્તારમાં ભારે અસર પહોંચાડી છે. ચીખલી નહીં પરંતુ ચિકદા તાલુકાના ઉમરાણ ગામે ભારે વરસાદના પ્રવાહમાં નવો પુલ ધોવાઈ ગયો છે. જોકે જૂનો પુલ કાર્યરત હોવાથી હાલ વાહનવ્યવહાર ચાલુ છે, પરંતુ સુરક્ષાના કારણોસર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બીજી તરફ, વરસાદને પગલે કરજણ ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ડેમનું રૂલ લેવલ જાળવવા માટે બપોરે 12 વાગ્યે ડેમના બે ગેટ ખોલીને આશરે 30 હજાર ક્યૂસેક પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તંત્રએ નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરી છે.

  • 23 Jul 2026 12:08 PM (IST)

    અમદાવાદમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, ત્રણ કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ

    અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના કેટલાક વિસ્તારોમાં માત્ર ત્રણ કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાતા રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે શહેરના 9 અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જેમાં અખબારનગર અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનોની અવરજવર સંપૂર્ણપણે અટકાવી દેવામાં આવી છે. એસ.જી. હાઇવે પર પણ પાણી ભરાવાને કારણે ટ્રાફિક ઠપ થઈ ગયો છે, જ્યારે બોપલ, જોધપુર અને સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ અને સોસાયટીઓમાં પાણી ફરી વળતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રશાસન દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી તેજ કરવામાં આવી છે અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.

  • 23 Jul 2026 12:07 PM (IST)

    શિનોરમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ગરનાળા પર પાણી ફરી વળતાં માર્ગ બંધ

    વડોદરા જિલ્લાના શિનોર શહેરમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રેલવે ગરનાળા પાસે વરસાદી પાણી ભરાઈ જતાં શિનોર–સાધલી માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. ગરનાળા ઉપરથી પાણી વહેતા હોવાથી નોકરી-ધંધે જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાયેલા માર્ગ પરથી અનેક વાહનચાલકો જીવના જોખમે વાહનો પસાર કરવા મજબૂર બન્યા છે, જેના કારણે અકસ્માતની આશંકા પણ વધી છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને પાણી ભરાયેલા રસ્તાઓ પર બિનજરૂરી અવરજવર ટાળવા અપીલ કરવામાં આવી છે.

  • 23 Jul 2026 10:59 AM (IST)

    નવસારી: જિલ્લામાં સતત બીજા દિવસે ભયાવહ પૂરની સ્થિતિ

    નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે પણ ભયાવહ પૂરની સ્થિતિ યથાવત છે. નવસારી અને બીલીમોરા સહિતના વિસ્તારોમાં એક લાખથી વધુ લોકો સીધી રીતે પ્રભાવિત થયા છે. ઉપરવાસમાં સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં પાણીની આવક સતત વધી રહી છે. કાવેરી નદી ભયજનક સપાટી 19 ફૂટને વટાવી 27 ફૂટ સુધી પહોંચી ગઈ છે, જ્યારે અંબિકા નદી 29 ફૂટની ભયજનક સપાટીએ વહે રહી છે. પૂર્ણા નદીનું જળસ્તર પણ 22 ફૂટ સુધી પહોંચ્યું છે અને તે તેની 23 ફૂટની ભયજનક સપાટીની નજીક છે. ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને અત્યાર સુધી 500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે અને નદી કાંઠાના વિસ્તારોમાં સતત નજર રાખી રાહત અને બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે.

  • 23 Jul 2026 10:03 AM (IST)

    પેપર લીકની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે, વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે PM મોદીનો મોટો નિર્ણય

    દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટો નિર્ણય લીધો છે. તેમણે પેપર લીક કેસની સુનાવણી માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે. આ કેસ હવે આ કોર્ટમાં જ ચાલશે. વડા પ્રધાને એક ટ્વિટમાં આ જાહેરાત કરી હતી. X પરની તેમની પોસ્ટમાં, પીએમ મોદીએ લખ્યું છે કે દેશના યુવાનોનું કલ્યાણ અને ભવિષ્ય અમારી ટોચની પ્રાથમિકતા છે. પેપર લીકના તમામ કેસોમાં દોષિતોને કડક સજાનો સામનો કરવો પડશે. કેસનો ઝડપી ઉકેલ સુનિશ્ચિત કરવા માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવશે.

  • 23 Jul 2026 10:02 AM (IST)

    મુસાફરોની મદદ માટે રેલવેના હેલ્પ ડેસ્ક કાર્યરત

    ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ, સાબરમતી, પાલનપુર અને વિરમગામ રેલવે સ્ટેશનો પર મુસાફરોની સહાય માટે ખાસ હેલ્પ ડેસ્ક કાર્યરત કરવામાં આવ્યા છે. ટ્રેન સંબંધિત માહિતી અને જરૂરી સહાય માટે મુસાફરો નીચેના નંબર પર સંપર્ક કરી શકે છે.

