AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

08 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : ધોળકાના વૌઠામાં સાબરમતી-વાત્રક નદીના ફરી વળ્યા પાણી, ગામ રોડથી સંપર્ક વિહોણુ બન્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2025 | 10:04 PM
Share

આજે 08 સપ્ટેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

08 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : ધોળકાના વૌઠામાં સાબરમતી-વાત્રક નદીના ફરી વળ્યા પાણી, ગામ રોડથી સંપર્ક વિહોણુ બન્યું

આજે 08 સપ્ટેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 Sep 2025 09:38 PM (IST)

    હિંમતનગરના રામપુર પાસેની હાથમતી નદીમાં બે વ્યક્તિ તણાયા

    હિંમતનગરના રામપુર પાસેથી પસાર થતી હાથમતી નદીમાં બે વ્યક્તિ તણાયા છે. કોઝવે પરથી પસાર થતા પાણીના પ્રવાહ માંથી જોખમી રીતે બાઈક લઈને પસાર થઈ રહ્યા હતાં. પાણીના પ્રવાહમાં તણાતાં વ્યક્તિઓ અને બાઇકને બહાર નીકાળ્યા. બંને વ્યક્તિઓનો આબાદ બચાવ થયો.

  • 08 Sep 2025 09:36 PM (IST)

    ધોળકાના વૌઠામાં સાબરમતી-વાત્રક નદીના ફરી વળ્યા પાણી, ગામ રોડથી સંપર્ક વિહોણુ બન્યું

    અમદાવાદના ધોળકાનુ વૌઠા ગામમાં સાબરમતી નદીના ઘોડાપૂરથી અનેક ઘરોમાં પાણી ભરાયા છે. ધોળકાના વૌઠા ગામે સપ્તનદી સંગમ આવેલો છે. જ્યાં સાત નદીઓ ભેગી થાય છે, એ વિસ્તારમાં વાત્રક નદીનું પણ વધારે પાણી આવતા વૌઠા ગામે સર્જાઇ પૂરની સ્થિતિ. વૌઠા ગામ હાલ સંપર્ક વિહોણું બન્યું છે. વૌઠા ગામના નગરી વિસ્તારમાં આશરે 500 જેટલા મકાનોમાં ભરાયા છે નદીના પાણી. ભરાતા ગામ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વૌઠા ગામની હજારો વીઘા જમીનમાં ડાંગરનો પાક વાવેલો હતો તે સંપૂર્ણ પણે નાશ પામ્યો છે. વૌઠા ગામના લોકોને બહાર અવરજવર માટે ફક્ત ટ્રેક્ટર માં જ જઈ શકે તેવી પરીસ્થિતિમાં મેઈન રોડ ઉપર કમર સુધી પાણી ભરાયા છે. નીચાણ વાળા વિસ્તારના લોકોને સ્થળાંતર કરી અને ઉચાણ વાળા વિસ્તારમાં ખસેડવામાં આવ્યા છે.

  • 08 Sep 2025 09:31 PM (IST)

    સિધ્ધપુરના મુડાણામાં નદીમાં ડૂબતા 2ના મોત

    સિધ્ધપુરના મુડાણાનો બનાવ. સરસ્વતી નદીમાં 3 વ્યકિત ડૂબ્યા હતા. જે પૈકી 2 વ્યકિતના મોત થયા છે. એકનો બચાવ થવા પામ્યો છે. નદીમાં પાણી આવતા નહાવા પડેલા 2ના મોત.

  • 08 Sep 2025 08:45 PM (IST)

    રાજકોટના ચર્ચાસ્પદ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાંથી ડિસ્ચાર્જની માંગણી કરતી અરજીનો હાઈકોર્ટે કર્યો ઘા

    ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસના આરોપીની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિઘોરાની અરજી ફગાવાઈ છે. આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર જયદીપ ચૌધરીની અરજી પણ ફગાવાઈ છે. કેસમાંથી ડિસ્ચાર્જની માંગણી હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઇકોર્ટે આરોપીઓની રિવિઝન અરજી નામંજૂર કરી છે.

  • 08 Sep 2025 08:43 PM (IST)

    સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા નજીક કચ્છનુ નાનું રણ બેટમા ફેરવાયું, મીઠાના અગર ધોવાયા, અગરિયાઓની મહેનત પર ફરી વળ્યાં પૂરના પાણી

    સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા નજીક કચ્છનુ નાનું રણ બેટમા ફેરવાયું છે. પાટડી દશાડા તાલુકામાં પડેલા ધોધમાર વરસાદથી રણમાં પાણી ભરાતા લાખો ટન મીઠાનું ધોવાણ થયું છે. રણમાં અગરીયાઓ એ પકવેલુ મીઠું રણમાં વરસાદી પાણી ભરાતા થયું ધોવાણ. અગરીયાઓએ પકવેલું મીઠું વરસાદથી ધોવાતા અગરીયાઓ મુશ્કેલીમાં મુકાયા છે. કચ્છના નાના રણમાં‌ વરસાદી પાણી ભરાતા રણ‌ ફેરવાયું બેટમા.

  • 08 Sep 2025 08:41 PM (IST)

    વિધાનસભાના સત્ર વચ્ચે અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠા રવાના

    ભારે વરસાદ અને વરસાદી પૂરથી પાણીમાં ડૂબેલ બનાસકાંઠાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી રવાના થયા છે. બનાસકાંઠા જિલ્લામાં વાવ થરાદ અને સૂઇગામમાં પૂર જેવી પરિસ્થિતિ છે. ભારે વરસાદન કારણે અનેક ગામમાં પાણી ભરાયા અને ગામ બન્યા છે સંપર્ક વિહોણા.

