આઝાદીના સમયે વિભાજનની વ્યથાને પડદા પર રજૂ કરતી આ 5 અદ્દભુત ફિલ્મો તમે જોઈ છે?
આજે તમને ભારતીય સિનેમામાં (Indian Cinema) બનેલી એવી 5 ફિલ્મો (Partition on Films) વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં વિભાજન દરમિયાનની માનવકથાઓ એન ઘટનાઓ દર્શાવવામાં આવી છે.
1947 માં ભારતનું વિભાજન એક એવી ઘટના હતી જેણે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. બ્રિટિશ શાસનથી દેશને આઝાદી મળ્યા બાદ દેશ બે ભાગમાં વહેંચાઈ ગયો. એક તરફ આઝાદીની ઉજવણી અને બીજી બાજુ ભાગલા પછી હિંસાની પીડા. આ ભાગલાનું દુઃખ હજુ પણ લોકોના હૃદયમાં છે. ભાગલાના (Partition) કારણે ભારત અને પાકિસ્તાન જ નહીં, પણ ઇસ્લામ અને હિન્દુત્વને સામસામે લાવ્યા. ભારતીય મુસ્લિમો પશ્ચિમ તરફ નવા બનાવેલા પાકિસ્તાન તરફ અને ભારતીય હિન્દુઓ વિરુદ્ધ દિશામાં આગળ વધી રહ્યા હતા.
બંને કોમના લોકોએ આ ફાળવણીમાં તેમની પૂર્વજોની જમીન, તેમના મૂળ અને સંપત્તિ ગુમાવી દીધી. પરંતુ સૌથી મોટી દુર્ઘટના એ રક્તપાત હતો, જેની પીડા હજુ પણ લોકોના હૃદયમાં છે. દેશના ભાગલાને લઈને ભારતીય સિનેમામાં ઘણી ફિલ્મોનું નિર્માણ થયું છે, જે સમયાંતરે તે ભાગલાની પીડાની લાગણીને વાચા આપે છે. આજે તમને ભારતીય સિનેમામાં (Indian Cinema) બનેલી એવી 5 ફિલ્મો (Partition on Films) વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં વિભાજન દરમિયાનની માનવકથાઓ કહેવામાં આવી હતી.
1. ગરમ હવા
બે લાખથી ઓછા બજેટમાં બનેલી એમ.એસ.સથ્યુની પ્રથમ ફિલ્મ ગરમ હવા, હિન્દી સિનેમાની ઐતિહાસિક ફિલ્મ રહી છે. આ ફિલ્મ ઘર, સંબંધ, વ્યવસાય, માનવતા અને રાજકીય મૂલ્યોની વાત કરે છે. ઈસ્મત ચુગતાઈની અપ્રકાશિત ઉર્દૂ ટૂંકી વાર્તા પર આધારિત આ ફિલ્મ ભારત-પાકિસ્તાનના ભાગલાની વાત કરે છે. આ ફિલ્મમાં ઉત્તર ભારતીય મુસ્લિમ બિઝનેસમેન સલીમ મિરઝાઈ છે, જેણે ભાગલા પછી પાકિસ્તાન ન જવાનો મુશ્કેલ નિર્ણય લેવો પડે છે. તેનું માનવું હોય છે કે ગાંધીજીના વિચારોનું મુલ્ય થશે અને એક દિવસ વાતાવરણ શાંત થશે.
2. તમસ
આ ફિલ્મ ભીષ્મ સાહનીની આ જ નામની નવલકથા પર આધારિત છે. એવું કહેવાય છે કે તે 1947 ના રાવલપિંડી રમખાણોની સાચી વાર્તા કહે છે. ગોવિંદ નિહલાની દ્વારા નિર્મિત આ ફિલ્મ ભાગલા દરમિયાન થયેલા રમખાણોની વાતો કહે છે. કેટલાક લોકોના કારણે બે સમુદાયો કેવી રીતે અથડાયા હતા તે બતાવવામાં આવ્યું છે. તેમાં ભીષ્મ સાહની, ઓમ પુરી, સુરેખા સિકરી અને એકે હંગલ જેવા અનુભવી કલાકારો હતા, જેમના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. જોકે, તે સમયે આ સિરીઝને લઈને ઘણો વિવાદ થયો હતો.
