09 ઓગસ્ટના મહત્વના સમાચાર : ગાંધીનગરના પેથાપુરમાં દુષ્કર્મનો ભોગ બનનાર 17 વર્ષીય સગીરાનું મોત, અતિશય રક્તસ્ત્રાવને કારણે તોડ્યો દમ, પોલીસે ફરિયાદ લઈ આરોપીને દબોચ્યો
Gujarat Live Updates આજ 09 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

આજે 09 ઓગસ્ટને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
થરાદના નાગલા નજીક પિકઅપ ડાલાને નડ્યો અકસ્માત
થરાદના નાગલા નજીક પશુ ભરેલી પિકઅપ ડાલાને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં પિકઅપ ડાલા પલટી જતા તેમાં ભરેલા પશુઓને ઈજાઓ પહોંચી હતી. પિકઅપ ચાલકને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી. આ દરમિયાન અકસ્માત જોઈ રાજ્યકક્ષાના પ્રધાન સ્વરૂપજી ઠાકોરે પોતાની કાર રોકી હતી. સ્વરૂપજી ઠાકોર ભાભરથી થરાદ તરફ એક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા. તેમણે તાત્કાલિક ઈજાગ્રસ્ત પશુઓની સારવાર માટે પશુચિકિત્સકને ફોન કર્યો હતો. સાથે જ અકસ્માતમાં ઈજાગ્રસ્ત પિકઅપ ચાલકને સારવાર મળી રહે તે માટે પણ તાત્કાલિક વ્યવસ્થા કરાવી હતી. પ્રધાનની સમયસૂચકતાથી ઈજાગ્રસ્ત પશુઓ અને ચાલકને તાત્કાલિક સારવાર મળી હતી.
-
ઉજ્જૈન પાસે ગમખ્વાર અકસ્માતમાં ગુજરાતના 6 યુવકોના મોત
મધ્યપ્રદેશના ઉજ્જૈન પાસે ટ્રેલર અને કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં પંચમહાલ જિલ્લાના છ યુવકોના મોત થયા છે. ધાર-ઉજ્જૈન હાઇવે પર આ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, ઉજ્જૈન દર્શન કરી પરત ફરી રહેલી કાર રોંગ સાઈડથી આવી રહેલા ટ્રેલર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર 6 યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકો પંચમહાલ જિલ્લાના ગોધરા અને શહેરા તાલુકાના વતની હોવાનું સામે આવ્યું છે. તમામ યુવકો એક ખાનગી ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
-
-
જામખંભાળિયા પંથકમાં નર્મદાના નીરના વધામણાં
દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા પંથકમાં નર્મદાના નીર પહોંચતા ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. સૌની યોજના હેઠળ આજથી જામખંભાળિયા નજીક આવેલા ઘી ડેમમાં નર્મદાનું પાણી ભરવાની શરૂઆત કરવામાં આવી છે. કોટા ગામે કોટેશ્વર મહાદેવ નજીકથી નર્મદાના પાણીની લાઈન ખોલવામાં આવી હતી. આ લાઈન મારફતે પાણી નદી વાટે ઘી ડેમ સુધી પહોંચશે. નર્મદાનું પાણી ઘી ડેમમાં પહોંચતા પંથકમાં પાણી સંકટમાં મોટી રાહત મળવાની આશા છે. પીવાના પાણીની સાથે સિંચાઈના પાણીની સમસ્યા પણ હલ થવાની આશા છે. નર્મદાના નીરના વધામણાં માટે ધારાસભ્ય મુળુભાઈ બેરા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોની હાજરીમાં નર્મદાના પાણીનું શાસ્ત્રોક્ત વિધિથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઘી ડેમ ભરાતા જામખંભાળિયા શહેર અને આસપાસના અનેક ગામોને પાણીનો મોટો લાભ મળવાની આશા છે.