  • 08 Sep 2025 08:32 PM (IST)

    ભરુચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ ભાજપ ! અરૂણસિંહ રણા અને ઘનશ્યામ પટેલની પેનલ સામસામે

    ભરૂચ જિલ્લાની દૂધધારા ડેરીના રાજકારણમાં ભાજપના પ્રદેશ કક્ષાના મોવડીઓએ બે દિગ્ગજોને ટકરાતાં અટકાવવા પ્રયાસ હાથ ધર્યા છે. ભાજપના બે દિગ્ગજ સહકારી નેતાઓ અરૂણસિંહ રણા અને ઘનશ્યામ પટેલની પેનલ સામસામે ચૂંટણી લડી રહી છે. ભાજપના મેનડેટનો મજાક ના બને તે માટે પ્રયાસ શરૂ કરાયા છે. ઘનશયમ પટેલે મેન્ડેટ મેળવનાર પ્રકાશ દેસાઈને જીતાડવા પોતાના ઉમેદવાર દિપક પાદરીયા પાસે ઉમેદવારી પરત ખેંચાવી છે. અન્ય 14 બેઠકો માટે પણ આજ ફોર્મ્યુલા અપનાવાય તેવી શક્યતા છે. આવતીકાલે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. આવતીકાલ સાંજે 5 વાગ્યા સુધીમાં મોટી નવાજુની જોવા મળી શકે છે. ભાજપની ફોર્મ્યુલાથી માજી ધારાસભ્ય મહેશ વસાવા નારાજ છે. તેમણે કહ્યું છે કે, અરૂણસિંહ જાતે ડેરી ચલાવે છે અને દુધધારા ડેરીના સ્પર્ધક હોવા છતાં ચૂંટણીમાં પેનલ ઉતારે તે અયોગ્ય છે.

  • 08 Sep 2025 08:26 PM (IST)

    સુરતના પલસાણાના જોળવા ગામની સંતોષ ટેક્સટાઇલ મિલ દુર્ઘટનામાં મોતનો આંક 7 થયો

    સુરત મિલમાં ફાટેલા ડ્રમ કેસમાં મોતનો આંક 7 પર પહોંચ્યો છે. ગંભીર રીતે દાઝી ગયેલા વધુ 1 નુ મોત થયું છે. બે લોકો હજુ ગંભીર હાલતમાં હોવાનું સામે આવ્યું છે. મૃતકના પરિવારને મિલના માલિક 15 લાખની આર્થિક સહાય આપશે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામની સંતોષ ટેક્સટાઇલ મિલમાં સર્જાયેલી દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝેલ વધુ બેના સુરતની ખાનગી હોસ્પિટલમાં મોત થયા છે. બે દિવસમાં ચારના મોતથી આ ઘટનામાં મૃત્યુ આંક 7 પર પહોંચ્યો છે. મૃતકના પરિવારને મિલના માલિક 15 લાખની આર્થિક સહાય આપશે. હાલ પણ સુરતની ખાનગી હોસ્પિટલમાં બે દર્દી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

  • 08 Sep 2025 06:54 PM (IST)

    સવારના 6થી સાંજના 6 સુધીમાં 66 તાલુકામાં વરસાદ, સૌથી વઘુ લખપતમાં સાડા પાંચ ઈંચ

    વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થઈને પાકિસ્તાન તરફ ફંટાઈ જતા, રાજ્યમાં વરસાદનું જોર પ્રમાણમા હળવુ થયું છે. આજે સવારના 6 વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીના સમયગાળામાં 66 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જો કે, કચ્છના લખપત તાલુકામાં સાડા પાંચ ઈંચ, રાપરમાં પોણા પાંચ ઈંચ, બનાસકાંઠાના ભાભરમાં સવાર ચાર ઈંચ, ભચાઉ અને નખત્રાણામાં પણ ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

  • 08 Sep 2025 06:35 PM (IST)

    બનાસકાંઠા, પાટણ, કચ્છ અને મોરબીમાં ભારે વરસાદની આગાહી

    વરસાદને લઇને હવામાન વિભાગે કરી આગાહી. આગામી 3 કલાક હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 4 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, કચ્છ અને મોરબીમાં અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગાજવીજ સાથે ઝડપી ગતિએ પવન પણ ફૂંકાઇ શકે.

  • 08 Sep 2025 06:32 PM (IST)

    અમદાવાદમાંથી નકલી આવકના દાખલા બનાવવાનું કૌંભાડ ઝડપાયું

    સરકારી યોજનાનો લાભ મેળવવા માટે આવકના ખોટા દાખલા બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કરાયો છે. રામોલ પોલીસે બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ છેલ્લા બે વર્ષથી બનાવટી આવકના દાખલા બનાવતા હતા. જો કે આરોપીઓની સાથે કોઈ ઓપરેટર અથવા સરકારી કર્મચારીની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

  • 08 Sep 2025 05:24 PM (IST)

    બનાસકાંઠાઃ પાણીમાં ગરકાવ થઈ જતા, સુઈગામથી વાવ-રાધનપુર-ભાભર જવાના માર્ગો બંધ

    બનાસકાંઠાનુ સુઈગામ જમીનમાર્ગે સંપર્ક વિહોણું બન્યું છે. સુઈગામના અનેક ગામો સંપર્ક વિહોણો બન્યા છે. ચોમેર ફરી વળેલા વરસાદી પૂરના કારણે નાના વાહનો કોઈપણ ગામમાં જઈ શકે તેમ નથી.  સુઈગામ થયું પાણી પાણી થતા,  અનેક જગ્યાએ લોકો ફસાયા હોવાની વિગતો સામે આવી રહી છે. NDRF અને SDRF લોકોને ઉગારવાના કામે લાગી છે. સુઈગામ થી વાવ, સુઈગામથી રાધનપુર,  સુઈગામથી ભાભર સહિતના રસ્તાઓ પાણીમાં રગકાવ થઈ ગયા હોવાથી રસ્તાઓ બંધ થયા છે.

