7 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : પાવાગઢ જવાના હોવ તો આ જાણી લેજો, રોપ વે સેવા 17 ફેબ્રુઆરીથી આટલા દિવસો રહેશે બંધ
આજે 07 ફેબુઆરી શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 07 ફેબુઆરી શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પર લગાવ્યો પ્રતિબંધ, અધિકારીઓ અમેરિકામાં પ્રવેશી નહીં શકે
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે, જે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) પર પ્રતિબંધ લાદતો છે. વ્હાઇટ હાઉસના એક અધિકારીના જણાવ્યા અનુસાર આ પ્રતિબંધો ICC દ્વારા અમેરિકાના નાગરિકો અને તેના સહયોગી દેશોની તપાસ સામે લગાવવામાં આવ્યા છે. આ પ્રતિબંધો હેઠળ, ICC અધિકારીઓ સામે હવેથી યુએસમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટની કાર્યવાહીની નિંદા કરતા કહ્યું કે, તેઓએ એક ખતરનાક દાખલો બેસાડ્યો છે.
-
રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું- કોલ્ડ પ્લે કોન્સર્ટને કારણે 400 કરોડનો બિઝનેશ મળ્યો
ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કોલ્ડ પ્લે કોન્સર્ટને લઈને ચોકાવનારુ નિવેદન કરતા કહ્યું કે, આના કારણે સ્થાનિકો અને વેપારીઓને 400 કરોડનો બિઝનેશ મળ્યો છે. પહેલા દિવસની વ્યવસ્થા જોઈને લોકો બીજા દિવસના કોન્સર્ટમાં મોટી સંખ્યામાં આવ્યા હતા. બે દિવસમાં 2 લાખથી વધુ લોકોએ મેટ્રો ટ્રેનની મુસાફરી કરી હતી. અમદાવાદ ટ્રાફિક પોલીસની કામગીરીની સરાહના કરતા હર્ષ સંઘવીએ કહ્યું કે, ટ્રાફિકની વ્યવસ્થાને લઈને સામાન્ય વ્યક્તિ હેરાન થયા નહીં અને બહારથી આવેલા લોકોને પોલીસનો સારો અનુભવ લઈને ગયા છે. કોલ્ડ પ્લે કોન્સર્ટમાં આટલી મોટી સંખ્યામાં ભાગ લીધો હોય તો ગુજરાત રાજ્ય પ્રથમ છે. પોલીસ બંદોબસ્ત અને વ્યવસ્થાને લઈને જનરલ SOP બનાવાશે. કોઈ પણ ઇવેન્ટમાં કાયદા વ્યવસ્થા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને SOP તૈયાર કરવામાં આવશે.
-
-
અંકલેશ્વર નેશનલ હાઇવે પર 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ
અંકલેશ્વર નેશનલ હાઇવે પર ફરી ટ્રાફિક જામ થયો છે. હાઇવે પર 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાંબી કતાર લાગી જવા પામી છે. ટ્રાફિક જામમાં અનેક વાહન ચાલકો અટવાઈ ગયા છે. વાલીયા ચોકડીથી આમલાખાડીનો બ્રિજ સાંકડો હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વાહન ચાલકો દરરોજની ટ્રાફિક જામની સમસ્યાથી હેરાન પરેશાન થઈ ગયા છે.
-
પાવાગઢ જવાના હોવ તો આ જાણી લેજો, રોપ વે સેવા 17 ફેબ્રુઆરીથી આટલા દિવસો રહેશે બંધ
પંચમહાલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રોપવે સેવાનું સમારકામ કરવાનુ હોવાથી બંધ કરવામાં આવશે. પાવાગઢ ખાતે રોપ વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા રોપ વે સેવા 17મી ફેબ્રુઆરીથી બંધ કરવાની જાહેરાત કરાઈ છે. આગામી 17 ફેબ્રુઆરીથી લઈને 1 માર્ચ સુધી રોપ વે સેવા બંધ રહેશે. રોપ વે સમારકામ માટે 13 દિવસ સુધી બંધ રાખવામાં આવશે. સમારકામ સંપન્ન થતા જ 2 માર્ચથી રાબેતામુજબ સેવાનો પ્રારંભ થશે.
-
હરણી બોટ દુર્ઘટનામાં ભોગ બનેલાને વળતર આપવાનો આદેશ
વડોદરા હરણી બોટ દુર્ઘટના કાંડ મામલે વડોદરા નાયબ કલેક્ટરે, વળતર અંગે હાઇકોર્ટનાં આદેશ મુજબ હુકમ કર્યો છે. બોટકાંડનાં મૃતકોનાં પરિવારજનોને વળતરની રકમ કેટલી આપવી તે નક્કી થયું છે. ભોગ બનનાર બાળકનાં પરિવારજન દીઠ રૂપિયા 31.75 લાખ ચુકવવા આદેશ કરાયો છે. જ્યારે બે મૃતક શિક્ષિકાઓને 27.89 લાખ ચુકવવાનો હુકમ કર્યો છે. બે ઇજાગ્રસ્તોને 50-50 હજાર રૂ.વળતર ચુકવવા આદેશ કર્યો છે. વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે વળતર ચુકવવા હુકમ કરાયો છે.