-
દાહોદમાં આદિવાસી રેલી દરમિયાન ઘર્ષણ, હાલ સ્થિતિ નિયંત્રણમાં
દાહોદમાં આદિવાસી સમાજની રેલી દરમિયાન પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ડીજે સાથે નીકળેલી રેલીને અટકાવવા માટે પોલીસ કાફલો અચાનક ચોકડી નજીક પહોંચ્યો હતો. પોલીસે રેલીને વિખેરવાનો પ્રયાસ કરતા જ રોષે ભરાયેલા લોકો અને પોલીસ વચ્ચે તીવ્ર ઘર્ષણ સર્જાયું હતું. ચાલુ રેલી દરમિયાન પોલીસ કાર્યવાહી થતાં હજારોની મેદની વચ્ચે ભારે નાસભાગ અને અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. સ્થિતિ વણસતા પોલીસ અને આદિવાસી સમાજના આગેવાનો તથા લોકો સામસામે આવી ગયા હતા. ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના પગલે દાહોદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
-
દાહોદમાં આદિવાસી રેલીમાં પથ્થરમારા મુદ્દે AAPના જિલ્લા પ્રમુખે આપ્યુ નિવેદન
દાહોદ શહેરમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે યોજાયેલી રેલી દરમિયાન પોલીસ પર પથ્થરમારાની ઘટના મુદ્દે રાજકારણ ગરમાયું છે. સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાકેશ બારિયાએ નિવેદન આપ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે દાહોદમાં આમ આદમી પાર્ટીને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ચૈતર વસાવાના સમર્થનમાં નીકળેલી રેલીમાં તેમના પોસ્ટરો સાથે જોડાયેલા લોકો કોઈ પક્ષના કાર્યકર્તા નહીં, પરંતુ ચૈતર વસાવાને ચાહનારા સમાજના લોકો હોવાનો તેમણે દાવો કર્યો છે. ચૈતર વસાવા AAPમાં જોડાયા તે પહેલાંથી જ દાહોદમાં પાર્ટીનું સંગઠન હોવાનું પણ બારિયાએ જણાવ્યું. ચૈતર વસાવાના સમર્થકો રેલીમાં જોડાતા ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાયું હોવાનો આક્ષેપ કર્યો. ભાજપ પોલીસને હાથો બનાવી AAPને બદનામ કરવાનું કાવતરું કરી રહ્યું હોવાનો દાવો કરી ખોટી અફવાઓ બંધ કરવા અપીલ કરી છે.
-
-
સુરતના નાના વરાછામાં ખાનગી બસમાં અચાનક લાગી આગ
સુરતના નાના વરાછા ચીકુવાડી વિસ્તારમાં ખાનગી બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. બસમાં એકાએક આગ લાગતા આસપાસના લોકોમાં દોડધામ મચી હતી. જોકે, સ્થાનિક દુકાનદારોએ તાત્કાલિક ફાયર એક્સટિંગ્વિશરની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાના પગલે રસ્તા પર લોકો એકઠા થતાં ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. સ્થાનિકોની સમયસૂચકતા અને તાત્કાલિક કાર્યવાહીથી આગને વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી. આગ કયા કારણોસર લાગી તે અંગેની ચોક્કસ માહિતી સામે આવી નથી. ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
-
સુરતમાં સાંસદ ગોવિંદ ધોળકિયાના ડીપફેક વીડિયોથી ઠગાઈનો પ્રયાસ
સુરતમાં સાંસદ ગોવિંદ ધોળકિયાના ડીપફેક વીડિયોનો ઉપયોગ કરી ઠગાઈનો પ્રયાસ કરાયો હોવાની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર ‘ઓલ્ડ કોઈન કંપની’ના નામે ગોવિંદ ધોળકિયાનો ફેક વીડિયો મૂકવામાં આવ્યો હતો. વીડિયોમાં જૂના સિક્કા ઊંચા ભાવે ખરીદવાની ભ્રામક જાહેરાત કરવામાં આવી હતી. ગ્રાહકો પાસેથી રૂ. 1500 પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, એક નિવૃત્ત DYSPએ સમગ્ર મામલે ક્રોસ ચેકિંગ કરતાં ઠગાઈનો ભાંડો ફૂટ્યો હતો. ત્યારબાદ આ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે BNS અને IT એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી ટેકનિકલ એનાલિસિસ શરૂ કર્યું છે. આરોપીઓ સુધી પહોંચવા પોલીસે તપાસ તેજ કરી છે.