  • 08 Sep 2025 05:12 PM (IST)

    બનાસકાંઠાની સ્થિતિ કફોડી, 289 ગામમાં વીજળી વેરણ થઈ

    બનાસકાંઠાના વાવ થરાદ સુઈગામ વિસ્તારો બેટમાં ફેરવાયા છે. અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ થયા છે. બનાસકાંઠા વહીવટી તંત્રની થરાદ ખાતે બેઠક મળી હતી. બેઠક બાદ જિલ્લા કલેક્ટર એસપી જિલ્લા વિકાસ અધિકારી સહિત તંત્રનો કાફલો વાવ જવા રવાના થયો છે. વાવ થરાદ હાઈવે બંધ થતા કલેકટર તેમજ તંત્રની ગાડીઓ સ્તામાં રોકવામાં આવી છે. વાવ થરાદ હાઇવે પાણીમા ગરકાવ થતા તંત્રનું જવું બન્યું મુશ્કેલ. જિલ્લા કલેકટર એસપી અને ડીડીઓએ પોતાની ગાડીઓ છોડી. રેઈનકોટ પહેરી કલેકટર, એસપી અને ડીડીઓ ખાનગી વાહનમાં વાવ જવા નીકળ્યા છે. હાઇવે ઉપર નાના વાહનો પસાર થઈ શકે તેવી પરિસ્થિતી નથી.

    જિલ્લા કલેકટરના કહેવા મુજબ 12 ગામો સંપર્ક વિહોણા થયા છે. 289 ગામોમાં વીજળી ગુલ થઈ છે. જિલ્લામાં હાલ એક એનડીઆરએફ અને બે એસડીઆરએફની ટીમો મૂકવામાં આવી છે. અન્ય જિલ્લા માંથી NDRF અને SDRF ની અન્ય ટીમો મંગાવવામાં આવી છે. 13 ગામોમાં રસ્તા નો સંપર્ક તૂટી ગયો છે. વહીવટી તંત્રની પ્રાથમિક પ્રાયોરિટી છે કોઈપણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ ફસાયો હોય તો તેનું રેસ્ક્યુ કરવાનું છે.

  • 08 Sep 2025 04:32 PM (IST)

    વિધાનસભા સંકુલથી બહાર નીકળતા વાહનોને ટ્રાફિક નિયમના ભંગ બદલ ફટકાર્યો મેમો

    ગુજરાતમાં ટ્રાફિક પોલીસે હાથ ધરેલ ખાસ ઝુંબેશ અતર્ગત ટ્રાફિક પોલીસે ગુજરાત વિઘાનસભાની બહાર નીકળતા વાહનોનુ પણ ખાસ ચેકિંગ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસથી મીડિયામાં ધારાસભ્યો, રાજકીય પક્ષના નેતાઓ, પદાધિકારીઓના વાહનોમાં ટ્રાફિકની જે ઝુંબેશ હાથ ધરવામા આવે છે તે નિયમોનું પાલન નથી થતું એવા અહેવાલો વહેતા થયા હતા. જેના અનુસંધાને, આજે ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે ટ્રાફિક પોલીસ વિધાનસભા સંકુલમાંથી નીકળતા વાહનોનુ ચેકિગ કરતી નજરે પડી હતી.

    વિધાનસભાની કાર્યવાહી બાદ ટ્રાફિક પોલીસ સક્રિય થઈ હતી. વિધાનસભા બહાર નિકળીતી ગાડીઓમાં સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. ખાસ કરીને કાળા કાચ, નંબર પ્લેટ વિનાની ગાડીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા સરકારી વાહનોમાં કાળા કાચ અને નંબર પ્લેટ વિનાના વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. જુદા જુદા સરકારી કર્મચારી, પોલીસના જવાનોની ગાડીઓ અટકાવાઈ હતી. સ્થળ પર જ મેમો ફટકારી પોલીસ કરી રહી છે કાર્યવાહી.

  • 08 Sep 2025 04:20 PM (IST)

    ગુજરાતમાં સબ રજીસ્ટ્રારની 186 જગ્યાઓ ખાલી

    રાજ્યના જિલ્લાઓની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં, 186 જગ્યાઓ ખાલી છે.  31/07/2025ની સ્થિતિએ વર્ગ 3ના સબ રજીસ્ટ્રારનું મંજૂર મહેકમ 489નું છે. તેની સામે 31/07/2025ની સ્થિતિએ 303 જગ્યાઓ ભરાઈ છે. ખંભાતના MLA ચિરાગ પટેલના સવાલ પર સરકારે વિધાનસભામાં લેખિત જવાબ આપ્યો હતો.

  • 08 Sep 2025 04:16 PM (IST)

    વિધાનસભામાં પુછાયેલા પેટા સવાલથી હાસ્યોની છોળો ઉડી, કોંગ્રેસના જે ધારાસભ્યો લઈ ગયા છો તે તેરા તુઝકો અર્પણ કાર્યકમ થકી પાછા આપવા માગો છે કે કેમ..?

    આજથી શરુ થયેલા ગુજરાત વિઘાનસભાના ચોમાસુ સત્રમાં પ્રશ્નોતરી કાળ દરમિયાન ગૃહ વિભાગ અંતર્ગત તેરા તુઝકો અર્પણ ઝુંબેશને લઈને પ્રશ્ન હતો. જેના એક પેટાસવાલમાં કોંગ્રેસના ધારાસભ્યે, કટાક્ષ કરતા સરકારને કહ્યું હતું કે, કોંગ્રેસના જે ધારાસભ્ય લઈ ગયા છે તે તેરા તુઝકો અર્પણ કાર્યકમ થકી પાછા આપવા માગો છે કે કેમ..?

