Vadodara : જમીનનો ખોરાક વૃક્ષ અને વૃક્ષનો ખોરાક જમીન ! આ પ્રકૃતિના સાર્વત્રિક નિયમને કૃત્રિમ ખાતરોને કારણે નુકસાન પહોંચ્યું છે. હવે કૃષિમાં ખાતરો અને કિટનાશકોનો ઉપયોગ સંદતર અથવા નહીવત્ત કરવાનો ખરો સમય આવી ગયો છે.
જળ-જમીન ઉપરાંત માનવ શરીરને નુકસાન પહોંચતા કેમિકલ ખાતરો અને દવાઓને બદલે પ્રાકૃતિક ખેતી વળવા તથા જૈવિક ખાતરોનો (Organic fertilizers) ઉપયોગથી આવનારી આપદાથી બચી શકાય છે. ખાસ કરીને પ્રાકૃતિક ખેતીની (Natural farming)સમાંતર જૈવિક ખાતરો પણ એક સારો વિકલ્પ બની શકે છે.
મધ્ય ગુજરાતમાં ઘણા ખેડૂતોએ કેમિકલ ખાતરોનો ઉપયોગ ઓછો કરી જૈવિક ખાતરો અપનાવા લાગ્યા છે. દેથાણા નજીક આવેલી પોતાની વાડીમાં જૈવિક ખાતરોના ઉપયોગથી શેરડીના ઉત્પાદનમાં 25 ટકા જેટલો વધારો લેનારા 37 વર્ષીય ખેડૂત હિતેશભાઇ ગોવિંદભાઇ પટેલ (Hiteshbhai Govindbhai Patel)આવા કૃષિકારો પૈકી એક છે. અઢી વર્ષ પહેલા તેમણે જૈવિક ખાતરો તથા જૈવિક જંતુનાશકોનો ઉપયોગ શરૂ કર્યો અને હવે તેનો લાભ હવે મળી રહ્યો છે.
કોલેજના બીજા વર્ષ સુધી અભ્યાસ કરનારા હિતેશભાઇ કહે છે, હું બારેક વર્ષથી કૃષિકર્મ કરૂ છું. તે પહેલા મારા પિતા ખેતી કરતા હતા. મારી ચાર એક જમીનમાં પહેલેથી જ કેમિકલ ખાતરોનો બહુ જ ઉપયોગ થતો હતો. આપણે જે કૃત્રિમ ખાતર જમીનમાં નાખીએ છીએ, તેનો માત્ર 28થી 32 ટકા ખાતરનો વાસ્તવિક રીતે ઉપયોગ થાય છે. બાકીનું એમને એમ પડ્યું રહે છે.
તેના ઉપર બીજું ખાતર નાખવાથી રાસાણિક પ્રક્રીયા થાય છે અને અંતે જમીનની માટી કડક થઇ જાય છે. આ ઉપરાંત, જમીનમાં ટીડીએસ અને પીએચનું પ્રમાણ વધી જાય છે. માટી ઉપર સફેદ પરખ જોવા મળે છે. આવી સમસ્યા મોટાભાગના ખેડૂતો અનુભવે છે. આ કૃત્રિમ ખાતરોનું પરિણામ છે. આ પ્રકોપથી બચવા માટે કાં તો પ્રાકૃતિક ખેતી અથવા તો જૈવિક ખાતરોનો ઉપયોગ જ કરવાનો વિકલ્પ અમારી પાસે હતો. અમે કેમિકલના ખાતરનો ઉપયોગ ઘટાડી હવે બાયોફર્ટિલાઇઝર ઉપયોગ શરૂ કર્યો છે.
અમે ટીસ્યુ કલ્ચરથી 4 હજાર જેટલી કેળ વાવી છે. તેને અમે ટપક સિંચાઇ પદ્ધતિથી પાણી પાઇએ છીએ. સાથે, જૈવિક ખાતરનો વપરાશ કર્યો છે. જેનાથી ફળની લંબાઇ વધુ જોવા મળી છે. લૂમ ઉપર લીલી ચમક વધુ, ટપકા ઓછા જોવા મળ્યા છે. શેરડીના પાકમાં ગાંઠો સામાન્ય રીતે 8 થી 12 જેટલી હોય છે. પણ, આ પાકમાં ગાંઠનું પ્રમાણમાં ૧૬થી ૨૨ રહ્યું હતું. શેરડી વાવ્યા બાદ બાજુમાં રહેલી ગાંઠમાંથી પણ શેરડી ઉગે છે. જે વધુ હોઇ એટલું વધુ ઉત્પાદન મળે છે.
હવે મૂળ વાત. સામાન્ય રીતે ખેડૂતો મુખ્યત્વે ડાઇએમોનિયમ ફોસ્ફેટ, યુરિયા અને પોટાશના કેમિકલ ખાતરોનો ઉપયોગ કરે છે. આ ખાતરને પાકના છોડને લાયક બનાવે તેવા જીવાણુનું અસ્તિત્વ જમીનમાં હોઇ એ ખૂબ જ જરૂરી છે. એ જીવાણું જૈવિક ખાતરો થકી મળે છે.
ડીએપીના વિકલ્પે ફોસ્ફરસ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટરિયા, યુરિયાના વિકલ્પે એઝેટોબેક્ટર (વાતાવરણમાંથી નાઇટ્રોઝન લઇ છોડને આપવા) અને એસેટોબેક્ટર (જમીનમાં નાઇટ્રોઝનને સ્થાપીત કરે છે) નામના બેક્ટરિયા, પોટાશના બદલે પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટરિયાનો ઉપયોગ કરી શકાય.
આટલું જ નહીં ! બાયો પેસ્ટિસાઇડ, બાયો ફન્ગીસાઇડ અને બાયો ઇન્સેક્ટિસાઇડ કેમિકલયુક્ત જંતુનાશક દવાના વિકલ્પે ઉપયોગ કરી શકાય છે. તેમાં એવા પ્રકારની ફૂગ વિકસાવી હોઇ છે કે, જે ખાવાથી પાકને નુકસાન કરતા કિટકો મૃત્યું પામે છે. બ્યુવેરા બાસિયાના, મેટારિઝયમ એનીસ્લોપી, ટ્રાયકોડર્મા વિરડી પિસ્યુડોમોનસ, વર્સ્ટીસિલિય લેકાની, આઈસેરીયા નામની ફૂગ અને જીવાણુંના કલ્ચર બજારમાં સરળતાથી મળે છે. જે કેમિકલ જંતુનાશકો કરતા સાવ સસ્તી કિંમતના હોય છે. તેનાથી સૂકારો, કાળી ફૂગ અને સફેદ ફૂગ, ઉત્સુક, ગુલાબી ઇંયળ, મુંડા, લીલા તડતડિયા,મોલો મસી, સફેદ માખી લીલી ઇંયળ, ચૂસિયા પર નિયંત્રણ લાવી શકાય છે.
આ પણ વાંચો : Mehsana : ગરીબ કલ્યાણ મેળામાં 4,197 લાભાર્થીઓને રૂ 754.47 લાખની સહાય અપાઇ
આ પણ વાંચો : Russia Ukraine War: ભાવનગરના 37 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા, નથી તેમની પાસે પૈસા, નથી ખાવા પીવાનો સામાન