-
રાજ્યભરમાં આજે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની કરાઈ ઉજવણી
રાજ્યભરમાં આજે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરવામાં આવી. રેલી, પરંપરાગત આદિવાસી વેશભૂષા, સાંસ્કૃતિક ઝાંખીઓ અને પરંપરાગત આદિવાસી નૃત્ય અને સંગીતે ઉજવણીમાં આકર્ષણ જમાવ્યું. દાહોદમાં નવજીવન કોલેજ ખાતેથી રેલી યોજાઈ. તો બીજી તરફ બારડોલીમાં પણ ઢોલ-નગારાના તાલ સાથે આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી. ગોધરા શહેરમાં આદિવાસી આગેવાનો અને યુવાઓની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો. છોટાઉદેપુર જિલ્લાના કદવાલ, જેતપુર પાવી, બોડેલી સહિતના વિવિધ વિસ્તારોમાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાયું. તો મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના મોટીરાઠ ગામે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરાયું. કાર્યક્રમમાં વિવિધ ગામોના આદિવાસી સમાજના લોકો પરંપરાગત પોશાકમાં ઉપસ્થિત રહ્યા
-
વડોદરામાં આદિવાસી યાત્રા દરમિયાન મારામારી
આદિવાસી યાત્રા દરમિયાન વધુ એક મારામારીની ઘટના સામે આવી છે. શહેરના સીમા તળાવ રોડ પર કેટલાક યુવકો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઈ હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં કેટલાક યુવકો એકબીજા સાથે મારામારી કરતા જોવા મળી રહ્યા છે. મહત્વની વાત એ છે કે યાત્રા દરમિયાન પોલીસ બંદોબસ્ત અને સતત પેટ્રોલિંગના દાવા કરવામાં આવી રહ્યા છે, તેમ છતાં મારામારીની ઘટના સામે આવતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. હાલ વાયરલ થયેલા વીડિયો અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઘટના પાછળનું ચોક્કસ કારણ શું હતું અને મારામારીમાં કોણ-કોણ સામેલ હતું તે અંગે વધુ તપાસ બાદ હકીકત સામે આવશે.
-
અમદાવાદ શહેરમાં 25 દિવસમાં 25 હજારથી વધુ ખાડા પડ્યા
અમદાવાદને સ્માર્ટ સિટી કહેવાય છે, પરંતુ વરસાદ બાદ શહેરની સ્થિતિ કંઈક અલગ જ કહાની કહી રહી છે. માત્ર 25 દિવસમાં અમદાવાદમાં 25 હજારથી વધુ ખાડા પડ્યા હોવાનો દાવો છે. ચોંકાવનારી વાત એ છે કે શહેરમાં અનેક રસ્તાઓ એવા છે, જે આ જ વર્ષે બન્યા હતા, પરંતુ વરસાદ બાદ ડિસ્કો રોડ બની ગયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ખાડા પૂરવાની કામગીરી તો શરૂ કરી છે, પરંતુ માત્ર બે દિવસના વરસાદે રોડની કામગીરીની ગુણવત્તાની પોલ ખોલી નાખી છે.
છેલ્લા બે વર્ષમાં AMCએ ખાડા પૂરવા માટે 70 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. એટલે કે અમદાવાદીઓના ટેક્સના 70 કરોડ રૂપિયા ખાડામાં ગયા છે. આ ઉપરાંત 1406 કરોડના ખર્ચે 435 કિલોમીટર રસ્તા બનાવાયા, છતાં બે વર્ષમાં 2615 સ્થળે 13 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ખાડા પડ્યા છે. હવે રિયલ ટાઈમ મોનિટરિંગની વાત થઈ રહી છે.
-
આગામી સાત દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની આગાહી
ગુજરાતમાં આગામી સાત દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર રાજ્યમાં લો પ્રેશર, મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જેના કારણે આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. 11 ઓગસ્ટે પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 491.2 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય રીતે 450.5 મિલીમીટર વરસાદ થવો જોઈએ. આમ, રાજ્યમાં સામાન્ય કરતાં 9 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જોકે, સૌરાષ્ટ્રમાં સામાન્ય કરતાં 13 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદને લઈને લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે.
-
મનસુખ વસાવાની પ્રવીણભાઈ માળીને અપીલ
સાંસદ મનસુખ વસાવાએ રાજ્યકક્ષાના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી પ્રવીણભાઈ માળીને ખેડૂતોના પ્રશ્ને રજૂઆત કરી છે. મનસુખ વસાવાએ જણાવ્યું કે પ્રવીણભાઈ માળી સાથે તેમની વાતચીત થઈ છે. તેમણે કહ્યું કે બે તાલુકા વચ્ચે સંબંધ સારા ન હોય તો વન સમિતિના અભિપ્રાય પણ મળી શકે નહીં. અધિકારીઓ અથવા ગાંધીનગરમાં બેઠેલા લોકોની વાત માનીને એક તરફના ખેડૂતોને ખેતી કરવા દેવી અને નર્મદા જિલ્લાના ખેડૂતોને ખેતી કરવા ન દેવી તે યોગ્ય નથી. વસાવાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓની વાત પણ સાંભળવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે માત્ર વન વિભાગના અધિકારીઓના અભિપ્રાયના આધારે નિર્ણય ન લેવો જોઈએ અને સેટેલાઇટ નકશાના આધારે જ નિર્ણય ન લેવાય. પ્રભારી મંત્રી નર્મદા જિલ્લામાં આવીને વાસ્તવિક સ્થિતિ જુએ અને ખેડૂતોને ન્યાય આપે તેવી તેમની લાગણી છે.