3. અર્થ
દીપા મહેતાની આ ફિલ્મ મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતીની પ્રેમકથા પર આધારિત છે. ભારતીય સ્વતંત્રતા સમયે, 1947 માં ભારતના વિભાજન પહેલા અને દરમિયાન લાહોરની પરિસ્થિતિ ફિલ્મી પડદા પર બતાવવામાં આવી હતી. ફિલ્મની વાર્તા ભાગલા દરમિયાન સર્જાયેલા સંજોગો તરફ ધ્યાન ખેંચે છે. લોકોને આ ફિલ્મની વાર્તા ખૂબ ગમી. આ ફિલ્મમાં શબાના આઝમી, આમિર ખાન, નંદિતા દાસ અને રાહુલ ખન્ના જેવા કલાકારોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
4. ટ્રેન ટુ પાકિસ્તાન
કુશવંત સિંહની ક્લાસિક નવલકથા ‘ટ્રેન ટુ પાકિસ્તાન’ પર આધારિત એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવવામાં આવી હતી. તે પાકિસ્તાન સાથે ભારતની નવી સરહદ નજીક એક મોટી રેલવે લાઇન પર એક નાના પંજાબી શહેર મનો માજરા પર કેન્દ્રિત છે. અહીં મુસ્લિમ લોકોની સંખ્યા ઓછી હોય છે અને બહુમતી સંખ્યા શીખોની હોય છે. ભાગલા પહેલા બંને કોમના લોકો સાથે રહે છે, પરંતુ ભાગલા પછી અહીંની પરિસ્થિતિ પણ દેશના અન્ય ભાગોની જેમ બદલાઈ જાય છે. જ્યારે પાકિસ્તાનથી ભાગી રહેલા શીખોના મૃતદેહને લઈ જતી ટ્રેન મનો માજરા શહેર ખાતે આવે છે, ત્યારે કેટલાક સ્થાનિક શીખ પાકિસ્તાન જતા મુસ્લિમ પરિવારોથી ભરેલી ટ્રેન પર દરોડા પાડવાની યોજના બનાવે છે. તેની એક સમાંતર લવ સ્ટોરી પણ છે, જે એક મુસ્લિમ છોકરી અને તેના ડાકુ પ્રેમી વચ્ચેના સંબંધ પર આધારિત છે.
5. પાર્ટીશન
ગુરિન્દર ચઢ્ઢાની ફિલ્મ સ્વતંત્રતા અને ભાગલાની વાર્તા પર આધારિત છે. કહેવાય છે કે તેમાં સાચી ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ 1945 ના યુગની છે, જ્યારે બ્રિટિશ સરકારે ભારતને આઝાદ કરવાનો નિર્ણય કર્યો હતો. આઝાદીના નામે કેટલાક હિન્દુ-મુસ્લિમો વચ્ચે ઉત્સાહ અને કેટલાકમાં નિરાશા આ ફિલ્મ દ્વારા દર્શાવવામાં આવી હતી. વળી, ફિલ્મમાં એક લવ સ્ટોરી પણ હતી, જેના પર વિભાજનની ખુબ અસર પડી.
આ પણ વાંચો: ઐશ્વર્યા લેશે રેખાની જગ્યા? સંજય લીલા ભણસાલીની સિરીઝ હીરા મંડીમાંથી રેખા આઉટ, ઐશ્વર્યા ઇન!
આ પણ વાંચો: Happy Independence Day: સ્વતંત્રતા દિવસ પર સાંભળો આ ગીતો, જેની એક એક પંક્તિમાં છે દેશભક્તિના સૂર