-
-
બનાસકાંઠા DDO સામે હાઇકોર્ટે કરી લાલ આંખ, કોર્ટના આદેશનો તીરસ્કાર કરવા અંગે કાર્યવાહી કેમ ના કરવી ? તે અંગે માંગ્યો જવાબ
ગુજરાત હાઈકોર્ટે, બાનસકાંઠા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી (DDO) સામે લાલ આંખ કરી છે. હાઈકોર્ટે કહ્યું છે કે, “કોર્ટ ઓફ લો” નું સન્માન કરવું ખૂબ જરૂરી છે. જો અધિકારીઓને કોર્ટમાં કેવી રીતે જવાબ આપવો તેનો ખ્યાલ ના હોય તો તેઓ અધિકારી તરીકે રહેવાને લાયક નથી. બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં સરપંચ દ્વારા કરાયેલા ગેરકાયદે દબાણ મામલે હાઈકોર્ટે જવાબ માંગ્યો હતો. જરૂરી સમય આપ્યા બાદ પણ સંતોષકારક જવાબ રજૂ ના થતાં કોર્ટે નોટિસ ફટકારી હતી. કોર્ટના હુકમના તિરસ્કારની કાર્યવાહી કેમ ના કરવી તે અંગે હાઈકોર્ટે ખુલાસો માંગ્યો છે. આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે.
-
ખ્યાતિ હોસ્પિટલ મોત કાંડ મુદ્દે ક્રાઈમ બ્રાંચે 5670 પાનાંની ચાર્જશીટ કરી દાખલ
અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ મોત કાંડ મામલે, ક્રાઈમ બ્રાંચ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે આ કુખ્યાત પ્રકરણમાં 5670 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે. ખ્યાતિ હોસ્પિટલ મોત કાંડમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામા આવી છે. જે પૈકી 8 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરાઈ છે. અત્યાર સુધી કુલ 105 વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી છે. બી એન એસ એસ 183 (જૂનું CRPC-164) મુજબ કુલ 7 સાક્ષીઓના નિવેદન પણ લેવાયા છે. 19 ઇલેક્ટ્રોનિક પુરાવા, 36 ફાઈલો અને 11 રજીસ્ટર કબજે કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે કુલ 34 બેંક ખાતાની માહિતી મેળવાઈ હતી.
-
લો બોલો, પોલીસ સ્ટેશનમાં જ થઈ ચોરી, તસ્કરોએ કાયદાના રક્ષકોને બતાવી તસ્કરી કલા
કચ્છ પોલીસને એક વરવો અનુભવ થવા પામ્યો છે. કાયદાના રક્ષકોને ત્યાં જ તસ્કરોએ તેમની તસ્કરી કલા દર્શાવી છે. વાત છે જખૌ પોલીસ સ્ટેશનની. જ્યાં ચોરીનો બનાવ બનવા પામ્યો છે. તસ્કરોથી પોલીસ સ્ટેશન પણ હવે સલામત નથી રહ્યાં. જખૌ પોલીસ મથકના મુદ્દામાલ રૂમમાં જ તસ્કરોએ હાથ અજમાવ્યો છે. વિવિધ ગુન્હા હેઠળ કબજે કરાયેલ કોપર કેબલની ચોરી થવા પામી છે. પોલીસ મથકમાંથી 45,000 ના કેબલની ચોરીની ફરિયાદ પણ નોંધાઇ છે. જખૌ પોલીસે, અજાણ્યા તસ્કર સામે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ મથકમાં જ ચોરીના બનાવ લઈને પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.
-
પાલનપુર હાઈવે પર 1000 જેટલા દબાણો હટાવ્યાં
પાલનપુરમાં શહેર અને હાઇવે પર વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઈને આજે આર એન બી નગરપાલિકા અને એન એચ આઈ એ દબાણ ઝુંબેશ હાથ ધરી હતી એક હજારથી વધુ થયેલા દબાણો હટાવવા માટે અલગ અલગ વિસ્તારમાં તંત્રની ત્રણ ટીમ કામે લાગી હતી. જોકે એક તરફ ટ્રાફિકની સમસ્યાને લઈને પાલનપુરના જાગૃત નાગરિકોએ બાયપાસ બનાવવા માટે ધારણા શરૂ કરી દીધા છે, તો બીજી તરફ નાગરિકો માની રહ્યા છે કે, દબાણ માત્ર નાટક છે, આવતીકાલે પાછી પરિસ્થિતિ યથાવત હશે.
