04 જુનના મહત્વના સમાચાર : સુરતમાં ધંધાકીય અદાવતમાં એસિડ નાખી, કટરથી કાપીને હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા
આજે 04 જુન ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 04 જુન ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
સલીમ ડોલા અને તેના સાથીદારોને ત્યાં ED પાડેલા દરોડામાં 1.33 કરોડની રોકડ જપ્ત કરાઈ
ED દ્વારા મુંબઈ, સુરત, અંકલેશ્વર અને રાજકોટમાં 21 સ્થળોએ, આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ તસ્કરી સિન્ડિકેટ સામે મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડાની કાર્યવાહી દરમિયાન, આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ તસ્કરી સિન્ડિકેટને ખાસ નિશાને લેવાઈ હતી. સલીમ ઇસ્માઇલ ડોલા અને તેના સાથીદારો તપાસના કેન્દ્રમાં છે. કેમિકલ સપ્લાયરો, હવાલા ઓપરેટરો અને બેનામી મિલકત ધારકો પર કાર્યવાહી હાથ ધરાઈ છે. દરોડા દરમ્યાન અંદાજે રૂ.1.33 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. વિદેશી ચલણ ,સોનુ અને બેંક ખાતાઓમાં રહેલી રકમ જપ્ત કરાઈ. USD 2,200 જેટલું વિદેશી ચલણ પણ કબજે કરાયું છે. ભારત અને દુબઈની કરોડો રૂપિયાની મિલકતોના દસ્તાવેજો મળ્યા છે. તપાસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક અને હવાલા મારફતે ગુનાની આવકનું સંગ્રહ થયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
-
સુરતમાં ધંધાકીય અદાવતમાં એસિડ નાખી, કટરથી કાપીને હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા
સુરત શહેરમાં હત્યાના કેસના આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. સુરત કોર્ટ દ્વારા આરોપી બેચર કાકડિયાને ફાંસીની સજા ફટકારી. ધંધાકીય અદાવતમાં યુવક પર એસિડ નાખી, કટરથી કાપી નાખી હત્યા કરી હતી. પિતા સાથેની અદાવતમાં પુત્રની હત્યા કરી હતી. આરોપી અગાઉ પણ હત્યા જેવા ગુનાને અંજામ આપી ચુક્યો હતો. જેમાં સજા કાપી આવ્યો હતો ત્યારબાદ અન્ય એક હત્યાના ગુનાને આપ્યો હતો અંજામ
-
-
અમદાવાદમાં ખોદાયેલા ખાડા 7 દિવસમાં પૂરી દેવા તાકીદ, આજથી નવા ખાડા ખોદવાની પરવાનગી નહીં
અમદાવાદમાં ચોમાસાના સમયે ખોદાયેલા ખાડા ગણતરીના દિવસોમાં પુરાઈ જશે. કામ થયું હોય કે ન થયું હોય સાત દિવસમાં ખાડા પૂરી દેવા સૂચના આપી દેવામાં આવી છે. શહેરમાં રહેલા ખાડા સાત દિવસમાં પુરવા સ્ટેન્ડિંગ કમિટીમાં કરાઈ તાકીદ. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આપવામાં આવી સૂચના. કોઈપણ ખાડો સાત દિવસ બાદ ખુલ્લો ના રહે તેવી તાકીદ કરાઈ છે. આજથી એક પણ ખાડા ખોદવા માટે મંજૂરી આપવામાં આવશે નહીં.
-
ભાજપે જાહેર કર્યા રાજ્યસભાના 4 ઉમેદવાર
ભારતીય જનતા પાર્ટીએ, રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાત કરી છે. રાજુભાઈ શુક્લ, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર, જીતેન્દ્ર કંજારિયા હશે ભાજપના રાજ્યસભાના ઉમેદવારો. આ ચારેય ઉમેદવારો બિનહરીફ વિજેતા થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે.
-
ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમ વિમાનનું સફળ લેન્ડિંગ
ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમ વિમાનનું સફળ લેન્ડિંગ. ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઉતરતા પહેલા વિમાને આકાશમાં લગાવ્યા 3 રાઉન્ડ. ઐતિહાસિક ક્ષણ નિહાળવા, એરપોર્ટ ઓથોરિટી, પોલીસ, સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારી રહ્યા હાજર. વિમાનનું પ્રથમ વખત સફળ લેન્ડિંગ થતાં સમગ્ર ભાલ પંથકમાં ખુશી. એરપોર્ટના 4 કિલોમીટર લાંબા રન-વે પર ભવિષ્યમાં દોડશે કાર્ગો ફ્લાઈટ.
