Ahmedabad: સટ્ટાકિંગ RR લંડન જતો રહ્યો હોવાની આશંકાને પગલે રાષ્ટ્રીય એજન્સીઓ જોડાશે તપાસમાં
આ આખા રેકેટની સૌથી મોટી કડી હરિકેશ અને કર્મેશ હોવાનું ક્રાઇમ બ્રાંચના અધિકારીઓનું કહેવું છે. દુબઈથી ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવતા રાકેશ રાજદેવ ઉર્ફે આર. આર.એ દેશભરમાં બુકીઓનું નેટવર્ક ઊભું કર્યું હતું.
ગુજરાતના ઈતિહાસના સૌથી મોટા સટ્ટાકિંગ રાકેશ રાજદેવ RR ઉપર પોલીસે ગાળિયો કસ્યો છે. સટ્ટાકિંગ રાકેશ રાજદેવ વિરુદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી શરૂ કરી છે. વર્ષોથી વિદેશ બેઠા બેઠા ચાલતા આ નેટવર્કમાં 1,414 કરોડ રૂપિયાના હવાલા પડ્યાની આશંકા બાદ રાકેશ રાજદેવ પર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે.
હવે આ કેસમાં ઈડી, ઈન્કમટેક્સ સહિતની રાષ્ટ્રીય સ્તરની એજન્સીઓ તપાસમાં જોડાશે. દુબઈમાં શેખ સાથે અણબનાવને લીધે રાકેશ રાજદેવ લંડન શિફ્ટ થયો હોવાની આશંકા સેવાઈ રહી છે. ત્યારે રાકેશ રાજદેવની ધરપકડ મુદ્દે ક્રાઈમ બ્રાન્ચ વિદેશની એજન્સી સાથે પણ સંપર્કમાં છે.
સટ્ટાકિંગ RR એપ બનાવીને રમતો હતો સટ્ટો
આ આખા રેકેટમાં આર.આર.એ ઓન વોલ્સ 777 નામની એપ બનાવડાવી હતી. જુદા જુદા બુકીઓ પાસેથી ડિપોઝિટ લઈ આર.આર. આ એપનું આઈડી અને પાસવર્ડ આપતો હતો. જેના ઉપર બુકીઓ ઓનલાઈન સટ્ટો રમતા હતા. જ્યારે આ એપમાં લોગ ઈન કરનારા બુકીઓ પાસેથી પૈસા જુદા જુદા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થતા હતા.
તે તમામ બેંક ખાતાં એકાઉન્ટ ડમી હતા. આ તમામ ડમી બેંક એકાઉન્ટ કર્મેશ પટેલ અને હરિકેશ પટેલે ખોલાવડાવ્યા હતા. આ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલા પૈસા આ બંને લોકો હવાલા મારફતે દુબઈ મોકલતા હતા, જેથી આ આખા રેકેટની સૌથી મોટી કડી હરિકેશ અને કર્મેશ હોવાનું ક્રાઈમ બ્રાંચના અધિકારીઓનું કહેવું છે.
દુબઈથી ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવતા રાકેશ રાજદેવ ઉર્ફે આર. આર.એ દેશભરમાં બુકીઓનું નેટવર્ક ઊભું કર્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે ચાર મહિના પહેલાં સોલામાંથી બુકી મેહુલ પૂજારાની ધરપકડ કરી હતી. જ્યારે આર.આર.ના નેટવર્કની તપાસ કરવા ક્રાઈમ બ્રાન્ચે અન્ય એજન્સીઓની તેમ જ રાજ્ય બહારની પોલીસની પણ મદદ લીધી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી રાકેશ અને ટોમી ઊંઝા સામે લુક આઉટ નોટિસ જાહેર કરી છે અને 20થી વધુ બેંકોના એકાઉન્ટની માહિતી મેળવી સટ્ટાના નેટવર્કને તોડવા આગળની કાર્યવાહી તેજ કરી છે.
મહત્વનું છે કે 17 ઓકટોબરે થયેલી એક રેડ બાદ સમગ્ર મામલો બહાર આવ્યો 17 ઓક્ટોબરે સોલા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. સોલામાં મેહુલ પૂજારાના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. બુકીઓ વેબસાઈટમાંથી આઈડી થકી કમિશન મેળવે છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓક્ટોબર અને ડિસેમ્બર મહિનામાં ક્રિકેટ સટ્ટા રમાડતા પંટરોને પકડી પાડયા હતા. જેની પાસેથી મળેલા લેપટોપ, મોબાઈલ સહિત અન્ય દસ્તાવેજોની તપાસ કરતા કરોડોના ટ્રાન્જેક્શન થયા હોવાનું સામે આવતા ક્રાઇમ બ્રાંચ દ્વારા વધુ ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી