Ahmedabad: દુબઈથી વેબસાઈટ મારફતે RR ચલાવતો હતો રેકેટ, ક્રાઈમ બ્રાન્ચે 1400 કરોડથી વધુના ક્રિકેટ સટ્ટાના મેળવ્યા હિસાબ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી રાકેશ અને ટોમી ઊંઝા સામે લુક આઉટ નોટિસ જાહેર કરી છે અને 20થી વધુ બેંકોના એકાઉન્ટની માહિતી મેળવી સટ્ટાના નેટવર્કને તોડવા આગળની કાર્યવાહી તેજ કરી છે.
ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનાં નેટવર્કનો પર્દાફાશ થયો છે. અંદાજીત રૂપિયા 1 હજાર 400 કરોડથી વધુના સટ્ટાનું રેકેટ ઝડપાયું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે મહિના અગાઉ કરેલી એક રેડ દરમિયાન તપાસ કરતા ક્રિકેટના સટ્ટાનું મોટું નેટવર્ક સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે દુબઈ અને અન્ય દેશોમાં રહીને બુકીઓ ગુજરાતમાં ઓનલાઇન વેબસાઇટ અને એપ્લિકેશન મારફતે આર.આર નામનો વ્યક્તિ સટ્ટો રમાડતો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી રાકેશ રાજદેવ એટલે કે RR અને ટોમી ઊંઝા સામે લુક આઉટ નોટિસ જાહેર કરી છે.
સટ્ટામાં રાજકોટના આર.આર. નામેે જાણીતા શખ્સની સંડોવણી
સાથે જ અલગ અલગ બોગસ બેન્ક એકાઉન્ટ ખોલાવી કરોડો રૂપિયાના વ્યવહારો કરતા હતા. તપાસ કરતા આ વેબસાઈટ દુબઇ ખાતે રહેતા રાજકોટના રાકેશ રાજદેવ ઉર્ફે આર.આર તેમજ જીમી ગોલ્ડન, ચેતન ઉર્ફે ટોમી, ધવલ દ્વારા ઓપરેટ થતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે અલગ અલગ વેબસાઈટ અને એપ્લિકેશન સંચાલક વિરુદ્ધ જુગારધારાની ફરિયાદ નોંધી હતી. આ ઉપરાંત આસિફ પટેલ અને કર્મેશ પટેલે આકાશ ઓઝાની જાણ બહાર તેના નામનું બેન્ક એકાઉન્ટ પણ બનાવ્યું હતું. આકાશ ઓઝાની જાણ બહાર ખોટી સહી કરી બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ એકાઉન્ટમાં ફક્ત ત્રણ મહિનામાં અબજો રૂપિયાના વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું હતું.
તો બીજી તરફ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી રાકેશ અને ટોમી ઊંઝા સામે લુક આઉટ નોટિસ જાહેર કરી છે અને 20થી વધુ બેંકોના એકાઉન્ટની માહિતી મેળવી સટ્ટાના નેટવર્કને તોડવા આગળની કાર્યવાહી તેજ કરી છે.
મહત્વનું છે કે, 17 ઓકટોબરે થયેલી એક રેડ બાદ સમગ્ર મામલો બહાર આવ્યો 17 ઓક્ટોબરે સોલા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. સોલામાં મેહુલ પૂજારાના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. બુકીઓ વેબસાઇટમાંથી આઇડી થકી કમિશન મેળવે છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓક્ટોબર અને ડિસેમ્બર મહિનામાં ક્રિકેટ સટ્ટા રમાડતા પંટરોને પકડી પાડયા હતા. જેની પાસેથી મળેલા લેપટોપ, મોબાઈલ સહિત અન્ય દસ્તાવેજોની તપાસ કરતા કરોડોના ટ્રાન્જેક્શન થયા હોવાનું સામે આવતા ક્રાઇમ બ્રાંચ દ્વારા વધુ ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી
ક્રાઈમ બ્રાન્ચ સતત સંયોગિત પુરાવા અને વિવિધ બેંક એકાઉન્ટની તપાસ કરતા સામે આવ્યું કે અલગ અલગ વેબસાઈટ અને એપ્લિકેશન બનાવી અને ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ દ્વારા તેનું માર્કેટિંગ કરી ગ્રાહકો સુધી આઇડી પહોચાડતાં હતા