    જો કે આ પ્રશ્ન પુછતા પહેલા ભૂમિકા બાંધતા ધારાસભ્યે કહ્યું કે, રાજ્ય સરકાર તેરા તુઝકો અર્પણનો ખુબ સારો કાર્યકમ કરી રહી છે. સરકાર આ કાર્યકમ થકી દાદાગીરીથી નાગરિકોના જે રૂપિયા પડાવી લીધા કે ચોરી લીધા તે પરત આપવી રહ્યા છે. પરંતુ મારે પુછવું છે કે શું, કોંગ્રેસના જે ધારાસભ્ય લઈ ગયા છે તે તેરા તુઝકો અર્પણ કાર્યકમ થકી પાછા આપવા માગો છે કે કેમ..? આ પેટા સવાલ પૂછતાની સાથે જ ગૃહના સભ્યો અને અધ્યક્ષ ખડખડાટ હસી પડ્યા હતા.

  • 08 Sep 2025 04:12 PM (IST)

    ગીર સોમનાથના કલેકટરે, સરકારી યોજનાની ખરીદીમાં રૂપિયા 4.5 કરોડનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો ધારાસભ્યે કર્યો આક્ષેપ

    કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સરકારી યોજનામાં ગંભીર ગેરરીતિ આચરવામા આવી હોવાનો આક્ષેપ કર્યો છે.  તેમનુ કહેવું છે કે, શાળાઓમાં જે સાધનો ખરીદાયા તેમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે. 9 કરોડથી વધુની રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે, મોટા પાયે ભ્રષ્ટાચાર કરાયો છે. સ્ટાન્ડર્ડ કંપનીના ભાવ અને સરકારી ખરીદીના ભાવમાં મોટો તફાવત છે. આ ખરીદીમાં 4.5 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કરાયો છે. ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર પર વિમલ ચુડાસમાના ભ્રષ્ટાચારના આક્ષેપ. આ મુદ્દે CBI ની તપાસ કરાવવા માંગ કરી છે.

  • 08 Sep 2025 04:00 PM (IST)

    બોગસ હથિયાર કેસમાં 102 આરોપીઓ ઝડપાયા, 47 હજી પણ ફરાર 

    રાજ્યમાં ખોટી રીતે હથિયાર લાયસન્સ મેળવનાર સામે કડક કાર્યવાહી કરાઈ હોવાનુ સરકારે વિધાનસભામાં જણાવ્યું છે. એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં જણાવ્યું છે કે, છેલ્લા બે વર્ષમાં 102  આરોપીઓને ખોટા લાયસન્સ બાબતે પકડવામાં આવ્યા છે. ખોટી રીતે હથિયાર મેળવવાના કેસમાં 47 આરોપીઓ હજીપણ ફરાર છે. ગૃહ વિભાગે માત્ર ત્રણ કેસમાં જ ફોજદારી કાર્યવાહી કરીને આટલા ગુનેગારોને ઝડપા પાડ્યા છે.

    બોગસ હથિયાર કેસમાં, 102 આરોપીઓ ઝડપાયા, 47 હજી પણ ફરાર

  • 08 Sep 2025 03:37 PM (IST)

    સરહદી સુઈગામ, ભાભર, વાવ, થરાદ, દિયોદરમાં કુદરતી આફત, સાંસદ – ધારાસભ્યોએ પ્રજાને રામભરોસે છોડીનો આક્ષેપ

    બનાસકાંઠા જિલ્લાના આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.  વાવ, ભાભર, સુઈગામ, દિયોદર પંથકમાં ભારે વરસાદથી મુશ્કેલીઓ વધી છે. ભાભર, સુઈગામ હાઈવે ભારે વરસાદ અને પાણી ભરાવવાને કારણે બંધ કરવો પડ્યો છે. ભાભર સુઈગામ વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાયા છે.  ખેડૂતોને ઉભા પાકને ભારે નુકસાન થયું છે. માર્ગમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે તો રોડ પણ તૂટ્યા છે. સરહદ વિસ્તાર સુઈ ગામના 16 ગામ જમીન માર્ગે સંપર્ક વિહોણા થતા કલેક્ટર  સરહદી વિસ્તારમાં પહોંચ્યા છે. ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયુ છે. ખેડૂતો પશુપાલકો અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સરહદ વિસ્તારમાં સાંસદ દિલ્હી અને નેતાઓ ગાંધીનગરમાં હોવાથી લોકોમાં વ્યાપક આક્રોશ ફેલાયો છે. તંત્રને ખબર નથી કે કેટલો વરસાદ પડ્યો છે અને ક્યાં મદદ કરવી. સુઈગામ 20 ઇંચ તો ભાભર 12 ઇંચ અને વાવ થરાદમાં ભારે વરસાદ છતાં હજી નથી પહોંચી કોઈ રાહત મદદ.

  • 08 Sep 2025 03:32 PM (IST)

    સાબરમતી નદીના પાણીએ, ખેડાના રસિકપુરા ગામમાં તબાહી સર્જી

    અમદાવાદના વાસણા બેરેજમાંથી સાબરમતી નદીમાં છોડવામા આવેલા પાણીથી, ખેડાના રસિકપુરા ગામમાં તબાહી સર્જાઈ છે. સાબરમતી નદી કિનારે આવેલ રસિક પુરા ગામમાં સ્થળ ત્યાં જળ  જેવી સ્થિતિ નિર્માણ પામી છે. આખુ રસિકપુરા ગામ પાણીમાં ડૂબ્યું છે. રસિકપુરા ગામના સામે આવેલા આકાશી નજારામાં, સાબરમતી નદીના પાણીએ વેરેલી તબાહી સ્પષ્ટ પણે જોઈ શકાય છે. જોકે તંત્ર દ્વારા ગામમાં ફૂડ પેકેટની કોઈ વ્યવસ્થા કરવામાં ના આવતા સ્થાનિક સરપંચે સુકા નાસ્તા તરીકે ચવાણું મંગાવી લોકોને તેના ફુડ પેકેટ બનાવીને વહેંચ્યા હતા.

