Gandhinagar: CM ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદની સર્વગ્રાહી સમીક્ષા કરી, હવામાનના વરતારા પ્રમાણે કલેકટરને સજજ રહેવા માટે આપ્યા સૂચન
રાજ્યના 27 જિલ્લાઓના 111 તાલુકાઓમાં 1 મિ.મિ.થી 47 મિ.મિ. વરસાદ નોંધાયો છે. મુખ્યત્વે 18 જિલ્લાના 33 તાલુકાઓ એવા છે, જ્યાં 10 મિ.મિ.થી વધુ વરસાદ પડ્યો છે. એટલું જ નહી, તારીખ પાંચ માર્ચથી નવમી માર્ચ દરમિયાન 27 જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા જિલ્લા કલેક્ટરો સાથે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ યોજીને કરી હતી. ખાસ કરીને અમરેલી, જુનાગઢ તેમ જ સૌરાષ્ટ્ર–કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં થયેલા આ કમોસમી વરસાદથી રવિપાકોની ગુણવત્તાના નુકસાન સહિતના અન્ય નુકસાન તેમજ ઉનાળુ પાકો અને ફળાઉ પાકોના નુકસાનની પ્રાથમિક વિગતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેળવી હતી.
તેમણે સંબંધિત જિલ્લા કલેક્ટરોને તેમના જિલ્લાઓમાં થયેલા ખેતીવાડી નુકસાનનો પ્રાથમિક સરવે કરાવી લેવા પણ દિશાનિર્દેશો આપ્યા હતા. આ સંદર્ભમાં જિલ્લા કલેક્ટરોએ પોતાના જિલ્લામાં પાક નુકસાન સહિતના નુકસાનીના સર્વે માટે ટીમ્સ કાર્યરત કરી દેવામાં આવી છે. તેની વિસ્તૃત વિગતો આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરોને માર્ગદર્શન આ૫તા કહ્યું કે, આ સર્વેમાં કોઈને અન્યાય ન થાય તે રીતે સર્વે કરીને નિયમાનુસારની ચુકવણી માટે યોગ્ય કાર્યવાહી થાય તે આવશ્યક છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર ૫ટેલે એમ ૫ણ જણાવ્યું હતું કે કેન્દ્રીય હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણમાં પલટાનો જે સંભવિત વર્તારો દર્શાવ્યો છે, તેની સામે પાક સંરક્ષણ સહિતનું આગોતરુ આયોજન જિલ્લાસ્તરે તમામ કલેક્ટર કરી લે.
એટલું જ નહિ, માનવમૃત્યુ કે ૫શુ જાનહાનિ ન થાય તે માટે સતર્ક રહીને સાવચેતી અને સલામતીના ૫ગલાઓ લેવા તેમણે તાકીદ કરી હતી.
કમોસમી વરસાદ અન્વયે અગમચેતીના ભાગરૂપે પાક સંરક્ષણ માટે લેવાનાં થતાં પગલાં અંગે જિલ્લા કક્ષાએથી એગ્રી એડવાઈઝરી સ્થાનિક પ્રચાર માઘ્યમોમાં આપીને ખેડૂતોને સમયાનુસાર હવામાન અંગેની જાણ થતી રહે તેવી વ્યવસ્થા કરવા આ વિડીયો કોન્ફરન્સમાં કલેક્ટરોને માર્ગદર્શન આ૫તા મુખ્ય સચિવે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદી સ્થિતિના કરેલા આકલન દરમિયાન જણાવવામાં આવ્યું કે રાજ્યના 27 જિલ્લાઓના 111 તાલુકાઓમાં 1 મિ.મિ.થી 47 મિ.મિ. વરસાદ નોંધાયો છે. મુખ્યત્વે 18 જિલ્લાના 33 તાલુકાઓ એવા છે, જ્યાં 10 મિ.મિ.થી વધુ વરસાદ પડ્યો છે. એટલું જ નહી, તારીખ પાંચ માર્ચથી નવમી માર્ચ દરમિયાન 27 જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.
આગામી 21 માર્ચથી ફરીથી રાજ્યમાં માવઠાની આગાહી
ગુજરાતમાં હજુ બે દિવસ સુધી કમોસમી વરસાદનો માહોલ જોવા મળશે. 21 માર્ચના ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થશે. 21 થી 22 માર્ચે ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે એ પહેલા આજે ગાંધીનગર અને અમદાવાદમાં સામાન્ય વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ભારે વરસાદને કારણે ખેડૂતોને પારવાર નુકશાન થયુ છે. લણણીના ટાણે પાકને નુકશાન થતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. બધા પાકને સરેરાશ 60 થી 70 ટકા નુકસાનીનો ખેડૂતોનો દાવો છે. તો સાથે જ પાકને પારાવાર નુકશાન થતા સરકાર પાસે રાહતની માગ કરી છે. ખેડૂતોનુ કહેવુ છે કે મંડળીઓમાં ધીરાણ ભરવાનો સમય આવ્યો અને નુકસાની પણ આવી.પાક વીમાનું પ્રીમિયમ ભરીએ છીએ પરંતુ નુકસાનીમાં યોગ્ય વળતર ન આપતા હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે.
વિથ ઇનપુટ, દિવ્યાંગ ભાવસાર, ટીવી9 ગાંધીનગર