-
-
સાહિત્યકાર રાજભા ગઢવીને ગીર જંગલમાં માલધારી તરીકે રહેવાની મંજુરી અપાતા વિવાદ સર્જાયો
સાહિત્યકાર રાજભા ગઢવીને ગીર જંગલમાં માલધારી તરીકે રહેવાની મંજુરી આપવાના મામલે વિવાદ સર્જાયો છે. ગીરમાં માલધારીઓના મુદ્દે રાજકારણ ગરમાયું છે. લોકગાયક રાજભા ગઢવીને ગીરમાં રહેવાની મંજૂરી આપવાના મામલે વિવાદ વકર્યો છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ નેસડામાં વસવાટના નિયમો અંગે તીખા સવાલો પૂછ્યા છે. અમરેલી કલેક્ટરે આ બાબતે નાયબ વન સંરક્ષક (DCF) ધારી પાસે તાત્કાલિક વિગતવાર જવાબ માંગ્યો. આગામી ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં વન વિભાગના DCFને રૂબરૂ હાજર રહેવા આદેશ કરાયો. માલધારીઓના હક અને જંગલના નિયમોની આ લડાઈ આગામી દિવસોમાં મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે.
-
આણંદના ઉમરેઠ પાસેથી મહી કેનાલમાંથી પતિ-પત્નીના મૃતદેહ મળી આવ્યા
આણંદના ઉમરેઠ પાસેથી મહી કેનાલમાંથી પતિ-પત્નીના મૃતદેહ મળી આવ્યા છે. કાલસર ગામ નજીક દંપતીએ મોતની છલાંગ લગાવ્યાની આશંકા. એક મૃતદેહ ભાટપુરા ખાતેથી તો, બીજો મૃતદેહ મંજીપુરા પાસેથી મળ્યો છે. ઉમરેઠ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા છે. દંપતીએ કયા કારણોસર ભર્યું અંતિમ પગલું? તે તપાસનો વિષય છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. મહી કેનાલમાં દંપતીના મોતથી વિસ્તારમાં શોકની લાગણી. સમગ્ર ઘટનાનું રહસ્ય ઉકેલવા પોલીસે તપાસ તેજ કરી.
-
જસદણ નજીક સ્ટેટ હાઈવે પર બળધોય, વિરનગર સહિતના સ્થળોએ ડિવાઈડર તોડવા મામલે આટકોટ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
જસદણ નજીક સ્ટેટ હાઈવે પરનું ડિવાઈડર તોડવા મામલે ગુનો દાખલ કરાયો છે. રાજકોટ કલેક્ટરના આદેશ બાદ ડિવાઈડર તોડનાર સામે પહેલો ગુનો નોંધાયો. બળધોય, વિરનગર સહિતના સ્થળોએ ડિવાઈડર તોડાયા હોવાનું સામે આવ્યું. માર્ગ-મકાન વિભાગના ઇજનેરે અજાણ્યા શખ્સ સામે આટકોટ પોલીસમાં ફરિયાદ નોંધાવી. સરકારી મિલ્કતને રૂ.60 હજારનું નુકસાન થયું. ડિવાઈડર તોડવાથી ભવિષ્યમાં અકસ્માત અને જાનહાનિ થવાનો ભય રહેલો છે. રાજકોટ કલેક્ટરની સૂચના બાદ કાયદેસરની કાર્યવાહી શરૂ. આટકોટ પોલીસ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. સ્ટેટ હાઈવેની રોડ સેફ્ટી સાથે ચેડાં કરનાર સામે કાર્યવાહી. ડિવાઈડર તોડી સરકારી સંપત્તિને નુકસાન કરનાર અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ.
