21 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદમાંથી ઝડપાયો વધુ એક મિસ્ટર નટવરલાલ, નકલી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ બની કરતો હતો તોડપાણી, ક્રાઇમ બ્રાન્ચે મણીનગરથી કરી ધરપકડ
Gujarat Live Updates આજ 21 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

આજે 21 સપ્ટેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
જુનાગઢ: કેશોદ-વેરાવળ રોડ પર પ્રેમ પ્રકરણમાં મારામારી
-
બનાસકાંઠા પોલીસ વડા પ્રશાંત સુમ્બેની પરિવર અને પોલીસ કાફલા સાથે અંબાજીની પદયાત્રા
જ્યારે આસ્થા અને સુરક્ષા હાથમાં હાથ મિલાવીને ચાલે, ત્યારે પદયાત્રાનો આનંદ જ કંઈક અલગ હોય છે… વાત હવે ભાદરવી પૂનમના મેળાની અને પદયાત્રાની.. જેમાં બનાસકાંઠા એસપી પ્રશાંત સુમ્બે પણ પોતાના પરિવાર સાથે દાંતાથી અંબાજી સુધીની ભક્તિમય યાત્રામાં જોડાયા છે..
શક્તિ અને ભક્તિના પાવન ધામ અંબાજી તરફ બનાસકાંઠા પોલીસ વડા પ્રશાંત સુમ્બેએ પરિવાર અને કાફલા સાથે દાંતાથી પદયાત્રાનો પ્રારંભ કર્યો છે. માઇભક્તોની સુરક્ષા અને સેવાનો આ અનોખો અંદાજ છે. આ પદયાત્રા અંગે બનાસકાંઠા એસપી પ્રશાંત સુમ્બેએ જણાવ્યું હતું કે, માઈભક્તોની જેમ અમારો પોલીસ પરિવાર પણ આ પદયાત્રાનો આનંદ માણી રહ્યો છે. પદયાત્રીઓને કોઈ અગવડતા ન પડે તે માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રસ્તામાં આવતા સેવાભાવી કેમ્પોની મુલાકાત લઈને તેઓ અંબાજી પહોંચશે અને મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવીને જગતજનનીના આશિર્વાદ મેળવશે. જો પદયાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની તકલીફ પડે, તો તાત્કાલિક 112 નંબર પર જાણ કરવા સૌને અપીલ કરાઈ છે.
-
-
પાટણમાં આરોપીઓને જાહેરમાં માર મારવાનો મામલે વકીલે લગાવ્યા ગંભીર આરોપ
પાટણમાં આરોપીઓને જાહેરમાં માર મારવાના મામલે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન પીડિતોના વકીલે ગંભીર આક્ષેપો કર્યા છે. હાઇકોર્ટમાં કરેલી અરજી પરત ખેંચવા માટે પીડિતો પર દબાણ કરવામાં આવતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સામ, દામ, દંડ, ભેદનો ઉપયોગ કરીને કેસ પરત ખેંચાવવા દબાણ કરાતું હોવાનો દાવો કરાયો છે. પોલીસ કર્મચારીઓ દ્વારા પીડિતોને હેરાન કરવામાં આવતા હોવાના પણ આક્ષેપ થયા છે. હાઇકોર્ટના આદેશ બાદ SP સહિત 21 પોલીસકર્મીઓની ગેરહાજરી અંગે પણ ફરિયાદ કરાઈ છે. આરોપીઓને માર મારવામાં સંડોવાયેલા પોલીસકર્મીઓને સરકારી વકીલ આપવાના મુદ્દે પીડિતોએ વાંધો ઉઠાવ્યો છે. આગામી 7 ઓક્ટોબરે વધુ સુનાવણી હાથ ધરાશે. -
છોટાઉદેપુર: પાવીજેતપુરમાં બાયપાસના સર્વે સામે વિરોધ
-
સુરતમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
-
-
108ની ટીમે શ્રમિક સગર્ભાની ખેતરમાં જ કરાવી પ્રસૂતિ
-
અન્નદાતા અને વીજદાતા આવ્યા સામસામે
રાજકોટના જેતપુર તાલુકાના પેઢલા ગામે અન્નદાતા અને વીજદાતા આમને-સામને આવ્યા છે. 39 વર્ષ જૂની GETCOની વીજ ટાવર લાઇનના રિપેરિંગને લઈને ખેડૂતો અને GETCO વચ્ચે વિવાદ સર્જાયો છે. જેતપુર-સાપુર વચ્ચેની આ વીજ લાઇન ખેડૂતોના ખેતરોમાંથી પસાર થાય છે. જમ્પરમાં ખામી સર્જાતા GETCOની ટીમ રિપેરિંગ માટે પહોંચી હતી. જોકે, ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સાથે ખેડૂતોએ કામગીરી અટકાવી દોરડા વડે માનવ સાંકળ રચી વિરોધ નોંધાવ્યો હતો.