-
દ્વારકા રૂ. 2.64 લાખના ચરસના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામેથી SOG પોલીસે રૂ. 2.64 લાખની કિંમતના ચરસના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. રાવલના હનુમાન ધાર વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતા રામાભાઈ ચનાભાઈ ગામીને પોલીસે ઝડપી પાડ્યો હતો. રહેણાંક મકાનમાંથી ચરસનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે SOGએ દરોડો પાડ્યો હતો. મકાનની તલાશી દરમિયાન 1 કિલો 36.4 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ચરસનો જથ્થો કબજે કરી આરોપીની ધરપકડ કરી છે. આ મામલે કલ્યાણપુર પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચરસનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
-
અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટને મળશે વધુ એક ન્યાયાધીશ
ગુજરાત હાઇકોર્ટમાં વધુ એક ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટની કોલેજિયમે જસ્ટિસ માનાશ રંજન પાઠકની ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવાની ભલામણ કરી છે. જસ્ટિસ પાઠક હાલમાં ગુવાહાટી હાઇકોર્ટમાં કાર્યરત છે અને તેમને ઓરિસ્સાથી ગુજરાત હાઇકોર્ટ ટ્રાન્સફર કરવાની ભલામણ કરવામાં આવી છે. હવે રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ તેઓ ગુજરાત હાઇકોર્ટમાં ફરજ સંભાળશે. તેમની નિમણૂક બાદ ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધીને 34 થશે. હાલમાં ગુજરાત હાઇકોર્ટમાં મંજૂર 52 ન્યાયાધીશોના મહત્તમ મહેકમ સામે કુલ 33 ન્યાયાધીશો કાર્યરત છે. જસ્ટિસ પાઠકની નિમણૂકથી હાઇકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધશે.
-
છોટાઉદેપુર: સંખેડા પોલીસ મથકે ગેંગરેપ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો
છોટાઉદેપુરના સંખેડા પોલીસ મથકે ગેંગરેપ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. વડોદરાના વકીલ હિતેશ ગુપ્તા, તેમની પત્ની સુપ્રા હિતેશ ગુપ્તા અને આસિસ્ટન્ટ સહિત ત્રણ સામે મહિલાની ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. ફરિયાદ મુજબ, એક વર્ષ અગાઉ ભાડા કરારના કામથી મહિલા અને તેના પિતા વકીલ હિતેશ ગુપ્તાને મળવા ગયા હતા. આ દરમિયાન વકીલે મહિલાને પોતાની ઓફિસમાં કામ કરવાની ઓફર કરી હતી.
ફરિયાદમાં આરોપ છે કે ઓફિસમાં રાત્રિ રોકાણ દરમિયાન વકીલે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાની જાણ વકીલને કરતાં આસિસ્ટન્ટે ધમકી આપી હોવાનો પણ આક્ષેપ છે. બાદમાં મહિલા વતન પરત ફરી હતી. 22 મે, 2026ના રોજ આસિસ્ટન્ટ ઘરે આવ્યો અને અગાઉના CCTV ફૂટેજ વાયરલ કરવાની ધમકી આપી મહિલાને સાથે લઈ ગયો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્યારબાદ સંખેડા નજીક નર્મદા કેનાલ પાસે વકીલ અને આસિસ્ટન્ટે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. સંખેડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
-
ગાંધીનગર: 17 વર્ષીય યુવતીનું દુષ્કર્મ બાદ મોત
ગાંધીનગરમાં 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ બાદ મોત નીપજ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પેથાપુરમાં રહેતા દિશાંત શર્મા નામના યુવક પર સગીરાને અજાણ્યા ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યાનો આરોપ છે. દુષ્કર્મ બાદ સગીરાના ગુપ્ત ભાગે ગંભીર ઈજા થઈ હતી અને અતિશય રક્તસ્ત્રાવ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. યુવતીને એક બાદ એક ચાર અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. યુવતીના મોત બાદ તેના પિતાએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં દિશાંત શર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પેથાપુર પોલીસે પોક્સો સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
-
દીવના ઝોલાવાડી નજીક સર્જાયેલ અકસ્માત ના CCTV આવ્યા સામે
દીવના ઝોલાવાડી નજીક ગઈ કાલે સર્જાયેલા અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ઝોલાવાડી મેઈન રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલી થાર કારે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે એક્ટિવા હવામાં ફંગોળાઈ ગઈ હતી. અકસ્માતમાં એક્ટિવા પર સવાર ડાંગરવાડી વિસ્તારના યુવાનને પગ અને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ થાર કાર રોંગ સાઈડમાં આવી રહી હોવાનું CCTV ફૂટેજમાં સામે આવ્યું છે. અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સ ન પહોંચતા સ્થાનિકોએ તાત્કાલિક ઈજાગ્રસ્ત યુવાનને દીવની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.