-
સાબરમતી નદીને પ્રદુષિત કરનાર કંપનીને GPCBએ નહીં, ખેડા પોલીસે ઝડપી
ખેડામાં GPCB ઊંઘતું રહ્યું અને ખેડા પોલીસે સાબરમતી નદીને પ્રદૂષિત કરતી કંપની સામે કરી કાર્યવાહી. ખેડા તાલુકાના રસિકપુરા ગામની સીમમાં મણિનગરનો શકીલ શરીફ ચૌહાણ ‘અમન ટ્રેડિંગ’ કંપની ચલાવતો હતો. જ્યાં કપડાના કાચા માલને રંગરોગાન કર્યા બાદ દૂષિત પાણી પાઇપ મારફતે સાબરમતી નદીમાં છોડતો હતો. સ્થાનિક નાગરિકો દ્વારા GPCB માં રજૂઆત કરવા છતાં પણ GPCB દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી ન હતી. નદીમાં દૂષિત પાણી છોડી માનવ અને પશુઓના જીવ જોખમમાં મૂકી, જમીન તથા પાણીને દૂષિત કરનાર કંપનીના માલિક સામે ખેડા LCB પોલીસે કરી કાર્યવાહી. કંપની માલિક સામે ખેડા LCB પોલીસે ખેડા ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાવી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી
-
પ્રજ્ઞાચક્ષુને માર મારનાર ચાંગોદરના મહિલા PSI વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ, અમદાવાદ ગ્રામ્ય SPએ મહિલા PSIને સસ્પેન્ડ કર્યા
પીએસઆઈ દ્વારા પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધને માર મારવાનો મામલે, ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ. પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈ દરજીએ મહિલા પીએસઆઈ વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ. પ્રજ્ઞાચક્ષુએ, ચાંગોદરના પીએસઆઈ સોનલ રાઠોડ વિરુદ્ધ માર મારવાની નોંધાવી ફરિયાદ. પીએસઆઈ દ્વારા પોલીસ મથકમાં જ ગોપાલભાઈને માર મારવામાં આવ્યો હતો. મહિલા પીએસઆઈ ચાંગોદર પોલીસ મથકમાં ફરજ બજાવે છે. જ્યારે પ્રજ્ઞાચક્ષુને ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકમાં માર માર્યો હતો. બે દિવસ પહેલા ચોરીની શંકાએ ગોપાલભાઈએ પીએસઆઈના પુત્રને ઠપકો આપી હાથ ખેચ્યો હતો. મહિલા પીએસઆઈ ગોપાલભાઈને ઘરે સમાધાન માટે પહોચ્યા હતા. ઘટના બાદ પીએસઆઈને ગ્રામ્ય એસપી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
-
Stock Market News : નિફ્ટીમાં આવશે મોટો ઘટાડો? રિપોર્ટમાં મળી રહ્યા 57% મંદીના સંકેત
શેરબજારમાં આગામી ટ્રેડિંગ સેશનને લઈને મહત્વપૂર્ણ સંકેતો સામે આવ્યા છે. એક AI અને OI (Open Interest) આધારિત એનાલિસિસ પ્લેટફોર્મ અનુસાર, નિફ્ટીમાં ઘટાડો થવાની આશરે 57% સંભાવના દર્શાવવામાં આવી છે. પ્લેટફોર્મના ડેટા મુજબ બજારમાં “Short Buildup” જોવા મળી રહ્યું છે, જે સામાન્ય રીતે મંદીના સંકેત તરીકે માનવામાં આવે છે.

-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સુરતના પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સુરતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. કાર્યક્રમ અનુસાર બપોરે સુરત એરપોર્ટ પર તેમનું આગમન થશે, જ્યાંથી તેઓ વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોમાં ભાગ લેશે. વડાપ્રધાન કુલ 18 હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં 12,421 કરોડ રૂપિયાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રકલ્પોનો સમાવેશ થાય છે. ઉપરાંત વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના 7,689 કરોડ રૂપિયાના બે મહત્વપૂર્ણ પેકેજનું લોકાર્પણ કરવામાં આવશે, જ્યારે 4,732 કરોડ રૂપિયાના NHAIના અન્ય ચાર પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ તેમના હસ્તે કરવામાં આવશે. બપોરે 2:45થી 3:30 વાગ્યા દરમિયાન તેઓ હજીરામાં આવેલી L&T કંપનીની મુલાકાત લેશે. સાંજે અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલા ઇન્ડોર સ્ટેડિયમમાં ભવ્ય જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના આગમનને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
-
દમણ: PM મોદી આવતીકાલે દમણની મુલાકાતે
દમણમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વપૂર્ણ મુલાકાત યોજાનાર છે. કાર્યક્રમ અનુસાર વડાપ્રધાન સાંજે 6 વાગ્યે સુરતથી દમણ પહોંચશે અને અંદાજે 2970 કરોડ રૂપિયાના 56 વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે. તેમના હસ્તે નમો હોસ્પિટલ અને નમો એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવશે, જ્યારે આઈકોનિક બ્રિજ અને કન્વેન્શન સેન્ટર સહિતના મહત્વના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. મુલાકાત દરમિયાન વડાપ્રધાન કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત વિશાળ જાહેર સભાને સંબોધશે. તેમના આગમનને લઈને દમણમાં તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સંઘપ્રદેશની પોલીસ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્ર પોલીસના જવાનો પણ ખડેપગે તૈનાત કરવામાં આવ્યા છે.