ખેડૂતોનો આક્ષેપ છે કે વીજ લાઇન નાખતી વખતે તેમને યોગ્ય વળતર ચૂકવાયું નહોતું અને 25 વર્ષનો કરાર કરવામાં આવ્યો હોવાના દાવા છતાં તેનું રિન્યુઅલ પણ કરાયું નથી. ખેડૂતો દ્વારા આ અંગેના પુરાવા સામે પણ સવાલ ઉઠાવી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. બીજી તરફ, GETCOનું કહેવું છે કે રિપેરિંગ દરમિયાન પાક વચ્ચેથી ટીમને પસાર થવું પડે તો પાકને નુકસાન થઈ શકે છે. જોકે, નિયમ મુજબ પાકને થયેલા નુકસાનનું વળતર ચૂકવવામાં આવશે તેવી GETCO દ્વારા ખાતરી આપવામાં આવી છે.
-
સુરત: સારોલીની ટેક્સટાઇલ માર્કેટમાં આગ લગાવનાર આખરે સકંજામાં
સુરતના સારોલીની ટેક્સટાઇલ માર્કેટમાં આગ લગાવનાર આરોપી આખરે પોલીસ સકંજામાં આવ્યો છે. પોલીસે વિનોદ સાવલે નામના આરોપીની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જૂની અદાવતના કારણે માર્કેટમાં આગ લગાવવામાં આવી હોવાનું તારણ સામે આવ્યું છે. આરોપી મોઢે રૂમાલ બાંધી માર્કેટમાં આગ લગાવવા પહોંચ્યો હતો. આગ લગાવ્યા બાદ બાઈક લઈને કડોદરા તરફ ફરાર થઈ ગયો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી થોડા મહિના પહેલા શ્યામ સંગીની માર્કેટમાં આવેલી એક દુકાનમાં કામ કરતો હતો. પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.
-
સુરત: બ્લિન્કિટ સ્ટોર પરથી ફૂગવાળી બ્રેડ મળતા હોબાળો
-
અમદાવાદ: સ્ટંટબાજોનો વધુ એક વીડિયો વાયરલ
અમદાવાદમાં સ્ટંટબાજોનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એલિસબ્રિજ પોલીસ સ્ટેશન નજીકનો આ વીડિયો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં એક યુવકને ખભા પર બેસાડીને બાઈક ચલાવતો શખ્સ જોવા મળી રહ્યો છે. મોડી રાત્રે કરવામાં આવેલા આ સ્ટંટથી અન્ય લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. વીડિયો વાયરલ થયા બાદ એલિસબ્રિજ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા વીડિયો આધારે સ્ટંટ કરનારા શખ્સોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
-
અમદાવાદ : સોશિયલ મીડિયામાં ગરબા પાર્ટનરની પોસ્ટ અંગે સાયબર ક્રાઈમની સઘન તપાસ
અમદાવાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ગરબા પાર્ટનરની પોસ્ટને લઈને સાયબર ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી છે. વાયરલ પોસ્ટના મામલે સાયબર ક્રાઈમ બ્રાંચના DCP લવિના સિન્હાએ નિવેદન આપ્યું છે. પોસ્ટમાં આપેલી લિંક મારફતે છેતરપિંડી કરવામાં આવતી હોવાની દિશામાં પણ તપાસ ચાલી રહી છે. સાયબર ક્રાઈમે લોકોને આવા કોઈ મેસેજ કે લિંક મળે તો સાવચેત રહેવા અપીલ કરી છે. જોકે, હાલ આ મામલે કોઈ ફ્રોડ અંગે સાયબર ક્રાઈમ બ્રાંચને ફરિયાદ મળી નથી. પોસ્ટની સત્યતા અને લિંકના માધ્યમથી કોઈ છેતરપિંડી થઈ રહી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
-
બોટાદ: કોળી યુવક સાથે કથિત તોડકાંડની તપાસ તેજ