-
વિશ્વ આદિવાસી દીનની ઉજવણીમાં બબાલ
વિશ્વ આદિવાસી દીનની ઉજવણીમાં બબાલના દૃશ્યો સામે આવ્યા છે. ગોધરા રોડ પર મુવાલિયા ચોકડી નજીક માથાકૂટ થઈ હતી. DJ વગાડવાની બાબતે પોલીસ સાથે વાતવાત દરમિયાન લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે ટિયર ગેસના શેલ છોડ્યા હતા. આ પથ્થરમારાની ઘટનામાં અનેક વાહનોને ભારે નુકસાન પહોંચ્યુ છે. સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમા ફેરવાયો છે. આદિવાસી સમાજ દ્વારા ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
-
રેપીડો બાઈક ચાલક ઘંધો ચોપટ કરી રહ્યાં છે, ભાડા વધારો કરી આપો, રાજકોટના ઓટો રિક્ષા ચાલકોની માગ
અમદાવાદ બાદ રાજકોટના રીક્ષા ચાલકોની ભાડું વધારવાની માંગ. રાજકોટમાં મિનિમમ રીક્ષા ભાડું રૂપિયા 20 છે જે 30 થી 40 થવું જોઈએ તેવુ રિક્ષા ચાલકોનું કહેવું છે. રીક્ષા ચાલકોએ કહ્યું રેપીડોના કારણે ધંધા પર અસર વર્તાઈ છે. લોકોને રેપીડો વાળા માત્ર 25 થી 50 રૂપિયામાં લઈ જાય છે. રાજકોટ શહેરમાં 40 થી 50 હજાર રીક્ષા છે. ગેસ, સ્પેરપાર્ટસ અને મેન્ટેનન્સના ભાવ વધ્યા છે. રાજકોટમાં રેપીડોના કારણે રિક્ષાચાલકોના ધંધા ચોપટ થયો છે. રીક્ષા ચાલકોએ કહ્યું આવનારા દિવસોમાં ભાવ વધારીશું. સાથે જ રેપિડોના બાઈકને મંજૂરી ના આપવા પણ માંગ, પર્સનલ વપરાશ માટેના બાઈકનો ટેક્સી તરીકે ઉપયોગ કરવા પર બેન કરવા પણ રિક્ષા ચાલકોની માંગ
-
સરધારના હરિહરાનંદ આશ્રમની કરોડો રૂપિયાની 48 વીઘા જમીન ખાલસા કરી દેવાઈ
સરધારના હરિહરાનંદ આશ્રમની 48 વીઘા જમીન ખાલસા કરી દેવાઈ. કરોડોની કિંમતની ખેતીની જમીન ખાલસા કરવા કલેક્ટર તંત્રનો આદેશ. મહંત ખાતેદાર ન હોવા છતાં ખેતીની જમીન ખરીદીને ટ્રસ્ટના નામે ચડાવી હતી. ગૌશાળા અને ગૌસેવા માટે ટ્રસ્ટના નાણામાંથી જમીન ખરીદી કરી હોવાની દલીલ અમાન્ય રાખવામાં આવી છે. જમીન ખાલાસનો હુકમ થતા રામેશ્વરનંદને મોટો ફટકો પડ્યો છે.