-
હૈદરાબાદઃ કોમર્શિયલ કોમ્પલેક્ષમાં ભીષણ આગ
હૈદરાબાદમાં એક કોમર્શિયલ કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ KSR ફેશન્સ બિલ્ડિંગમાં અચાનક આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગ ઝડપથી ફેલાતાં કોમ્પલેક્ષમાં આવેલા અનેક શોરૂમ આગની ઝપેટમાં આવી બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 10થી વધુ ટીમો તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસો હાથ ધર્યા હતા. આગના ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા હોવાથી આસપાસના વિસ્તારોમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો હતો. હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે તનતોડ કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
-
નવસારીમાં 2 બાળકોના મોતથી ચકચાર, ગૂંગળામણથી મૃત્યુની આશંકા
નવસારી જિલ્લામાં બે બાળકોના શંકાસ્પદ મોતના મામલે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ બંને બાળકોના મોત ગૂંગળામણના કારણે થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ધારાગીરી નજીક પોતાના ઘર પાસે બંધ પડેલી એક ગાડીમાં બાળકો રમતા હતા, ત્યારે તેઓ બેહોશ હાલતમાં મળી આવ્યા હતા. બાદમાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે પોલીસે પેનલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરી છે.
-
અમરેલી: કંટાળા ગામે જમીન વિવાદમાં હત્યા
અમરેલી જિલ્લાના કંટાળા ગામમાં જમીન વિવાદને લઈને બનેલી મારામારીમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ માતાની જમીનમાં ભાગબટાવાને લઈને બે સગા ભાઈઓ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. નિંદણ કાપવાના મુદ્દે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ દરમિયાન રાઘવ સોંદરવાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું. ઘટનાને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ખાંભા પોલીસે બંને પક્ષોની ક્રોસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ઘટનાની હકીકત જાણવા કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
-
રાજ્યસભાના ઉમેદવારો માટે 50થી વધુ નામોની યાદી મોકલાઈ દિલ્હી
રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોને લઈને મહત્વની રાજકીય ચર્ચાઓ તેજ બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાંથી રાજ્યસભા માટે 50થી વધુ નામોની યાદી દિલ્હી મોકલવામાં આવી છે, જેમાં અનેક જાણીતા રાજકીય અને સામાજિક આગેવાનોના નામો સામેલ હોવાનું કહેવાઈ રહ્યું છે. ચર્ચામાં પૂર્વ મુખ્યમંત્રી Anjaliben Rupani, Jahnavi Vyas, Nitin Patel અને Gautam Gediaના નામો પણ ચર્ચામાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ ઉપરાંત આંતરિક વર્તુળોમાં Naresh Patelના નામની પણ ચર્ચા ચાલી રહી છે. કલાજગતમાંથી Sairam Dave અને Manoj Joshiના નામો પણ સંભવિત ઉમેદવારો તરીકે ચર્ચામાં હોવાનું કહેવાય છે. જો અન્ય કોઈ રાજ્યના વરિષ્ઠ નેતાને ગુજરાતમાંથી રાજ્યસભાની ઉમેદવારી ન અપાય, તો ચારેય બેઠકો પર ગુજરાતના ચહેરાઓને તક મળી શકે છે. જોકે ઉમેદવારોના નામ અંગે અંતિમ નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ દ્વારા લેવામાં આવશે.