બોટાદમાં કોળી યુવક સાથે કથિત રૂ.1 કરોડના તોડકાંડની તપાસ તેજ બની છે. તપાસ અધિકારી અમરેલી DYSP ચિરાગ દેસાઈ બોટાદ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. તોડકાંડનો પર્દાફાશ કરનાર જગદીશ ચૌહાણ પણ સર્કિટ હાઉસ પહોંચ્યા અને તપાસ અધિકારી સમક્ષ નિવેદન આપ્યું. જોકે, મીડિયા સમક્ષ તેમણે હાલ કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું. નિવેદન બાદ પ્રતિક્રિયા આપવાની વાત કરી છે. આ ઉપરાંત માંધાતા ગ્રુપના પ્રમુખ મયુર જમોડને પણ સાંજે નિવેદન માટે બોલાવાયા હોવાની માહિતી છે. અગાઉ તપાસ DYSP મહર્ષિ રાવલને સોંપાઈ હતી, હવે અમરેલી DYSP ચિરાગ દેસાઈ તપાસ કરી રહ્યા છે. સમગ્ર મામલે કોળી સમાજે તપાસની માગ કરી છે. -
સુરત: મોટા વરાછામાં કાર ભાડે ન આપતા હુમલો
-
બોટાદ: કાળા ડિબાંગ વાદળો સાથે સાંબેલાધાર વરસાદનું આગમન
બોટાદમાં કાળા ડિબાંગ વાદળો સાથે સાંબેલાધાર વરસાદનું આગમન થયું છે. શહેર સહિત આસપાસના વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. મંગળપરા, પાળીયાદ રોડ અને રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ખોડિયારનગર, ગઢડા રોડ અને ભાવનગર રોડ સર્કલ વિસ્તારમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. બોટાદ તાલુકાના સેંથળી અને સમઢિયાળા સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થતાં ધોળા દિવસે અંધકારમય વાતાવરણ છવાયું હતું. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
-
અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ
અમદાવાદમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. સોલા, ગોતા અને એસ.જી. હાઇવે વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઘાટલોડિયા, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. અચાનક વરસાદથી વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
-
વડોદરાના વાતાવરણમાં અચાનક પલટો
વડોદરાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શહેરમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. સાંજના સમયે અચાનક વરસાદ શરૂ થતાં નોકરિયાત લોકો અને વાહનચાલકો અટવાયા હતા. શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ છે. લાંબા સમય બાદ પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
-
ગીર સોમનાથ : કુવામાં ખાબકેલા દીપડાનું કરાયુ રેસ્ક્યુ
ગીર સોમનાથના ઘાંટવડના ચકદળ વિસ્તારમાં કુવામાં દીપડો ખાબક્યો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટ્રેકરોની મદદથી દીપડાને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. ભારે જહેમત બાદ દીપડાને સુરક્ષિત રીતે કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ દીપડાને સારવાર અને દેખરેખ માટે જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો.