  • 08 Sep 2025 03:23 PM (IST)

    પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પૂર્વ સ્વર્ગસ્થ ધારાસભ્યો, અમદાવાદ વિમાન દુર્ઘટનામા અવસાન પામેલા દિવંગતોને વિધાનસભામા પાઠવાઈ શ્રદ્ધાંજલિ

    ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજથી શરૂ થયેલા વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખો દ્વારા પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઇ રૂપાણી અને અમદાવાદની વિમાન દુર્ઘટનામા અવસાન પામેલા દિવંગતો તેમજ પૂર્વ દિવંગત ધારાસભ્યઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

    આ સત્રના પ્રથમ દિવસે રજૂ થયેલા શોકદર્શક ઉલ્લેખોમાં ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણી, ગુજરાતના પૂર્વ મંત્રી સ્વ. શ્રીમતી હેમાબેન સૂર્યકાંત આચાર્ય, ગુજરાતના પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી સ્વ. ઇશ્વરસિંહ શિવાજી ચાવડા અને સ્વ. શ્રીમતી નૂરજહાંબખ્ત મોહમ્મદ ઈબ્રાહીમખાન બાબી, ગુજરાતના પૂર્વ નાયબમંત્રી સ્વ. પ્રો. બળવંતરાય બચુલાલ મણવર તથા અમદાવાદના કાળુપુર મતવિસ્તારના પૂર્વ ધારાસભ્યો સ્વ. ભૂપેન્દ્રકુમાર સેવકરામ પટણી અને પૂર્વ ધારાસભ્ય સ્વ રણછોડભાઇ કરસનભાઇ મેરને શ્રદ્ધાંજલિ આપી હતી.

  • 08 Sep 2025 03:08 PM (IST)

    અમદાવાદમાં પબ્લિક મહિલા શૌચાલયમાંથી મૃત નવજાત બાળક મળ્યું

    અમદાવાદના બાપુનગર ભીડભંજન હનુમાન મંદિરની નજીક આવેલા જાહેર શૌચાલયમાંથી એક નવજાત મૃત બાળક મળી આવતા ચકચાર મચી જવા પામી છે. વોટર ફ્લશનાં ઢાંકણામાંથી નવજાત મૃત બાળક મળ્યુ છે. મહિલા શૌચાલયમાંથી નવજાત મળતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. અજાણી મહિલા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ.

  • 08 Sep 2025 02:49 PM (IST)

    બનાસકાંઠાઃ આકાશી આફતને પગલે જનજીવન પ્રભાવિત

    બનાસકાંઠામાં આકાશી આફતના કારણે જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે. રેલ નદીના વધુ પાણી છોડાતા પંથકમાં ભારે વિનાશ જોવા મળ્યો છે. નદીનું પાણી ફરી વળતાં અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે અને થરાદના ડૂવાથી પાવડાસણ વચ્ચેનો માર્ગસંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે.

  • 08 Sep 2025 02:28 PM (IST)

    બનાસકાંઠાઃ વાવાઝોડા સાથે વરસાદને પગલે ખેતીમાં નુકસાન

    બનાસકાંઠામાં વાવાઝોડા સાથે થયો ભારે વરસાદ ખેતી માટે વિનાશકારી સાબિત થયો છે, જ્યાં જોરદાર પવનના કારણે ખેતરમાં ઊભા પાકને મોટી નુક્સાની પહોંચી છે, ખાસ કરીને થરાદ-ધાનેરા પંથકના ખેડૂતોને આ નુકસાન ખૂબ જ ભારે લાગ્યું છે, કારણ કે ગઈકાલે ફૂંકાયેલું મીની વાવાઝોડા ખેડૂતોના પાકને બરબાદ કરી દીધા છે.

  • 08 Sep 2025 01:51 PM (IST)

    નેપાળમાં ઓલી સરકાર સામે વિરોધ, રસ્તાઓ પર સેના તૈનાત

    નેપાળમાં યુવાનોએ ઓલી સરકાર સામે વિરોધ શરૂ કર્યો છે. પરિસ્થિતિ જોઈને સરકારે રસ્તાઓ પર સેના તૈનાત કરી છે. નેપાળ પોલીસે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડા પ્રધાનના નિવાસસ્થાનોની આસપાસ કર્ફ્યુ લાદી દીધો છે જેથી વિરોધીઓ તેમના નિવાસસ્થાનોમાં પ્રવેશ ન કરે.

  • 08 Sep 2025 01:51 PM (IST)

    વડોદરાઃ મનપામાં સમાવેશ થતા હોવા છતાં ઉંડેરા ગામમાં હાલાકી

    દ્વારકામાં દાદાનું બુલ્ડોઝર ફરી ચાલ્યુ, ભીમરાણા ગામમાં ૩૫ વર્ષ જૂના ધાર્મિક દબાણો અને ગેરકાયદે દરગાહ-ઓરડીઓ તોડી. પોલીસ અને SDMની હાજરીમાં અંધશ્રદ્ધા વિરુદ્ધ કાર્યવાહી થઇ.

  • 08 Sep 2025 01:36 PM (IST)

    દ્વારકામાં ફરી ચાલ્યુ દાદાનું બુલ્ડોઝર

    દ્વારકામાં ફરી દાદાનું બુલ્ડોઝર ચલાવવામાં આવ્યું છે. ભીમરાણા ગામમાં ધાર્મિક દબાણોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. સરકારી જમીન પરથી ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે. છેલ્લા 35 વર્ષથી કરાયેલા દબાણોને હટાવાયું છે. દરિયાકાંઠે આવેલી ત્રણ ગેરકાયદે દરગાહ તોડી પાડવામાં આવી છે. ગેરકાયદે બનાવેલી ઓરડીઓ પણ દૂર કરવામાં આવી છે. આ સ્થળે અંધશ્રદ્ધા ફેલાવાતી હોવાનો પણ ખુલાસો થયો છે. ડિમોલિશન દરમિયાન પોલીસ અને SDMની ટીમ હાજર રહી હતી.

  • 08 Sep 2025 01:34 PM (IST)

    ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં જળસ્તર વધ્યું

    અમદાવાદ નજીક ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં જળસ્તર વધ્યું છે અને તેના કારણે આસપાસના ગામોમાં પાણી ઘૂસી ગયા છે. ખાસ કરીને દસક્રોઈ તાલુકાના મહિજડા ગામમાં નદીના પાણી ઘુસતાં ગામ અને ખેતરોમાં પાણીનો ભરાવ જોવા મળ્યો છે. આસપાસના ગામોમાં પણ સાબરમતી નદીનું પાણી ખેતરો સુધી પહોંચતાં કૃષિ ઉત્પાદનને ભારે નુકસાન થયું છે. ડાંગરના પાક અને શાકભાજી પાકમાં મોટું નુકસાન નોંધાયું છે. ગામના ખેતરોમાં નદી જેવી ધોધવાહિની પાણીની દ્રશ્યાવલી જોવા મળી રહી છે અને આખા વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળે છે.

  • 08 Sep 2025 01:33 PM (IST)

    વિધાનસભામાં ગેરકાયદે હથિયારોના મામલે ચર્ચા થઈ

    વિધાનસભામાં ગેરકાયદે હથિયારોના મામલે ચર્ચા થઈ હતી, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ રાજ્યમાં ખોટી રીતે હથિયારના લાયસન્સ મેળવનારા વિરુદ્ધ કાર્યવાહી અંગે પ્રશ્ન કર્યો હતો. તેના જવાબમાં સરકાર દ્વારા માહિતી આપવામાં આવી હતી કે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ખોટી રીતે સ્વરક્ષણ માટેના હથિયારના લાયસન્સ મેળવનારા ત્રણ શખ્સો સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.  સરકાર દ્વારા કુલ 102 આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે, જ્યારે હજુ 47 આરોપીઓ પકડથી દૂર છે. પકડાયેલા તમામ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે.

  • 08 Sep 2025 12:53 PM (IST)

    રાજકોટ: ભાયાવદરમાં ભૂગર્ભ ગટરના ખોદકામ બાદ હાલાકી

    રાજકોટના ભાયાવદર શહેરમાં ભૂગર્ભ ગટરના ખોદકામ પછી લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડાઓ ખોદ્યા બાદ યોગ્ય રીતે પુરાણ ન કરવામાં આવતા વરસાદી પાણી ભરાઈ કીચડ અને ગંદકી ફેલાઈ છે. શહેરના અનેક રસ્તાઓ પર ઊંડા ખાડાઓ હોવાના કારણે વાહનો ફસાઈ જવાની ઘટનાઓ સર્જાઈ રહી છે. ઠેરઠેર પડેલા ખાડામાંથી પસાર થતી વખતે વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.

  • 08 Sep 2025 12:33 PM (IST)

    સતત વધી રહેલા અસામાજિક તત્વોના આતંક સામે સરકારે વિધાનસભા ગૃહમાં જાહેર કરી માહિતી

    વિધાનસભા ગૃહમાં સતત વધી રહેલા અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ અંગે સરકાર દ્વારા મહત્વપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી. ખાસ કરીને અમદાવાદ અને સુરત શહેરમાં અસામાજિક તત્વો સામે થયેલી કાર્યવાહીનો વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આવ્યો. 31 જુલાઈ, 2025ની સ્થિતિએ,અમદાવાદમાં 1108 અસામાજિક તત્વો સામે પાસાની દરખાસ્ત કરવામાં આવી છે, જ્યારે 278 તત્વો સામે તડીપારની દરખાસ્ત દાખલ કરવામાં આવી છે. તે જ રીતે સુરત શહેરમાં 986 તત્વો સામે પાસાની અને 339 સામે તડીપારની દરખાસ્ત આપવામાં આવી છે. ધારાસભ્ય જીતેન્દ્ર પટેલે પુછેલા પ્રશ્નના જવાબમાં ગૃહ વિભાગે આ વિગત રજૂ કરી હતી.

  • 08 Sep 2025 12:21 PM (IST)

    ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલો વિધાનસભામાં ગુંજ્યો

    વિધાનસભામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દો ગુંજ્યો. જેમાં સરકાર દ્વારા 22 લોકોના મૃત્યુ થયા હોવાનો અધિકૃત સ્વીકાર આપવામાં આવ્યો. દુર્ઘટના મામલે કાર્યવાહીરૂપે ચાર અધિકારીઓને બેદરકારી બદલ ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા છે. ગંભીરા બ્રિજ ઘટના બાદ રાજ્યભરના બ્રિજોની તાકીદે ચકાસણી કરાવવા માટે સરકાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી. R એન્ડ B વિભાગના હસ્તકના કુલ 1054 મેજર બ્રિજ, 5475 માઇનોર બ્રિજ અને 239 સીડી સ્ટ્રક્ચરનું પુનઃ નિરીક્ષણ કરાયું. આ નિરીક્ષણ બાદ 148 પુલો ભારે વાહનો માટે અને 18 પુલો તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવાની ફરજ પડી. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે આ માહિતી આપી.

  • 08 Sep 2025 12:20 PM (IST)

    વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન

    વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસ પક્ષ દ્વારા  વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સત્ર શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભાના પગથિયાંએ એકત્રિત થયા અને નારાબાજી સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો. તેમના વિરોધનું મુખ્ય મુદ્દા તરીકે મંત્રી બચુ ખાબડ સામે મનરેગા કામકાજમાં ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવાની અને બચુ ખાબડને તાત્કાલિક રાજીનામું આપવાની માગણીઓ કરવામાં આવી.