-
રાજ્યસભાના ઉમેદવારો માટે નો રિપીટ થિયરી અમલમાં મુકાશે
રાજ્યસભાની આગામી ચૂંટણીને લઈને ઉમેદવારોના નામ અંગે મહત્વના રાજકીય સંકેતો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટી દ્વારા “નો રિપીટ થિયરી” અમલમાં મૂકવાની શક્યતા છે, જેના હેઠળ વર્તમાન કોઈ પણ સાંસદને ફરીથી ટિકિટ આપવામાં નહીં આવે. નરહરિ અમીન, રમીલા બારા અને રામ મોકરિયાનો કાર્યકાળ પૂર્ણ થતો હોવાથી તેમના સ્થાને નવા ચહેરાઓને તક આપવામાં આવશે તેવી ચર્ચા છે. ગુજરાત ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હોવાનું જણાવાઈ રહ્યું છે, જેમાં યુવા અને અનુભવી નેતાઓના સમન્વય સાથે નવી ટીમ બનાવવાની યોજના છે. પાટીદાર, OBC, SC અને ST સમાજમાંથી પણ પ્રતિનિધિત્વ આપવા યાદી તૈયાર કરવામાં આવી છે અને એક મહિલા નેતાને પણ પ્રાધાન્ય મળી શકે છે. ઉમેદવારોની યાદી આજે મોડી સાંજે જાહેર થઈ શકે છે, જોકે જો તેમાં વિલંબ થાય તો વડાપ્રધાનની ગુજરાત મુલાકાત બાદ અંતિમ જાહેરાત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
-
સુરતના વેસુમાં 5 વ્યક્તિ લિફ્ટમાં ફસાયા
સુરતના વેસુ વિસ્તારમાં આવેલા ગેલોપિન કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં લિફ્ટ ફસાઈ જવાની ઘટના સામે આવી છે, જેમાં પાંચ લોકો અંદર અટવાઈ ગયા હતા. મળતી માહિતી મુજબ લિફ્ટ અચાનક બંધ થઈ જતાં 7 વર્ષના બાળક સહિત કુલ 5 વ્યક્તિઓ અંદર ફસાઈ ગયા હતા, જેના કારણે થોડીવાર માટે ગભરાટનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને લિફ્ટનો દરવાજો તોડી તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સમયસર કરાયેલા બચાવ કાર્યને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
-
અંબાજી: ચિખલા હેલીપેડ પર બુટલેગરોની બર્થડે પાર્ટી
અંબાજી નજીક ચીખલા હેલીપેડ પર બુટલેગરો દ્વારા બર્થડે પાર્ટી યોજવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે, જેમાં કાયદા અને નિયમોના ખુલ્લેઆમ ઉલ્લંઘન થયાનું જોવા મળ્યું છે. મળતી માહિતી મુજબ હેલીપેડ પર જ નશાની હાલતમાં ઉજવણી કરવામાં આવી હતી અને તેનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. આ ઘટનાએ વિસ્તારમાં ચર્ચા જગાવી છે કારણ કે જાહેર સ્થળે આવી રીતે પાર્ટી યોજાતાં નિયમોની અવગણના થઈ હોવાનું માનવામાં આવે છે. ઘટનાને લઈને પોલીસની કામગીરી સામે પણ સ્થાનિકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસની માંગ કરવામાં આવી છે.
-
સાબરકાંઠા: હિંમતનગરમાં કારમાં લાગી ભીષણ આગ
સાબરકાંઠાના હિંમતનગરમાં નવા જિલ્લા કોર્ટ સંકુલની દિવાલ પાસે એક કારમાં અચાનક ભીષણ આગ લાગી હતી, જેના કારણે વિસ્તારમાં થોડીવાર માટે દોડધામ મચી ગઈ હતી. કાર અચાનક ભડકે બળવા લાગી હોવાનું જાણવા મળ્યું છે અને થોડા જ સમયમાં તે સંપૂર્ણ રીતે આગની લપેટમાં આવી ગઈ હતી. નોંધનીય છે કે 24 કલાક બાદ જ નવા કોર્ટ સંકુલનું ઉદ્ઘાટન DyCM અને હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા થવાનું છે, ત્યારે ઉદઘાટન પહેલાં જ કોર્ટ સંકુલ નજીક આ ઘટના બનતા ચર્ચાનો વિષય બન્યો છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ પોલીસ દ્વારા આગ લાગવાના કારણો તેમજ કાર સંબંધિત વિગતો એકત્રિત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
-
રાજકોટઃ મહીકા નજીક રેસ્ટોરન્ટમાં રેફ્રિજરેટરનું કમ્પ્રેસર ફાટ્યું
રાજકોટ નજીક મહીકા વિસ્તારમાં આવેલી ઠાકરધણી રેસ્ટોરન્ટમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. રેસ્ટોરન્ટમાં લાગેલા રેફ્રિજરેટરના કમ્પ્રેસર અચાનક ફાટવાથી મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાના સમયે રસોડામાં કામ કરતા એક સગીરનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. બપોરના સમયે બનેલી આ ઘટનાથી રેસ્ટોરન્ટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
-
અમદાવાદ: SG હાઇવે પર ડમ્પર ચાલકનો આતંક