-
8 દિવસ બંધ રહ્યાં બાદ, 9માં દિવસથી ગિરનાર રોપ-વે શરૂ, ભક્તો-યાત્રિકોની લાગી ભીડ
સતત આઠ દિવસ સુધી ગિરનાર રોપવે બંધ રહ્યા બાદ આજે નવમા દિવસે વાતાવરણ અનુકૂળ થતાં ફરી શરૂ થયો છે. રોપ વે શરૂ થતાં જ વહેલી સવારથી જ યાત્રિકોની ભીડ ગિરનાર પર્વતની સીડી તેમજ રોપ વે પર જોવા મળી. હાલ યાત્રિકોને રજીસ્ટ્રેશન કર્યા બાદ ગીરનારની જૂની સીડી, નવી સીડી, રોપવેના માધ્યમથી જવા દેવામાં આવી રહ્યા છે. હાલ ગિરનાર ઉપર ચોમાસાને લઈ સમગ્ર જંગલ વિસ્તાર લીલુંછમ બની જતા ગિરનારે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
-
વેરીફિકેશન વિના જ દુષ્કર્મના આરોપી એવા સિક્યોરિટી જવાનને નોકરીએ રાખનાર એ વન સિક્યોરિટી એજન્સી સામે હાથ ધરાશે કાર્યવાહી
અમદાવાદના આનંદનગરમાં પીજીમાં રહેતી યુવતી પર બળાત્કાર કરનાર સિક્યોરિટી જવાનને નોકરીએ રાખનાર સિકયુરિટી એજન્સી સામે હાથ ધરાશે કાર્યવાહી. એ-વન સિકયુરિટીના માલિક સામે નોંધાશે ફરિયાદ. આનંદનગર પોલીસે સિક્યુરિટીના માલિકને પૂછપરછ માટે બોલાવાયા છે. ગાર્ડનું વેરિફિકેશન નહીં કરાતા નોંધાશે ફરિયાદ. ચાર દિવસ પહેલા જ એ-વન સિકયુરિટી એજન્સીએ દુષ્કર્મના આરોપીને રાખ્યો હતો નોકરીએ. આર.પી તિવારી, શિવકુમાર સિંઘ અને સત્યેન્દ્ર દુબે છે એ-વન સિકયુરિટી એજન્સી ભાગીદારો. થલતેજમાં ઓર્ચિડ મોલમાં આવે છે એ-વન સિકયુરિટી એજન્સીની ઓફિસ.
-
વડોદરાની હોટેલ પ્રેસિડેન્ટના મીટર રૂમમાં લાગી આગ
વડોદરાની હોટેલ પ્રેસિડેન્ટના મીટર રૂમમાં લાગી આગ. સયાજીગંજ કાલાઘોડા સર્કલ પાસે આવેલી છે હોટલ. મીટર રૂમમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગ લાગતા હોટલમાંથી લોકો બહાર નીકળ્યા. ફાયર બ્રિગેડને જાણ કરતા ટીમ ઘટનાસ્થળે પહોંચી. આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા.
-
સાબરમતી સ્ટેશને અને ટ્રેનમાંથી અનધિકૃત વેન્ડરો ઝડપાયા
આજે RPF સાબરમતી અને IRCTC પશ્ચિમ ઝોન અમદાવાદ દ્વારા સંયુક્ત રીતે સાબરમતી રેલવે સ્ટેશન ખાતે તેમજ સાબરમતી–જમ્મુ તાવી એક્સપ્રેસ અને યોગા એક્સપ્રેસ ટ્રેનોમાં અનધિકૃત વેન્ડરો સામે ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન કુલ પાંચ અનધિકૃત વેન્ડરો પાસેથી અનધિકૃત રીતે વેચાણ કરવામાં આવતું પાણી અને છાશ જપ્ત કરવામાં આવ્યું હતું. સંબંધિત વેન્ડરો સામે રેલવે અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવ્યો હતો
-
બુધેલ ગામમાં એક જ સમાજના બે પક્ષો ધોકા- બેટ તેમજ હથિયાર વડે એકબીજા પર તુટી પડ્યા, મહિલા સહીત 3 ઈજાગ્રસ્ત
ભાવનગર શહેરથી ખૂબ જ નજીક આવેલા બુધેલ ગામમાં એક જ સમાજના બે પક્ષ વચ્ચે થઈ જુથ અથડામણ. મહિલા અને યુવકો વચ્ચે ધોકા- બેટ તેમજ હથિયાર વડે થયેલી અથડામણનો LIVE વીડિયો પણ વાયરલ થયો છે. આ ઘટનામાં મહિલા સહિત ત્રણથી વધું ઈજાગ્રસ્ત થયા છે જેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ હથિયારો લઈને અવારનવાર આ પ્રકારની જૂથ અથડામણ ભાવનગર જિલ્લામાંથી સામે આવતી હોય છે. બનાવના પગલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
-
ગુજરાતમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 3 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા
Ahmedabad: રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં લો પ્રેશર, મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી વરસાદી માહોલ યથાવત રહેશે. 11 ઓગસ્ટે પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 491.2 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન 450.5 મીમી વરસાદ થવો જોઈએ, એટલે રાજ્યમાં સામાન્ય કરતાં 9 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જોકે, સૌરાષ્ટ્રમાં સામાન્ય કરતાં 13 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.