-
રાજકોટ: જમીન દફતર ખાતાના કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ
રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં જમીન દફતર ખાતાના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. ગ્રેડ-પેમાં વધારો અને ગ્રેડ-પેની વિસંગતતા દૂર કરવાની માંગ સાથે કર્મચારીઓએ આંદોલન શરૂ કર્યું છે. અગાઉ માસ સીએલ પર ઉતરીને વિરોધ નોંધાવ્યા બાદ પણ માંગણીઓ નહીં સંતોષાતા હડતાળનું એલાન કરાયું છે. રાજ્યભરમાં આશરે 2 હજાર કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. જેના કારણે જમીન માપણી, રીસર્વે અને સિટી સર્વે સહિતની કામગીરી પર અસર પડી છે. કર્મચારીઓ અને સરકાર વચ્ચેની લડાઈમાં અરજદારોના કામ અટવાયા છે. માંગણીઓ નહીં સ્વીકારાય તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન વધુ ઉગ્ર કરવાની કર્મચારીઓએ ચીમકી આપી છે.
-
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મનપાની ચૂંટણીથી રાજકીય ગરમાવો
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપે આજથી ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. રોસ્ટરમાં ફેરફાર થતાં ચૂંટણીના સમીકરણો પણ બદલાયા છે. 44 પૈકી 12 બેઠકો OBC માટે અનામત થતાં OBC નેતાઓએ લોબિંગ શરૂ કર્યું છે. અગાઉની ટર્મમાં માત્ર 4 બેઠકો OBC માટે અનામત હતી. જ્યારે જનરલ બેઠકો 34થી ઘટીને 26 થઈ છે. ખાસ કરીને વોર્ડ નંબર 2, 3, 4, 5, 8 અને 10માં રોસ્ટરમાં ધરખમ ફેરફાર થયો છે. ગાંધીનગરમાં પ્રથમ અઢી વર્ષ માટે મેયરપદ OBC માટે અનામત હોવાથી OBC ઉમેદવારોમાં હરીફાઈ વધી છે. વિજેતા OBC ઉમેદવારને મેયર બનવાની તક હોવાથી ભાજપમાં અંદરોઅંદર રાજકીય લોબિંગ પણ તેજ બન્યું છે.
-
અંબાજી જતા પદયાત્રિકો માટે સાબરકાંઠા તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા
જ્યાં આસ્થા છે, ત્યાં સુરક્ષાની પણ પૂરી કાળજી રાખવી જરૂરી બને છે અને એટલે જ અંબાજી જતા પદયાત્રીઓ માટે સાબરકાંઠા તંત્રએ એક ખાસ વ્યવસ્થા કરી છે..
જય અંબેના નાદ સાથે આગળ વધતા પદયાત્રીઓ માટે રાહતના સમાચાર સાબરકાંઠાથી મળી રહ્યા છે.. જ્યાં એક તરફ જય અંબેના નાદ સાથે સાબરકાંઠાના રસ્તાઓ ગુંજી ઉઠ્યા છે.. ત્યારે અંબાજી જતા પદયાત્રીઓની સુરક્ષા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યંત મહત્વનો નિર્ણય લેવાયો છે.. પદયાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા સાબરકાંઠા કલેક્ટરે હિંમતનગરથી ખેરોજ સુધીના ફોરલેન માર્ગની એક સાઈડ માત્ર પદયાત્રીઓ માટે અનામત રાખી છે, જ્યારે વાહન વ્યવહાર અન્ય લેન પર ડાયવર્ટ કરાયો છે. આ જાહેરનામાનું કડક પાલન કરાવવા માટે બે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સતત પેટ્રોલિંગ કરી રહ્યો છે, જેથી માઈભક્તો નિર્ભય બનીને પોતાની પદયાત્રા પૂર્ણ કરી શકે.
