Ahmedabad: ઈમ્પોર્ટ એક્સપોર્ટના લેટર ક્રેડિટના નામે ઠગાઈ કરનારો વૃદ્ધ ઝડપાયો, 4થી વધુ રાજ્યોના વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી
ઈમ્પોર્ટ એક્સપોર્ટના (Import -Export) વેપારીઓને લેટર ઓફ ક્રેડિટ આપવાના બહાને તે ઠગાઈ કરતો હતો, જેમાં પોતે હોંગકોંગ બેંકના ભારતના એજન્ટ તરીકે કાર્યરત છે તેવી ઓળખાણ આપી વેપારીઓને ઠગતો હતો. વેપારીને લેટર ઓફ ક્રેડિટ આપતા પહેલા માર્જિન મની ભરાવને પછી ક્રેડિટ લેટર ન આપી છેતરપિંડી કરતો હતો.
શહેરમાં ઓનલાઈન ચાલતી તેમજ સાયબર ગુનાખોરીમાં (Cyber crime) વધારો થયો છે. તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. ઈમ્પોર્ટ એક્સપોર્ટના વેપારીઓને લેટર ઓફ ક્રેડિટ આપવાના બહાને ઠગાઈ કરતા આરોપીની સાઇબર ક્રાઇમે ધરપકડ કરી છે. યોગેશ અગ્રવાલ નામના આરોપીએ ન માત્ર અમદાવાદના (Ahmedabad) વેપારીઓ સાથે પરંતુ કલકત્તા, મુંબઈ, દિલ્હી, ગુજરાત સહિત દેશના અલગ અલગ રાજ્યોના વેપારીઓ સાથે છેતરપિંડી (Fraud) કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આરોપીની પૂછપરછ બાદ શું નવા ખુલાસા થાય છે તે જોવું મહત્વનું છે.
લેટર ઓફ ક્રેડિટ આપવાના બહાને આચરતો હતો ઠગાઈ
અમદાવાદ સાયબર ક્રાઈમની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ યોગેશ ઉર્ફે યશ અગ્રવાલ છે, જે મૂળ દિલ્હીનો વતની છે, પરંતુ દેશભરના વેપારીઓ સાથે તે ઠગાઈ આચરી ચૂક્યો છે. ઈમ્પોર્ટ એક્સપોર્ટના (Import -Export) વેપારીઓને લેટર ઓફ ક્રેડિટ આપવાના બહાને તે ઠગાઈ કરતો હતો, જેમાં પોતે હોંગકોંગ બેંકના ભારતના એજન્ટ તરીકે કાર્યરત છે તેવી ઓળખાણ આપી વેપારીઓને ઠગતો હતો. વેપારીને લેટર ઓફ ક્રેડિટ આપતા પહેલા માર્જિન મની ભરાવને પછી ક્રેડિટ લેટર ન આપી છેતરપિંડી કરતો હતો. જેમાં અમદાવાદના વેપારીએ 9 લાખ રૂપિયા આપ્યા હોવા છતાં લેટર ન મળતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
પકડાયેલ વૃદ્ધ ઠગે 30 વર્ષ પહેલા વિદેશમાં એમ.બી.એનો અભ્યાસ કર્યો, ત્યારબાદ દેશના જુદાજુદા રાજ્યોમાં માર્કેટિંગ નામે ઠગાઈ કરી, ઠગ હિસ્ટ્રીશીટરે કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. જેમાં અલગ અલગ ચાર રાજ્યોમાં ફરિયાદ નોંધાઈ ચુકી છે. હાલ સાયબર ક્રાઈમની ટીમે આરોપી સાથે અન્ય કોઈની સંડોવણી છે કે નહીં જેને લઈ તપાસ શરૂ કરી.
છેતરપિંડીના ગુનામાં આરોપી યોગેશ અગ્રવાલની ધરપકડ કરી તેની પાસેથી બે મોબાઈલ, એક લેપટોપ, એક કોમ્પ્યુટર, અલગ અલગ બેન્કની ચેકબુક તથા કંપનીઓના એગ્રીમેન્ટ લેટર પણ મળી આવ્યા છે. સાથે જ આરોપીને પૂછપરછ કરતા તેણે 1981ના વર્ષમાં એમબીએ પાસ કર્યુ હતુું. જોકે છેલ્લા કેટલાક સમયથી તે વેપારીને ઠગતો હોવાનું સામે આવ્યુ છે સાથે જ આરોપી વિરુદ્ધ કલકત્તા, મુંબઈ, દિલ્હી, ગુજરાત સહિતના અલગ અલગ રાજ્યોમાં ગુના દાખલ થયેલા છે અને દિલ્હીનો હિસ્ટ્રીસીટર હોવાનું સામે આવ્યું છે.