અમદાવાદના SG હાઈવે પર ડમ્પર ચાલકે બેફામ રીતે વાહન હંકારીને માર્ગ પર ભયનો માહોલ સર્જ્યો હતો. મળતી માહિતી મુજબ રોંગ સાઈડ પર દોડતા ડમ્પરે એક કારને ટક્કર મારી અને ડિવાઈડર પણ ક્રોસ કરી દીધું હતું, જેના કારણે રસ્તા પર અન્ય વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. ટ્રાફિક પોલીસ દ્વારા ડમ્પરને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયો હતો. અંતે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
-
સુરત: SMCના અધિકારીએ સર્જ્યો અકસ્માત
સુરતમાં પાલનપુર કેનાલ રોડ પર SMCના એક અધિકારીએ અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ અધિકારીએ એક કાર અને ત્રણ બાઈકને અડફેટે લીધા હતા, જેના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર સંબંધિત અધિકારી દારૂના નશામાં હોવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકો ભેગા થઈ ગયા હતા અને SMCના અધિકારી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. ઘટનાને લઈને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
-
રાજકોટ: 8 વર્ષ બાદ ઉકેલાયો બાળકની હત્યાનો કેસ
રાજકોટમાં 8 વર્ષ જૂનો એક ચોંકાવનારો બાળક હત્યાનો કેસ અંતે ઉકેલાયો છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે બાળકને પશ્ચિમ બંગાળથી બાળ મજૂરી માટે લાવવામાં આવ્યો હતો. આરોપી ઠેકેદાર અજીત મૌલાએ બાળક કામ ન કરતો હોવાથી તેની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. વધુમાં ખુલાસો થયો છે કે આરોપીએ હત્યા બાદ બાળકના શરીરના ટુકડા કરીને અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. તપાસ દરમ્યાન બાળકનું માથું આજી નદીના પટમાંથી મળી આવ્યું હતું. પોલીસે કેસને ઉકેલવા માટે પરિવારના DNA સહિતની વૈજ્ઞાનિક પ્રક્રિયા હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ રાખી છે.
-
ગુજરાત પોલીસના ઓપરેશન ડેલ્ટા પર નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કરી પોસ્ટ
ગુજરાત પોલીસ દ્વારા ગેરકાયદે ઘૂસણખોરો સામે ‘ઓપરેશન ડેલ્ટા’ હેઠળ રાજ્યવ્યાપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાયબ મુખ્ય પ્રધાન Harsh Sanghaviએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે માત્ર 24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ચલાવવામાં આવેલા આ અભિયાન દરમિયાન ગેરકાયદે રીતે રહેતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. DyCMએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે રાજ્યમાં ગેરકાયદે પ્રવેશ કરનારા અને આશ્રય આપનારા કોઈપણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે અને ઘૂસણખોરો સામે કાયદા મુજબ સખત પગલાં ભરવામાં આવશે.
-
રાજ્યના 16 જિલ્લામાં વરસાદ અને વાવાઝોડાનું યલો એલર્ટ
રાજ્યમાં આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના 16 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની સંભાવના વધી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં તેજ ગતિએ પવન ફૂંકાવાની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.
-
રશિયા પર યુક્રેનનો ભયંકર હુમલો
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેને રશિયાના સેંટ પિટર્સબર્ગ શહેર પર ડ્રોન વડે ભયંકર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. હુમલાના લાઇવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા, જેમાં મોટા ધડાકા અને આગના ગોટેગોટા જોવા મળ્યા હતા. માહિતી મુજબ યુક્રેને રશિયાના મહત્વના ઓઈલ ટર્મિનલને નિશાન બનાવ્યું હતું, જેના કારણે ટર્મિનલને ભારે નુકસાન પહોંચ્યું છે. આ હુમલાથી રશિયાને આર્થિક અને વ્યૂહાત્મક રીતે મોટો ફટકો પડ્યો હોવાનું માનવામાં આવે છે. યુક્રેનના ડ્રોન હુમલાએ રશિયાની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા કર્યા છે.
-
ટ્રમ્પ ફ્રાન્સમાં G7 સમિટમાં હાજરી આપશે
ઈરાન યુદ્ધને લઈને સાથી દેશો વચ્ચે વધી રહેલા તણાવ છતાં, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાન્સમાં આગામી G7 સમિટમાં હાજરી આપવાનો પોતાનો ઈરાદો જાહેર કર્યો. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર જણાવ્યું હતું કે તેઓ વ્હાઇટ હાઉસ ખાતે UFC ફાઇટ ઇવેન્ટ પછી સમિટ માટે રવાના થશે.
Published On - Jun 04,2026 7:48 AM
