અમદાવાદના પીરાણામાં આવેલી કચરાની ડમ્પિંગ સાઇટ મામલે ફરી એકવાર વિપક્ષે સત્તાપક્ષને ઘેર્યો છે..વિપક્ષે પીરાણામાં આવેલા કચરાનાં ડુંગરને મનપાના ગેરવહિવટ અને ભ્રષ્ટાચારનો ડુંગર ગણાવ્યો છે. પીરાણા ખાતે મુકાયેલ ટ્રોમિંગ મશીનમાં કચરો પ્રોસેસ કરવાના નામે ગોબાચારી થયાનો આક્ષેપ કર્યો છે. ડમ્પિંગ સાઇટ ઠેરની ઠેર હોવાથી હવા અને પાણીનું પ્રદુષણમાં પણ વધારો થયો છે. ડમ્પિંગ સાઇટ પાસેના વિસ્તારોમાં રહેતા લોકોનું જીવન ઝેર થઇ ગયાનો વિપક્ષનો આક્ષેપ છે. ડમ્પિંગ સાઇટ હટાવવાના નામે 4 વર્ષ માં 100 કરોડ ખર્ચાઈ ગયા. નવ મહિનામાં રૂ,15.74કરોડ જેટલી ધરખમ રકમ એ.એમ.સી.એ ચૂકવી છે. આ ટ્રોમિંગ મશીનનું આગામી ટેન્ડર પણ મોંધુ હોવાનો વિપક્ષના નેતા શહેઝાદ ખાનનો આરોપ છે.
બીજી તરફ અમદાવાદ મનપાની સ્થાયી સમિતિના અધ્યક્ષે આ મામલે વિપક્ષની ઝાટકણી કાઢી છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ 1980 થી એકઠા થયેલા કચરાને હટાવવાનો પ્રયાસ હાથ ધરાયો. કચરાના નિકાલ માટે પ્રતિ મેટ્રિક ટન રૂ. 500 ભાવ નક્કી કરાયો હતો. છતાં હાલ રૂ.300 પ્રતિ મેટ્રિક ટન ભાવે કામ અપાયું છે. 35થી 40 એજન્સી કાર્યરત છે તેને જેટલું કામ કર્યું હોય તેટલી રકમ ચુકવાય છે. ડમ્પિંગ સાઇટના કચરાને માટીમાં રૂપાંતરીત કરીને તેનો ઉપયોગ રિવરફ્રન્ટ અને ધોલેરા સાઇટ પર પણ થઇ રહ્યો છે. ડમ્પિંગ સાઇટના કચરામાંથી પ્રતિ કલાક 12 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરાય છે. બીજી સાઇટ પર પ્લાન્ટ કાર્યરત થતા 2હજારથી 2500 મેટ્રિક ટન કચરાનો નિકાલ થશે. હાલ પીરાણા ડમ્પિંગ સાઇટ પરથી કચરો હટ્યો છે. કરોડો રૂપિયાની 45 એકર જમીન ખુલ્લી થઇ છે. પણ વાંકદેખા વિપક્ષને આ કંઇ દેખાતું નથી તેવો એ.એમ.સી.ની સ્ટેંન્ડિંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીનો દાવો છે.
ઉલ્લેખનીય છે કે પીરાણા ડમ્પિંગ સાઇટ અંગે હાઇકોર્ટે અગાઉ મ્યુનિ.કમિશનર, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને કલેકટરને નોટિસ ફટકારી હતી.કચરો હટાવવા કોઇ ગંભીર કાર્યવાહી કરવામાં આવી નથી તેવું ટાંકીને નેશનલ ગ્રીન ટીબ્યુનલે એ.એમ.સી.ને પીરાણા ડમ્પિંગ સાઈટ ખાતે કચરાના ઢગલાંને એક વર્ષમાં દુર કરવાનો આદેશ આપ્યો હતો. અવારનવાર વિપક્ષ પીરાણા ડમ્પિંગ સાઇટ મામલે સત્તાપક્ષને ઘેરે છે. પરંતુ સત્તાપક્ષ દર વખતે ના મામા કરતા કાણો મામો સારો એ તર્જ પર થયેલા કામોને ટાંકે છે. ત્યારે અમદાવાદના શહેરીજનોને હજૂ પણ પીરાણાનાં પહાડનાં દર્શન થતાં રહેશે એટલું પાક્કું છે.