Asian Games Breaking: ભારતને મોટો આંચકો, વરૂણ સાન્યાલ બેહોશ થતાં ટુર્નામેન્ટમાંથી બહાર, PM ની આર્થિક સલાહકાર સમિતિના સભ્યના છે પુત્ર
એશિયન ગેમ્સમાં ભારત તરફથી મેડલના પ્રબળ દાવેદાર ગણાતા 27 વર્ષીય MMA ફાઇટર વરૂણ સાન્યાલ ક્વોર્ટર ફાઇનલ મુકાબલા પહેલાં ક્રૂઝ શિપ પર અચાનક બેહોશ થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. નેપાળના ખેલાડીએ તેમને કેવી સ્થિતિમાં બચાવ્યા અને ભારતીય ઓલિમ્પિક સંઘે આ અંગે શું મોટો ખુલાસો કર્યો?

એશિયન ગેમ્સમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA) ફાઇટર વરૂણ સાન્યાલ રિંગમાં ઉતર્યા વિના જ સ્પર્ધામાંથી બહાર થઈ ગયા છે. વજન નિયંત્રિત કરવા માટે ક્રૂઝ શિપ પર ‘સોના બાથ’ (Sauna Bath) લેતી વખતે અતિશય થાક અને ડિહાઇડ્રેશન (શરીરમાં પાણીની અછત) ના કારણે તેઓ બેહોશ થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, વરૂણ પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય સંજીવ સાન્યાલના પુત્ર છે.
27 વર્ષીય વરૂણ સાન્યાલને 77 કિગ્રા વર્ગના મેન્સ ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં મેદાનમાં ઉતરવાનું હતું, પરંતુ આ ઘટના બાદ તબીબોએ તેમને સ્પર્ધા માટે અનફિટ જાહેર કર્યા હતા. ભારતીય MMA સ્પોર્ટ્સ ફેડરેશનના પ્રમુખ નિખિલ કુંદરે જણાવ્યું હતું કે, સદનસીબે નેપાળના એક ખેલાડીએ વરૂણને બેભાન અવસ્થામાં જોયા અને તાત્કાલિક હોશમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો.
વરૂણ સાન્યાલ હાલ ખતરાથી બહાર
નિખિલ કુંદરે જણાવ્યું કે, ઘટના બાદ વરૂણને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. તમામ જરૂરી તપાસ અને સારવાર બાદ રાત્રે 3 વાગ્યે તેમને પરત ક્રૂઝ શિપ પર લાવવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત સ્થિર છે, તેઓ વાતચીત કરી રહ્યા છે અને ખતરાથી સંપૂર્ણપણે બહાર છે. જોકે, શરીર જકડાઈ જવું અને દુખાવાની સમસ્યાના કારણે તેઓ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં. ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) અનુસાર, બ્લડ ટેસ્ટ નોર્મલ આવ્યા હોવા છતાં કોચ સાથે ચર્ચા કરીને તબીબી કારણોસર તેમણે ખસી જવાનો નિર્ણય કર્યો છે.
આ અગાઉ પણ વરૂણ સાન્યાલ એશિયન ગેમ્સના આયોજન અને ગેરવ્યવસ્થા સામે અવાજ ઉઠાવીને ચર્ચામાં આવ્યા હતા, જ્યાં તેમણે રૂમ મેળવવા માટે 8 થી 10 કલાક સુધી ભૂખ્યા રહેવું પડ્યું હોવાનો ખુલાસો કર્યો હતો.
સુચિકા તારિયાલે ભારતનો મેડલ નિશ્ચિત કર્યો
વરૂણ સાન્યાલ બહાર થઈ ગયા હોવા છતાં, ભારતીય MMA દળની અન્ય મહિલા ખેલાડી સુચિકા તારિયાલે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણીએ મહિલાઓની 60 કિગ્રા કેટેગરીની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવીને એશિયન ગેમ્સમાં ભારત માટે ઐતિહાસિક મેડલ પાક્કો કરી લીધો છે.
ગઈકાલે સાંજે ક્રૂઝ પરના પોતાના રૂમમાં સોના (sauna) બાથ લેતી વખતે વરુણ સન્યાલને સ્નાયુઓમાં ખેંચાણ અને શરીરના દુખાવાની સમસ્યા થઈ હતી. તેમની તબીબી તપાસ અને સાવચેતીના ભાગરૂપે લોહીની તપાસ કરવામાં આવી હતી, જેના પરિણામો સામાન્ય હતા. આરામ કર્યા છતાં, બીજા દિવસે સવારે તેમને લાગ્યું કે તેઓ કોઈ કોમ્બેટ સ્પોર્ટ (સંઘર્ષ-આધારિત રમત)માં ભાગ લેવા માટે સંપૂર્ણપણે સ્વસ્થ નથી. પોતાના કોચ સાથે પરામર્શ કર્યા બાદ, તેમણે તબીબી કારણોસર સ્પર્ધામાંથી ખસી જવાનો નિર્ણય લીધો,” તેમ ભારતીય ઓલિમ્પિક સંઘે એક નિવેદનમાં જણાવ્યું હતું.