  • 08 Sep 2025 11:19 AM (IST)

    અમદાવાદઃ કાલુપુરમાં જર્જરિત મકાન ધરાશાયી

    અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલા રાજા પુરુષોત્તમની ખડકીમાં એક જૂનું જર્જરિત મકાન અચાનક ધરાશાયી થયું છે. ઘટના કાલુપુર સ્વામિનારાયણ મંદિર નજીકની છે, જેને લઈને સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થવાની માહિતી મળતી નથી. મકાન ધરાશાયી થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી. તંત્ર દ્વારા સુરક્ષાના દ્રષ્ટિકોણે આસપાસના વિસ્તારોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

  • 08 Sep 2025 11:00 AM (IST)

    કચ્છનું સફેદ રણ દરિયામાં ફેરવાયું

    કચ્છમાં અવિરત ધોધમાર વરસાદને કારણે પ્રસિદ્ધ સફેદ રણમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ધોરડાના વોચ ટાવર સુધી પાણી પહોંચતા આખું રણ જાણે દરિયામાં ફેરવાઈ ગયું છે. વરસાદનું પાણી ફેલાઈ જતાં સફેદ રણમાં દરિયાની જેમ મોજાં ઉછળતા દ્રશ્યો જોવા મળ્યા છે. સતત વરસાદના કારણે આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે પ્રાકૃતિક સૌંદર્યવિશે જાણીતું રહેલું રણ હાલમાં પાણીથી ઘેરાઈ ગયું છે.

  • 08 Sep 2025 10:52 AM (IST)

    બનાસકાંઠાઃ દાંતીવાડા ડેમ 73.24 ટકા ભરાયો

    બનાસકાંઠામાં આવેલા દાંતીવાડા ડેમમાં સતત વરસાદની અસર હેઠળ પાણીની આવક યથાવત છે. હાલમાં ડેમ 73.24 ટકા ભરાઈ ગયો છે અને તેની પાણીની સપાટી 594.29 ફૂટ પર પહોંચી છે. ડેમમાં હાલમાં 19,815 ક્યુસેક જળ પ્રવાહ નોંધાઈ રહ્યો છે. નોંધનીય છે કે ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે, એટલે કે હજુ પણ થોડી ખાલી જગ્યા બાકી છે, પરંતુ સતત આવક જોતા તંત્ર દ્વારા ચોકસાઈ રાખવામાં આવી રહી છે.

  • 08 Sep 2025 10:47 AM (IST)

    રાજકોટઃ અંડરબ્રિજમાં પાણી ભરાતા હાલાકી

    રાજકોટમાં થયેલા ભારે વરસાદને કારણે ગોંડલ ઉમવાડા વિસ્તારમાં આવેલ અંડરબ્રિજ નીચે ભારે માત્રામાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે રાહદારો અને વાહનચાલકો બંનેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અંડરબ્રિજ નીચે વારંવાર વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં નથી આવ્યો. પાણી ભરાઈ જતાં બ્રિજ નીચેથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે અને લોકોને અન્ય માર્ગો અપનાવવાની ફરજ પડી રહી છે. આ હાલતમાં સ્થળ પર ટ્રાફિક પણ પ્રભાવિત થયો છે.

  • 08 Sep 2025 10:47 AM (IST)

    સાબરકાંઠા: ભારે વરસાદથી સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા

    સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે હિંમતનગર-ધનસુરા સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પર ગંભીર અસર પડી છે. ખાસ કરીને હડિયોલ નજીકના વિસ્તારમાં હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકોને તીવ્ર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકથી આ માર્ગ પર સતત પાણી ભરેલા હોવાને કારણે રસ્તો પસાર કરવો જોખમભર્યો બની ગયો છે. યોગ્ય નિકાલ વ્યવસ્થા ના હોઈ વરસાદી પાણીનો વ્હાળો ન થવાથી પરિસ્થિતિ વધુ જટિલ બની છે. અનેક વાહનો પાણીમાં બંધ પડી જતા ટ્રાફિક જામ અને રવાડા જેવી સ્થિતિ સર્જાઈ છે, જે સ્થાનિકો અને મુસાફરો માટે ચિંતાજનક બની છે.

  • 08 Sep 2025 10:40 AM (IST)

    કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકવાદી ઠાર

    જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદનો ખાત્મો કરવા માટે કામગીરી વધુ તીવ્ર બનાવવામાં આવી છે. આ કારણે સોમવારે કુલગામમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઓપરેશનમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. ઓપરેશનમાં એક આતંકવાદી ઠાર મરાયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટરમાં સેનાના એક JCO ઘાયલ થયા છે. તે પોતાની ટીમ સાથે શંકાસ્પદ ઠેકાણા તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ તેના પર ગોળીબાર કર્યો. હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે 2-3 આતંકવાદીઓ છુપાયેલા છે. ઓપરેશન હજુ પણ ચાલુ છે.

  • 08 Sep 2025 09:54 AM (IST)

    ખેડા જિલ્લાના રસિકપુરા ગામની સ્થિતિ અત્યંત ગંભીર

    સાબરમતી નદીમાં આવેલા પૂરને કારણે ખેડા જિલ્લાના રસિકપુરા ગામની સ્થિતિ અત્યંત ગંભીર બની છે. ધોળકા હાઈવે પર સાબરમતી નદીના કિનારે આવેલું રસિકપુરા ગામ પૂરના પાણીમાં ગરકાવ થયું છે..ગામનું આરોગ્ય કેન્દ્ર, મંદિરો, સરકારી શાળા અને ઈન્દિરા નગરી સહિતના વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. સાબરમતી નદી પરનો પુલ પણ જોખમી સ્થિતિમાં છે. પુલના તમામ પિલર પાણીમાં ડૂબી ગયા છે અને પાણીનો પ્રવાહ ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે..તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

  • 08 Sep 2025 09:24 AM (IST)

    બનાસકાંઠાઃ સુઈગામમાં મેઘ તાંડવથી સ્થિતિ વણસી

    બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં મેઘ તાંડવ સર્જાતા સ્થિતિ ગંભીર બની છે. છેલ્લા 24 કલાકમાં અહીં 16 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે લીંબોળી, ભરડવા, જલોય સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે સ્થાનિક જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. પરિસ્થિતિને ધ્યાને લઈ તંત્રએ NDRF અને SDRFની ટીમોની તાત્કાલિક મદદ માંગવી પડી છે. NDRFની ટીમ લીંબોળી ગામે પહોંચીને લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાવશે. સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, અને તંત્ર દ્વારા રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે.