    • અમદાવાદ (પ્લેટફોર્મ-1): 079-22147997

    • સાબરમતી: 7043028680

    • પાલનપુર: 9484698141

    • વિરમગામ: 9213527587

  • 23 Jul 2026 09:56 AM (IST)

    ભારે વરસાદથી ડાંગ જિલ્લામાં 47 રસ્તા વાહનવ્યવહાર માટે બંધ

    ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે માર્ગ વ્યવસ્થા પર ગંભીર અસર પડી છે. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના કુલ 47 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. સવારે 8 વાગ્યાની સ્થિતિ મુજબ ભારે વરસાદ અને પ્રતિકૂળ હવામાનને કારણે અનેક માર્ગો પર પાણી ભરાવા અને નુકસાન થવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સલામતીને પ્રાથમિકતા આપીને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે તેમજ બંધ માર્ગો વહેલી તકે ફરી શરૂ થાય તે માટે કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. પ્રશાસને વાહનચાલકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.

  • 23 Jul 2026 09:56 AM (IST)

    ભારે વરસાદને પગલે રાજ્ય સરકાર એક્શનમાં, અસરગ્રસ્ત જિલ્લાઓમાં વરિષ્ઠ અધિકારીઓ તૈનાત

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ તેમજ સચિવો રેમ્યા મોહન અને આલોક પાંડેને અસરગ્રસ્ત જિલ્લાઓમાં વહીવટી તંત્રને મદદરૂપ થવા માટે રવાના કર્યા છે. ઉપરાંત, હવામાન વિભાગ દ્વારા જ્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે તમામ જિલ્લાઓમાં પણ પ્રભારી સચિવોને તાત્કાલિક અસરથી પહોંચી જઈ સ્થિતિની સમીક્ષા કરવા અને રાહત-બચાવ કામગીરીમાં સંકલન જાળવવા મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી છે.

  • 23 Jul 2026 09:36 AM (IST)

    તાપી જિલ્લામાં મેઘમહેર, વ્યારામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર

    તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે વ્યારા શહેરમાં ધોધમાર વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. શહેરના મિશન નાકા, આયલ સર્કલ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જ્યારે અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થાને લઈને પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક અસરથી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને વરસાદી પાણીથી લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.

  • 23 Jul 2026 08:26 AM (IST)

    દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ વ્યવહાર ખોરવાયો

    દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે રેલવે વ્યવહાર પર પણ જોવા મળી રહી છે. જળભરાવને કારણે પશ્ચિમ રેલવેના ઘોલવડ–ઉમરગામ વચ્ચે રેલવે ટ્રાફિક અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવ્યો છે. જેના પગલે આજે (23 જુલાઈ) મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. ઉપરાંત મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ અને મુંબઈ–અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ પણ રદ કરાઈ છે. ભારે વરસાદ અને ટ્રેક પર પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને મુસાફરોને મુસાફરી પહેલાં ટ્રેનની સ્થિતિ ચકાસવાની અપીલ કરવામાં આવી છે.

  • 23 Jul 2026 08:11 AM (IST)

    પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં ઘોડાપૂર, અનેક વિસ્તારોમાં હાઈ એલર્ટ

    નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે પણ ભયાનક પૂર જેવી સ્થિતિ યથાવત રહી છે. નવસારી શહેર તેમજ બીલીમોરા સહિતના વિસ્તારોમાં એક લાખથી વધુ લોકો સીધી રીતે પૂરથી પ્રભાવિત થયા છે. જિલ્લામાં તેમજ ઉપરવાસના સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂર્ણા નદીનું જળસ્તર 22 ફૂટ સુધી પહોંચ્યું છે, જ્યારે તેની ભયજનક સપાટી 23 ફૂટ છે. અંબિકા નદી 29 ફૂટની ભયજનક સપાટીને અડી ગઈ છે, જ્યારે કાવેરી નદી 22 ફૂટે વહેતી હોવાથી તે ભયજનક સપાટી 19 ફૂટથી ઉપર વહી રહી છે. નદીઓના વધતા જળસ્તરને પગલે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સ્થાનિક તંત્ર દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

  • 23 Jul 2026 08:09 AM (IST)

    વલસાડમાં આભ ફાટ્યું, 24 કલાકમાં 35 ઇંચથી વધુ વરસાદથી જનજીવન ઠપ

    વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. વાપીના પોશ વિસ્તાર અવધ ટુંકવાડા, પટેલવાડી અને ગુંજન વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. પટેલવાડી વિસ્તારમાં પાર્ક કરેલી અનેક કાર વરસાદી પાણીમાં અડધીથી વધુ ડૂબી જતાં વાહનમાલિકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે સ્થાનિક તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

  • 23 Jul 2026 07:45 AM (IST)

    રાજ્યમાં 213 તાલુકામાં મેઘમહેર, દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર

    રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં 213 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામમાં 35.67 ઇંચ નોંધાયો છે, જ્યારે કપરાડામાં 28.78 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉપરાંત નાનાપોંઢામાં 25.31 ઇંચ અને ધરમપુરમાં 19.65 ઇંચ વરસાદ નોંધાતા નદી-નાળા છલકાયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રાજ્યભરમાં 61 તાલુકામાં એક ઇંચથી વધુ, 44 તાલુકામાં બે ઇંચથી વધુ અને 26 તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાતા અનેક જિલ્લાઓમાં જનજીવન અને વાહનવ્યવહાર પર અસર જોવા મળી રહી છે.

Published On - Jul 23,2026 7:43 AM

Follow Us
g clip-path="url(#clip0_868_265)">