-
તાપી: ગણપતિ વિસર્જનમાં નાચવા બાબતે થયેલા ઝઘડામાં 21 વર્ષીય યુવકનું મોત
તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં ગણપતિ વિસર્જન દરમિયાન નાચવા બાબતે થયેલા ઝઘડામાં 21 વર્ષીય યુવકનું મોત થયું છે. મોદલા ગામ નજીક વિસર્જન યાત્રામાં નાચતી વખતે પગનો અંગૂઠો કચડાઈ જતાં થયેલા વિવાદમાં યુવકનું ગળું દબાવી હત્યા કર્યાનો આરોપ લગાવાયો છે. સમગ્ર મામલે કુકરમુંડા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મોદલા ગામે 19 સપ્ટેમ્બરે ગણપતિ વિસર્જન દરમિયાન ગંભીર ઘટના બની હતી. નાચવા નાચવામાં પગનો અંગૂઠા માં ઇજા થતા થયેલ બોલાચાલીમાં 21 વર્ષીય શંકરભાઈ પરશુરામભાઈ વળવી, ની ગળું દબાવી નિર્મમ હત્યા કરાય હતી, ગણપતિ વિસર્જનમાં બેન્ડમાં નાચતી વખતે આરોપી વિશાલ રવિન્દ્રભાઈ પાડવીના કારણે મૃતક શંકરના પગનો અંગૂઠો કચડાઈ જતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. આરોપી વિશાલએ શંકરભાઈના ગળાના ભાગે પકડી ગળું દબાવી દેતાં શંકરનું મોત થયું હોવાનો પોલીસ ફરિયાદમાં પિતા પરશુરામ વડાવીએ ઉલ્લેખ છે. આ દરમ્યાન શંકરને છોડાવવા વચ્ચે પડેલા સાક્ષી મેહુલભાઈ વળવીને પણ ગળાના ડાબા ભાગે નખ મારી ઇજા પહોંચાડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં કુકરમુંડા પોલીસ એ એક દિવસમાં આરોપી વિશાલ પાડવી ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર નજીક મૌવલીપાડા ગામની સીમ વિસ્તારમાં મળી આવતાં પોલીસે તેની ધરપકડ કરી છે.
-
ગુજરાતમાં આ વર્ષે અત્યાર સુધીમાં 7 ટકા વરસાદની ઘટ, 7 દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં આગામી 7 દિવસ રહેશે વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યભરમાં આગામી 7 દિવસ હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. હજુ પણ રાજ્યમાં વરસાદની 7% ઘટ રહેવા પામી છે. માછીમારોને દરિયો ખેડતા સાવધાની રાખવા સૂચના અપાઈ છે. અમદાવાદમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
-
એકતાનગર ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારને લઈને, જાણીતા ફિલ્મ કલાકારોનુ આગમન
એકતાનગર ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારને લઈ ફિલ્મી સિતારાઓનું આગમન થયું છે. કેવડિયામાં ફિલ્મ સ્ટાર કાર્તિક આર્યન, રણદીપ હુડા, યામી ગૌતમ સહિત અનેક કલાકારો પહોંચ્યા. સાઉથના સુપરસ્ટાર મામૂટી સહિત ફિલ્મ જગતની અનેક હસ્તીઓ નેશનલ ફિલ્મ એવોર્ડ માટે કેવડિયા પહોંચ્યા. રમાડા હોટલ ખાતે મહેમાનોનું પુષ્પહાર, આરતી અને તિલકથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારને લઈ એકતાનગરમાં સુરક્ષા અને વ્યવસ્થામાં વહીવટી તંત્ર સજ્જ. નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહેમાનોની સુરક્ષા અને સમગ્ર વ્યવસ્થાની જવાબદારી સંભાળવામાં આવી.
-
બોટાદની સ્વનિર્ભર શાળા સંચાલકોએ અધિક કલેક્ટર અને નાયબ જિલ્લા શિક્ષણાધિકારીને પાઠવ્યું આવેદનપત્ર
બોટાદની સ્વનિર્ભર શાળા સંચાલકો કલેકટર કચેરીએ જઈને અધિક કલેક્ટર અને નાયબ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન આપ્યું. 150થી વધુ શાળા સંચાલકોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું. ચાર મુખ્ય પ્રશ્નોને લઈને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો. FRC સરળીકરણને લઈને શાળા સંચાલકોમાં રોષ વ્યાપ્યો છે. RTE વિદ્યાર્થીઓની ફી માત્ર ₹13,600 હોવાનો વિરોધ. સરકારના વિવિધ પોર્ટલમાં ડિસ્ટર્બન્સને લઈને રજૂઆત કરાઈ. પોર્ટલ પર માહિતી ઝડપી અપલોડના દબાણનો પણ વિરોધ કરાઈ રહ્યો છે. વિવિધ પ્રશ્નોને કારણે વિદ્યાર્થીઓને ભણાવવામાં મુશ્કેલી હોવાનો દાવો. માગણીઓ નહીં સંતોષાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી.
