રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીની અદ્યતન માહિતી મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં મંગળવારે સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદ, તીવ્ર ગતિએ પવન ફૂંકાવો તથા વાતાવરણમાં આવેલા બદલાવ સામે તંત્રની સજ્જતા અંગે તેમણે ઉચ્ચસ્તરીય બેઠકમાં વિગતો મેળવી હતી.
મુખ્ય સચિવ રાજકુમારે જિલ્લા વહીવટીતંત્ર સાથે યોજેલી બેઠકની માહિતી મુખ્યમંત્રીને આપતા જણાવ્યું કે સુરક્ષા અને સલામતીના પગલાંના ભાગરૂપે અત્યાર સુધી કચ્છ, પોરબંદર, જુનાગઢ, જામનગર, દેવભૂમિ-દ્વારકા, ગીર-સોમનાથ, મોરબી અને રાજકોટ એમ કુલ 8 જિલ્લાઓમાં 37,794 લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા છે. આ 8 જિલ્લાઓમાંથી 6229 અગરિયા ભાઈબહેનોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે
આરોગ્ય વિભાગની સજ્જતા અંગે જરૂરી દવાઓ તથા અન્ય સામગ્રીના જથ્થાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં 521 જેટલા પી.એચ.સી., સી.એચ.સી., હોસ્પિટલને આરોગ્ય-રક્ષક દવા, સાધનો, જનરેટરથી સજ્જ કરવામાં આવ્યા છે. પૂર સંભવિત વિસ્તારોમાં 157 (108) એમ્બ્યુલન્સ સેવાઓ સહિત કુલ 239 એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ છે. કચ્છમાં સંભવિત વિકટ સ્થિતીમાં આરોગ્ય સુવિધા જાળવી રાખવા 4 સી.ડી.એચ.ઓ – 15 મેડીકલ ઓફિસર-સંયુકત પશુપાલન નિયામક ફરજરત કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં વિનાશક વાવાઝોડા બિપરજોયની તારાજીમાંથી લોકોને બચાવવા માટે એન.ડી.આર.એફ.ની 15 તથા એસ.ડી.આર.એફ.ની 12 ટીમો તહેનાત કરાઈ છે. માર્ગને થનારા સંભવિત નુકસાનને પહોચી વળવા માટે, માર્ગ અને મકાન વિભાગની 115 ટીમ અને ઊર્જા વિભાગની 597 ટીમ સતર્ક કરાઈ છે. જે સંભવિત આપત્તિમાં માર્ગ પરની આડશો, દુરસ્તીકામ તથા વીજપુરવઠાની વિપરિત અસરો સામે પુનઃસ્થાપન માટે સજ્જ છે. 167 જે.સી.બી, 230 ડમ્પર સહિત 924 મશીનરી અને વાહનો સાથે માર્ગ-મકાન વિભાગ સજ્જ થયુ છે. કચ્છમાં એસ.ઇ. ને ખાસ ફરજ સોંપાઇ છે.
ગુજરાત સરકારે વિનાશક વાવાઝોડા બિપરજોય સામે ઝીરો ટોલરન્સની નીતિને ધ્યાને લઈને, આઠ જિલ્લામાંથી 37,794 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. 869 મીઠા અગરના 6229 અગરિયાઓને પણ અન્યત્ર શિફ્ટ કરવામાં આવ્યા છે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો