ગુજરાતમાં (Gujarat ) કોંગ્રેસ તૂટવાનો સિલસિલો હજી પણ યથાવત છે, હજી આવનારા દિવસોમાં કોંગ્રેસના(Congress ) કેટલાંક ધારાસભ્યો પાર્ટીનો સાથ છોડી શકે છે. કોંગ્રેસ પાર્ટીએ એક આત્મ મંથન કરવાની જરૂર છે, કારણ કે પાર્ટીમાંથી નેતાઓ અને ધારાસભ્યોનું જવું એ જનાધાર ખોવા બરાબર છે.. કોંગ્રેસ પાર્ટીને આવી ગયો અણસાર એટલે જ અશોક ગેહલોત ને ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે.
રાષ્ટ્રપતિ પદની ચૂંટણી સમયે યુપીએના ઉમેદવારને મત ન આપીને એન.ડી.એ. ના ઉમેદવારને મતદાન કરનારા કોંગ્રેસના ધારાસભ્યો પણ કોંગ્રેસ પાર્ટીનો સાથ છોડી દે તો એ શક્યતા પણ નકારી ન શકાય. એક વાત એવી પણ સામે આવે છે કે સૌરાષ્ટ્રના કેટલાક ધારાસભ્યો તેમજ ઉત્તર ગુજરાત માંથી પણ કેટલાક ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. સમય આવશે ત્યારે તેઓ પોતાની ભાજપ સાથે જોડાણની જાહેરાત કરી શકે છે, એવામાં શું અશોક ગહેલોતનો આ ગુજરાત પ્રવાસ કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા નેતાઓ અને ધારાસભ્યો ઉપર રોક લગાવવામાં સફળ સાબિત થશે.
આ સવાલ એટલા માટે ઉદ્ભવે છે કારણ કે ગુજરાતમાં કોંગ્રેસના સંગઠન પ્રભારી તરીકે ડો. રઘુ શર્માને જવાબદારી સોંપવામાં આવી. એવામાં કોંગ્રેસ હાઇ કમાન્ડ દ્વારા રાજસ્થાનના હાલના મુખ્યમંત્રી અશોક ગેહલોતની સિનિયર ઓબ્ઝર્વર તરીકે જવાબદારી સોંપવામાં આવતા એક વાત સ્પષ્ટ થાય છે કે ક્યાંક તો પાર્ટીમાં હજી પણ કોઈ એવી ઉણપ છે કે જેને નિયંત્રણમાં લેવાની જરૂર છે. ડો. રઘુ શર્મા ગુજરાતની પરિસ્થિતિને લઈને પાર્ટીને મજબૂત કરવામાં સફળ થશે એ પ્રકારની હાઈકમાન્ડની અપેક્ષાઓ ક્યાંક વામણી સાબિત થઈ. જેથી ગુજરાતના સંગઠન પ્રભારી તરીકે તેમજ સહ પ્રભારી તરીકે પ્રભારીઓની નિમણૂક બાદ પણ અશોક ગેહલોતને આ જવાબદારી સોંપવામાં આવી છે.
2017 ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોએ ગુજરાત કોંગ્રેસમાં એક આત્મવિશ્વાસ જગાડ્યો, પરંતુ ત્યારબાદ ગુજરાતમાં થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની પેટા ચૂંટણી પરિણામો કોંગ્રેસથી વિપરીત રહ્યા. એવામાં 2017માં ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી તરીકે અશોક ગેહલોતની સફળતા કોંગ્રેસને ફરીથી સકારાત્મક પરિણામો અપાવે એવી અપેક્ષા કોંગ્રેસની છે. 2017 ની સાલમાં દેશભરમાં કોંગ્રેસની સ્થિતિ અને 2022 માં કોંગ્રેસની સ્થિતિ ને આધારે પરિણામોનું ભવિષ્ય પાર્ટી પોતે પણ સમજી રહી છે.
આર્થિક દ્રષ્ટિની વાત કરીએ તો પણ કોંગ્રેસ પાર્ટી માટે હવે પરિસ્થિતિ સાનુકૂળ તો નથી જ, ચૂંટણી પ્રચાર હોય કે પછી ધારાસભ્યોને ચૂંટણી મેદાનમાં ઉતારવા હોય આર્થિક તેમજ સંગઠનની દ્રષ્ટિએ પાર્ટીએ પોતે પણ મજબૂત થવાની સાથે સાથે ધારાસભ્યો તરીકે ના ચહેરાઓને પણ પ્રમોટ કરવાની જરૂરિયાત હોય છે..ચૂંટણી પ્રચારમાં ધારાસભ્યોને મળતી રકમ પણ એક મોટું કારણ માની શકાય છે કે હારવાના ડરથી પણ તેઓ પાર્ટી છોડીને જતા હોય. એવામાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ગાંધી પરિવાર સાથે ઘરોબો ધરાવતા વરિષ્ઠ અને કુશળ રાજનીતિક્ય એવા અશોક ગહેલોતને ફરીથી મેદાનમાં ઉતારવાની કોંગ્રેસને ફરજ પડી છે.
પાછલા 27 વર્ષના ભાજપના શાસનની વાત કરીએ કે પછી ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી મજબૂતથી મજબૂર થવા સુધી આગળ વધી એની વાત કરીએ. પ્રત્યેક ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી પોતે મજબૂત વિપક્ષ અને લોકોના પ્રશ્નોને લઈને ચાલતી પાર્ટી તરીકે પોતાને પ્રસ્થાપિત કરવામાં લાગી છે. પરંતુ પાર્ટીની અંદર કોઈક તો એવા કારણો છે કે જેના કારણે પાર્ટીના સિનિયર નેતાઓ હોય કે ધારાસભ્યો હોય તેઓ પાર્ટીનો સાથ છોડી રહ્યા છે એનો સિલસિલો પણ યથાવત રહ્યો છે.. હજી તો કોંગ્રેસ પાર્ટી મજબૂતીથી આગળ વધી રહી હોવાનો દાવો કરે છે ત્યાં જ કોંગ્રેસના બે પ્રદેશના વરિષ્ઠ નેતાઓ નરેશ રાવલ અને રાજુ પરમાર કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાનારા નેતાઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલની સ્થિતિએ કોંગ્રેસ પાર્ટી એક જૂથ થઈને ચૂંટણી લડે એવી જરૂરિયાત છે ત્યારે પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યો એમ કહીને પાર્ટીમાંથી રાજીનામું આપે છે કે કોંગ્રેસ પાર્ટી દિશા વિહીન છે અને પાર્ટીમાં કાર્યકર્તાઓની કદર નથી.. એવામાં હવે તૂટતી અને ડૂબતી કોંગ્રેસને 80 સીટ સુધી લઈ જનારા અશોક ગેહલોત શું ચમત્કાર કરી બતાવે છે એ જોવાનું રહેશે.