-
‘જોરુ કા ગુલામ’ ફિલ્મના દિગ્દર્શક શકીલ નૂરાનીની ધરપકડ, 33 વર્ષીય અભિનેત્રીએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો
જોરુ કા ગુલામ સહિત અનેક જૂની હિન્દી ફિલ્મોના દિગ્દર્શક શકીલ નૂરાનીની મુંબઈની માલવાણી પોલીસ દ્વારા જાતીય સતામણી કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેઓ 12 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે.
-
પીએમ મોદી આજે સાંજે 4 વાગ્યે કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતા ખેલાડીઓને મળશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે, ગ્લાસગો ખાતે યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સ 2026ના મેડલ વિજેતા ખેલાડીઓને મળશે. ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં કુલ 39 મેડલ જીત્યા હતા, જેમાં 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહ્યું હતું.
-
સુરતની સિવિલ હોસ્પિટલમાં પંખા પર લટકીને તબીબે કર્યો આપઘાત
સુરતની સિવિલ હોસ્પિટલમાં તબીબે કર્યો આપઘાત. બોયઝ PGમાં રૂમ 1005માં તબીબે કર્યો આપઘાત. બ્લોક-Bના રૂમ 1005માં આપઘાત કરી જીવન ટૂંકાવ્યુ. મૃતક વ્યવસાયે તબીબ હોવાનું તેના મિત્રો દ્વારા જાણવા મળ્યુ છે. માઈક્રો બાયોલોજીના તબીબે પંખાથી લટકીને કર્યો આપઘાત. ખટોદરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.
-
સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે 98 ડેરી-હોટલમાંથી 30 કિલો અખાદ્ય જથ્થો જપ્ત કર્યો
સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગની સતત ત્રીજા દિવસે કાર્યવાહી. 9 ઝોનમાં 98 ડેરી-હોટલમાંથી 30 કિલો અખાદ્ય જથ્થો જપ્ત કર્યો. છેલ્લાં 3 દિવસમાં ફૂડ વિભાગે 412 સંસ્થા સામે કરી કાર્યવાહી. છેલ્લાં 3 દિવસમાં કુલ 333 કિલો એનાલોગ પનીર-ચીઝ-બટરનો નાશ કરાયો.
-
અમદાવાદના આનંદનગર વિસ્તારમાં PGમાં રહેતી યુવતી સાથે સિકયુરિટી ગાર્ડે આચર્યું દુષ્કર્મ
અમદાવાદના આનંદનગર વિસ્તારમાં PGમાં રહેતી યુવતી સાથે દુષ્કર્મની ઘટના ઘટી છે. ફ્લેટના PGમાં રહેતી યુવતી સાથે સિકયુરિટી ગાર્ડે આચર્યુ દુષ્કર્મ. 1 કલાક સુધી યુવતી સાથે પરપ્રાંતિય ગાર્ડ દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો હતો જો કે, પોલીસે ત્વરીત 10 ટીમ બનાવીને તપાસ હાથ ધરતા પકડાઈ જવા પામ્યો છે. ભોગ બનનાર યુવતી મૂળ કચ્છની રહેવાસી હોવાની વિગત સામે આવી છે. ધર્મવીર નામનો પરપ્રાંતિય સિક્યુરિટી ગાર્ડ દુષ્કર્મ આચર્યું હતું. આનંદનગર પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
-
મહીસાગરના નળ સે જળ કૌભાંડમાં વધુ એક કૌભાંડી કર્મચારીની કરાઇ ધરપકડ
મહીસાગરમાં નળ સે જળ કૌભાંડમાં વધુ એક કૌભાંડી કર્મચારીની કરાઇ ધરપકડ. 123 કરોડના નળ સે જળ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમની કાર્યવાહી. ધરપકડનો આંક પહોંચ્યો 49 પર. CID ક્રાઇમે અત્યારસુધીમાં 49 આરોપીઓની કરી ધરપકડ. તત્કાલીન વાસ્મો કૌભાંડી કર્મચારી ભાવિકકુમાર નવીનચંદ્ર પ્રજાપતિ ખાનપુર તાલુકામાં આસિસ્ટન્ટ ટેક્નિકલ તરીકે બજાવતો હતો ફરજ. ભાવિક પ્રજાપતિએ પોતાના ખાતામાં રૂપિયા 2,86,000 ની લીધી હતી લાંચ. સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે તેને પાલનપુર ખાતેથી દબોચ્યો. કૌભાંડી તત્કાલીન વાસ્મો અધિકારીઓએ, કોન્ટ્રાક્ટરોએ અને સરપંચોએ વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ પર ફેરવ્યું પાણી.
-
ખેડૂતોને જંગલની જમીન પર ખેતી કરતા અટકાવાતા નર્મદાના સાંસદ વસાવા આજે ભાજપ સરકાર સામે કરશે ધરણા
નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ, સુરત જિલ્લા કલેકટરને લેટર લખ્યો પત્ર. જંગલની જમીન ખેડતાં સાગબારાના ખેડૂતોના સમર્થનમાં લખ્યો પત્ર. આદિવાસીના હક માટે સાંસદ મનસુખ વસાવા આજથી બેસશે ધરણા પર. બપોર બાદ સાંસદ મનસુખ વસાવા સહિત અન્ય નેતા પણ ખેડૂતો સાથે ધરણા કરશે. આજે વિશ્વ આદિવાસી દિવસ પર આદિવાસીઓને થતા અન્યાય પર સાંસદ પણ સમર્થનમાં.
-
જસદણ-વિંછીયા રોડ પર અકસ્માતમાં નાયબ મામલતદારનું મોત
જસદણ-વિંછીયા રોડ પર અકસ્માતમાં નાયબ મામલતદારનું મોત થયું છે. સાળંગપુર દર્શન કરીને પરત ફરતાં જલારામ જીન પાસે અકસ્માત સર્જાયો હતો. જીન પાસે કાર ડિવાઈડર સાથે અથડાતાં સર્જાયો ગંભીર અકસ્માત. મૃતક તાલાળા વિસ્તારમાં નાયબ મામલતદારની બજાવતાં હતાં ફરજ. પોલીસે નાયબ મામલતદાર સંજય વડાલીયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યોય
-
અંબાજી નજીક શીતળા માતાની ઘાટી પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો, 2થી 3 કિમી સુધી ચક્કાજામ
અંબાજી નજીક શીતળા માતાની ઘાટી પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. માર્બલના બ્લોક ભરેલા 2 ટ્રેલર અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત. ઈજાગ્રસ્ત ત્રણેય ડ્રાઈવરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. વહેલી સવારે સર્જાયેલ અકસ્માતમાં જાનહાનિના સમાચાર નહીં. ગુજરાત અને રાજસ્થાન તરફ 2થી 3 કિમીના હાઈવે પર ચક્કાજામ થયો છે. સાંકડા માર્ગ પર વધુ વળાંક વાળા ઢોળાવ હોવાથી અવારનવાર સર્જાય છે અકસ્માત.
-
જો વન નેશન વન ઈલેકશન થતુ હોય તો એક આંદોલન દેશનું આંદોલન થઈ શકે, ખેડૂત પર લાઠી ચાલશે તો ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણામાં અસર વર્તાશે
મોરબી ખેડૂત મહાસભામાં રાકેશ ટિકૈટે, આંદોલનકારી ખેડૂતોને પ્રોત્સાહીત કરતું એવુ નિવેદન કર્યું હતું કે, મોરબીમાં ખેડૂતો પર લાઠી ચાલશે તો તે જ દિવસે મુઝફ્ફરનગર, ઉત્તરપ્રદેશ, પંજાબ અને હરિયાણામાં પણ પોલીસ મથકો પર ઘેરાવ કરીને સ્ટેશનને બંધ કરાવાશે. વન નેશન વન ઇલેક્શનની વાત થાય છે તો એક આંદોલન પણ દેશનું વન આંદોલન થશે.
Published On - Aug 09,2026 7:15 AM