Gujarat Election: કોંગ્રેસના નેતા નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજૂ પરમાર ભાજપમાં જોડાશે, સી. આર. પાટીલની હાજરીમાં કેસરી ખેસ ધારણ કરશે
આવતીકાલ બુધવારે પ્રદેશ ભાજપની (BJP) મહત્વની બેઠક મળવાની છે. જેમાં કોંગ્રેસના (Congress) નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજૂ પરમાર સહિત અનેક આગેવાનો પણ કેસરિયો ધારણ કરવાના છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly elections) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં પક્ષ પલટાની ઋતુ પણ જોવા મળી રહી છે. એક તરફ ભાજપ (Gujarat BJP) અને આમ આદમી પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણીને પગલે સંગઠનને મજબૂત કરવા માટે રાત – દિવસ એક કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસના નેતાઓમાં અંદરો – અંદરનો ગજગ્રાહ વધુને વધુ ઘેરો બની રહ્યો છે. કોંગ્રેસમાં ચૂંટણી પહેલા વધુ એક વાર ભંગાણ પડ્યુ છે. મહેસાણા જિલ્લાના કોંગ્રેસના આગેવાન નરેશ રાવલ (Naresh raval) અને પૂર્વ સાંસદ રાજુ પરમાર (Raju Parmar) કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ ભાજપમાં જોડાવા જઇ રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઈ ચૂકયા છે અને દરેક રાજકીય પાર્ટીએ હવે ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. એક તરફ PM મોદી અને અમિત શાહ જેવા ભાજપના દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે. બીજી તરફ જાણે કોંગ્રેસની સ્થિતિ ગુજરાતમાં એક સાંધો ત્યાં તેર તુટે જેવી થતી જઇ રહી છે. કોંગ્રેસના નેતા નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમાર હવે ભાજપમાં જોડાવા જઇ રહ્યા છે. 17 ઓગસ્ટ એટલે કે આવતીકાલે ભાજપ અધ્યક્ષ અને CMની હાજરીમાં બંને ભાજપમાં જોડાશે.
નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજૂ પરમાર સહિત અનેક આગેવાનો પણ કેસરિયો ધારણ કરવાના છે. આવતીકાલે પ્રદેશ ભાજપની મહત્વની બેઠક મળવાની છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળવાની છે. સી. આર. પાટીલ પ્રદેશ ભાજપના હોદ્દેદારો સાથે બેઠક યોજશે અને આગામી સંગઠનાત્મક કાર્યક્રમો અને ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે ચર્ચા કરશે. આ પ્રસંગે જ કોંગ્રેસના બંને નેતાઓ ભાજપમાં સામેલ થવાના છે.
છેલ્લા ઘણા સમયથી પક્ષમાં અવગણનાને કારણે નરેશ રાવલ પાર્ટીથી નારાજ જોવા મળી રહ્યા હતા. જેને કારણે તેણે હવે પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat election 222) હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે નરેશ રાવલ અને રાજુ પરમાર જેવા દિગ્ગજ નેતાઓના રાજીનામાથી કોંગ્રેસને ફટકો પડી શકે છે.