-
અમદાવાદ શહેરમાંથી નકલી ડેપ્યુટી મામલતદાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ઝડપાયો
અમદાવાદ શહેરમાંથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો. ક્રાઇમ બ્રાન્ચે મણીનગર વિસ્તારમાંથી બોગસ અધિકારીને ઝડપી પાડ્યો. નકલી ડેપ્યુટી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ બની ફરતો હતો. મણીનગર દક્ષિણી રેલવે ક્રોસિંગ પાસેથી આરોપી ઝડપાયો. 40 વર્ષીય કિરીટકુમાર અમીન ઉર્ફે કે.બી. અમીન ઝડપાયો. આરોપી પાસેથી ડેપ્યુટી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, મોડાસાનું બોગસ ID કાર્ડ મળ્યું. કિરીટ અમીન અગાઉ પણ નકલી પોલીસ બની ફરવાના ગુનામાં ઝડપાયો હતો. મળેલી માહિતીના આધારે મણીનગર જયહિંદ ચાર રસ્તા પાસે વોચ ગોઠવાઈ. સરકારી હોદ્દો ના હોવા છતાં અધિકારી તરીકે ખોટી ઓળખ આપતો હતો. ખોટી ઓળખ આપી લોકોને છેતરતો હોવાની ક્રાઇમ બ્રાન્ચની તપાસ. ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી.
-
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી
સોમનાથ મંદિર અને અમદાવાદના ખાનપુરમાં આવેલ ભાજપના શહેર કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીમાં ખાલિસ્તાની ઉલ્લેખીને ઈ મેઈલ મળ્યો છે. ધમકીભર્યા ઈમેઈલને લઈને પોલીસ , BDDS , ડોગ સ્કોર્ડ પહોંચી તપાસ શરૂ કરી છે.
-
ટ્રાફિક પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરવા બદલ, ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા સહિત 4 સામે નોંધાઇ પોલીસ ફરિયાદ
રાજકોટના ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા સહિત 4 સામે નોંધાઇ પોલીસ ફરિયાદ. મહિલા ટ્રાફિક પોલીસ દ્રારા નોંધાવાઇ ફરિયાદ. ફરજ રૂકાવટની નોંધાઇ ફરિયાદ. પદ્મિનીબા વાળા સહિતના લોકોએ ટ્રાફિક પોલીસની કામગીરીમાં રૂકાવટ કરી હતી. સાંઢિયા પુલ નજીક પોલીસે ટ્રાફિક ડાયવર્ટ કરવા લગાવેલા બેરિકેડ હટાવવાની કોશિશ કરી. પોલીસે ના પાડવા છતાં ફરજમાં રૂકાવટ કરતા ગુનો નોંધાયો.
-
મહેસાણાના કડા ગામે ગૌચરમાંથી માટી ચોરી ઝડપાઈ
મહેસાણાના કડા ગામે સરકારી ગૌચરમાંથી માટી ચોરી ઝડપાઈ. વિસનગર તાલુકા પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધ્યો. ગૌચરની જમીનમાંથી 98 લાખની કિંમતી માટી ચોરાઈ હતી. આરોપીઓએ ડમ્પર અને જેસીબી વડે માટીનું ખોદકામ કર્યું. કડા પંચાયતની ગૌચર જમીનમાંથી 39 હજાર ટન માટી ચોરાઈ. જસવંતસિંહ ચાવડા અને નારાયણસિંહ ચાવડા નામના શખ્સો સામે ફરિયાદ. વિસનગર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
-
ગાંધીનગર મનપાની ચૂંટણી માટેના દાવેદારોને આજે સાંભળશે ભાજપના નિરીક્ષકો
ગાંધીનગર મનપાની ચૂંટણી માટેના દાવેદારોને આજે સાંભળશે ભાજપના નિરીક્ષકો. સવારે 11 વાગ્યાથી નિરીક્ષકો સેન્સ લેવાની કાર્યવાહીનો પ્રારંભ કરશે. ભાજપે, પુર્ણેશ મોદી, શબ્દશરણ બ્રહ્મભટ્ટ તથા દુષ્યંત પટેલ સહિત 9 નિરીક્ષકોની પસંદગી કરી છે. જાતિગત સમીકરણ, યુવા, સિનિયર, કાર્યકર્તાના આધારે તૈયાર કરાશે પેનલ. 1 વોર્ડમાંથી 4- 4ના નામની પેનલ નિરીક્ષકો કરશે તૈયાર. આજે દાવેદારો ને સાંભળ્યા બાદ સ્થાનિક સંગઠન સાથે બેઠકમાં તૈયાર થશે પેનલ.
-
જસદણના પંચમુખી હનુમાન મંદિરમાં ચોરીના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ
રાજકોટના જસદણના ગંગાભુવન વિસ્તારમાં આવેલા પંચમુખી હનુમાન મંદિરમાં ચોરીની ઘટના ઘટી છે. ગંગાભુવનના પંચમુખી હનુમાન મંદિરમાં ચોરી થતા ભક્તોમાં રોષ વ્યાપ્યો છે. મંદિરમાંથી ચાંદીના છત્તરની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે. ચોરી કરતા તસ્કરોના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ચોરી કરતા અજાણ્યા તસ્કરો cctv કેદ થયા. 7 દિવસ પહેલા ચોરી ઘટના બની હતી. જસદણ પોલીસે દ્વાર તપાસ કરાઈ રહી છે.
-
સરદાર સરોવર નર્મદા ડેમમાં, ઉપરવાસથી થઈ રહેલ પાણીની આવકમાં ધરખમ ઘટાડો
નર્મદા ખાતે આવેલા સરદાર સરોવર નર્મદા ડેમમાં, ઉપરવાસથી થઈ રહેલ પાણીની આવકમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. ડેમમાં ઉપરવાસમાંથી પાણી આવક ઘટીને હવે માત્ર 9,643 ક્યુસેક થઈ રહી છે. નર્મદા ડેમની હાલની જળસપાટી 137.86 મીટર પર પહોંચી છે. ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમમાંથી પાણી ની જાવક 9,130 ક્યુસેક છે. રિવરબેડ પાવર હાઉસના તમામ ટર્બાઇન બંધ છે. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસના 2 ટર્બાઇન કાર્યરત છે. નર્મદા ડેમ માં હાલ 5,497.60 લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 23 સપ્ટેમ્બર સુધી ગુજરાતની મુલાકાતે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 21 થી 23 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતની મુલાકાતે રહેશે. તેઓ 22 સપ્ટેમ્બરે કેવડિયાના એકતા નગર ખાતે યોજાનાર 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહની અધ્યક્ષતા કરશે. 23 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના 75મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે.
-
અંબાજી નજીક પાંસા પાસે કાર અને પીકઅપ ડાલા વચ્ચે અકસ્માત
બનાસકાંઠાના અંબાજી નજીક કાર અને પીકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પાંસા પાસે સર્જાયેલ અકસ્માતમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બંને ઈજાગ્રસ્તને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. બંને વાહન સામસામે અથડાતાં સર્જાયો અકસ્માત થયો હતો.
-
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ચડ્ડી બનીયાન ગેંગનો આતંક
ચડ્ડી બનીયાન ધારી ગેંગનો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આતંક વકર્યો છે. બોપલ બાદ ચડ્ડી બનીયન ધારી ગેંગનો વધુ એક આતંક અન્ય વિસ્તારમાં પ્રસર્યો છે. હાથીજણ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં ગેંગે ફેરો કર્યો. ચાર લોકોએ હાથીજણમાં ચોરીને અંજામ આપ્યો. બોપલમાં ચોરી બાદ પણ હજુ આ ગેંગ પોલીસ પકડથી બહાર. વધુ એક ચોરી થતા ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી.
Published On - Sep 21,2026 7:15 AM