-
ઉત્તરપ્રદેશ: પ્રયાગરાજ મહાકુંભના મેળામાં ફરી લાગી આગ
પ્રયાગરાજ મહાકુંભમાં ફરી આગની ઘટના બની. મહાકુંભ મેળા દરમિયાન શંકરાચાર્ય માર્ગ પર આવેલા સેક્ટર-18 ખાતે એક શિબિરમાં આગ લાગી. આ આગ ઇસ્કોનથી શરૂ થઇ હોવાનું સામે આવ્યું. ધીરે-ધીરે આ આગ એવી પ્રસરી કે આસપાસના 20થી 22 તંબુ બળીને ખાખ થયા. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમો સ્થળ પર પહોંચી અને આગને કાબૂમાં લીધી. મહત્વનું છે, ઘટનામાં જાનહાનિના કોઇ અહેવાલ નથી. મળતી માહિતી મુજબ, સવારે પોણા 11 વાગ્યે એક પંડાલના ટેન્ટમાં ધુમાડો જોવા મળ્યો હતો. જેની શરૂઆત ઇસ્કોનથી થઇ હતી. આ પછી આગ આસપાસના તંબુઓમાં પ્રસરી હતી.
-
જામનગર: માઉન્ટેડ પોલીસ વિભાગમાં 3 અશ્વોના ભેદી મોત
જામનગર: માઉન્ટેડ પોલીસ વિભાગમાં 3 અશ્વોના ભેદી મોત થયા છે. એક સપ્તાહમાં 3 અશ્વોના મોત થતા પોલીસ વિભાગમાં દોડધામ મચી છે. ચેતક, હરણી અને સરિતા નામના 3 અશ્વોના મોત થયા. પશુ ચિકિત્સકની 3 ટીમોએ અશ્વોનું પોસ્ટમોર્ટમ કર્યું છે. અશ્વોના સેમ્પલને પૃથક્કરણ માટે અમદાવાદ-હરિયાણાની લેબમાં મોકલ્યા છે.
-
રાજ્યના વિવિધ શહેરોમાં ફરી IT વિભાગનું સર્ચ ઓપરેશન
રાજ્યના વિવિધ શહેરોમાં ફરી IT વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. જામનગરના જાણીતા મીઠાના ઉત્પાદક દેવ સૉલ્ટમાં ITનું સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. ડી.એસ.ઝાલા અને હિતેન્દ્ર ઝાલા સહિત 16 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. જામનગર-દ્વારકા હાઈવે પર હરિ નામના ફૂડ મોલમાં પણ તપાસ હાથ ધરાઇ છે. જામનગર, અમદાવાદ અને મોરબીમાં તપાસ ચાલી રહી છે. આયકર વિભાગના સર્ચમાં મોટા બેનામી વ્યવહારો બહાર આવવાની શક્યતા છે.
-
મધ્યમ વર્ગને વધુ એક મોટી રાહત
મધ્યમ વર્ગને વધુ એક મોટી રાહત મળી છે. રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો. પાંચ વર્ષ બાદ વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. હોમ લોન સહિત તમામ લોન સસ્તી થશે.
-
મોરબી: મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલ દેવ સૉલ્ટમાં ITનું સર્ચ ઓપરેશન
મોરબી: મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલ દેવ સૉલ્ટમાં ITએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. માળિયા કચ્છ હાઈવે પર આવેલ દેવ સૉલ્ટ નામની ફેક્ટરીમાં ITનું સર્ચ ચાલી રહ્યુ છે. રાજકોટ, ગાંધીધામ અને અમદાવાદમાં આવેલી તેમની પેઢીઓ પર પણ તપાસ ચાલી રહી છે. 25 ટીમના 100 જેટલા અધિકારીઓ કામગીરીમાં જોડાયા હોવાની માહિતી છે.
-
દિલ્હીની અનેક સ્કૂલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
દિલ્હીની અનેક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અનેક સ્કૂલમાં કોલ કરીને તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.
-
કાતિલ ઠંડીમાં ઠુંઠવાયું ગુજરાત
કાતિલ ઠંડીમાં ગુજરાત ઠુંઠવાયું છે. ઉત્તર ભારતથી ફૂંકાતા ઠંડા પવનોને લીધે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. અનેક શહેરોમાં 15 ડિગ્રીની નીચે તાપમાનનો પારો પહોંચ્યો છે. 8.6 ડિગ્રી સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે. રાજકોટ, કેશોદમાં 10.7 ડિગ્રી, ડીસામાં 11.1 ડિગ્રી તાપમાન છે. આગામી 48 કલાક હજુ ભારે ઠંડીની આગાહી છે.
-
અમદાવાદ: દારૂની હેરાફેરી કરતી 14 મહિલા ઝડપાઈ
અમદાવાદ: દારૂની હેરાફેરી કરતી 14 મહિલા ઝડપાઈ છે. ક્રાઈમ બ્રાંચે 14 મહિલાઓની ધરપકડ કરી છે. મહિલાઓ રાજસ્થાનથી અમદાવાદ દારૂની હેરાફેરી કરતી હતી. ખાનગી બસમાં પેસેન્જર બની દારૂની હેરાફેરી કરતી હતી. આ મહિલાઓ પાસેથી કુલ 99,400ની કિંમતની દારૂની 899 બોટલ જપ્ત કરવામાં આવી છે.
-
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે મહાકુંભમાં લગાવશે ડૂબકી
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે પ્રયાગરાજ જશે. તેઓ મહાકુંભમાં આજે ડૂબકી લગાવશે. યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરશે.
Published On - Feb 07,2025 7:45 AM