  • 08 Sep 2025 08:52 AM (IST)

    ઉત્તર ગુજરાતમાં બારે મેઘ ખાંગા, બનાસકાંઠામાં સાંબેલાધાર

    ઉત્તર ગુજરાતમાં બારે મેઘ ખાંગા, બનાસકાંઠામાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ સુઈગામમાં 16.14 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભાભરમાં 12.91 ઈંચ, વાવમાં 12.56 ઈંચ વરસાદ વરસ્યો છે. કચ્છના રાપરમાં પણ 12.48 ઈંચ વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં રાજ્યના 222 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. પાટણના સાંતલપુર, રાધનપુરમાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો. 13 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો. 53 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો.

  • 08 Sep 2025 08:28 AM (IST)

    પંચમહાલ: લોકો પાયલટની સમયસૂચકતાથી ટ્રેન દુર્ઘટના ટળી

    પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદને કારણે રેલવે ટ્રેકનું ધોવાણ થતાં મોટી દુર્ઘટના થવાની શક્યતા હતી, પરંતુ લોકો પાયલટની સમયસૂચકતાથી તે ટળી ગઈ. ગોધરા-આણંદ મેમુ ટ્રેન ચલાવતી વખતે ટીંબા રેલવે સ્ટેશન નજીક પાયલટે સમયસર ટ્રેન રોકી લીધી, કારણ કે ટ્રેક પર નુકસાન થયું હતું. બાદમાં ટ્રેક ઉપર મેટલના પુરાણનું કામ હાથ ધરવામાં આવ્યું અને ત્યારબાદ ટ્રેનને આગળ ચાલવા દેવામાં આવી. મુસાફરો મુજબ આ ઘટનાને પગલે ટ્રેન લગભગ એક કલાક સુધી મોડું થઈ હતી. પાયલટની તત્પરતા અને સચેતતાને કારણે મોટી દુર્ઘટના ટળી છે.

  • 08 Sep 2025 08:26 AM (IST)

    અમદાવાદ: સાબરમતી નદીએ રૌદ્ર રૂપ ધરતા ધોળકામાં એલર્ટ

    અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સાબરમતી નદીમાં પાણીના વધારા કારણે રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. ધરોઈ ડેમ અને વાસણા બેરેજમાંથી વધુ પડતું પાણી છોડાતા નદીમાં પ્રવાહ વધી ગયો છે, જેના કારણે ધોળકાના કાંઠા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને સરોડા ગામ નજીક નદીનું વિકરાળ રૂપ નજરે પડી રહ્યું છે. નદીના પુલ પાસે ધોળકા રૂરલ પોલીસ દ્વારા ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે અને કાંઠા વિસ્તારોમાં સતત પોલીસ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. સ્થાનિક લોકો અને પ્રવાસીઓને નદી કિનારાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ના બને.

  • 08 Sep 2025 08:15 AM (IST)

    રાજકોટ: જસદણનાં દેવપરા ગામે સગીરનો આપઘાત

    રાજકોટ: જસદણનાં દેવપરા ગામે સગીરે આપઘાત કર્યો. 17 વર્ષીય સગીરાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું. પરિવારનાં સભ્યો ઠપકો આપતા માઠું લાગતા અંતિમ પગલું લીધું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ લવાયો.

  • 08 Sep 2025 08:02 AM (IST)

    બનાસકાંઠા : શાળાઓ, કોલેજો તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓ આજે બંધ રહેશે

    બનાસકાંઠામાં ભારે વરસાદની પરિસ્થિતિને લઈ તમામ આંગણવાડી, શાળાઓ, કોલેજો તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓ આવતીકાલે બંધ રહેશે. આજે બંધ રાખવાનો કલેકટર દ્વારા નિર્ણય લેવાયો. ભારે વરસાદ વચ્ચે નાગરિકોએ તકેદારી રાખવા તથા સુરક્ષિત રહેવા જિલ્લા વહીવટી તંત્રએ અપીલ કરી.

  • 08 Sep 2025 08:01 AM (IST)

    કચ્છમાં આજે શાળાઓ રહેશે બંધ

    કચ્છમાં આજે શાળાઓ બંધ રહેશે. ભારે વરસાદની આગાહીના પગલે નિર્ણય લેવાયો. આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ રહેશે બંધ. કચ્છ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો.

  • 08 Sep 2025 07:35 AM (IST)

    ગાંધીનગર: આજથી વિધાનસભાનું ચોમાસુ સત્ર

    ગાંધીનગર: આજથી વિધાનસભાનું ચોમાસુ સત્ર શરુ થશે. આજથી 10 સપ્ટેમ્બર સુધી 3 દિવસનું સત્ર મળશે. વિધાનસભામાં ચોમાસું સત્રમાં 5 બિલ ગૃહમાં રજૂ થશે. GST સુધારા વિધેયક અને ફેક્ટરી એક્ટ સુધારા વિધેયક રજૂ થશે. 10 વાગ્યે ભાજપ વિધાયક દળની બેઠક મળશે. 12 વાગ્યાથી સત્રમાં પ્રશ્નોતરી કાળ શરૂ થશે. સત્રની શરૂઆતમાં પૂર્વ મુખ્યપ્રધાન રૂપાણીને શ્રદ્ધાંજલિ આપશે. 11 વાગ્યે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરે તેવી શક્યતા છે.

Published On - Sep 08,2025 7:33 AM

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">