આજના સમયમાં આપણા ખેડૂતો પરંપરાગત ખેતી (Traditional Farming)સાથે કંઈક નવું કરવા માંગે છે. આ સમયે તેમની પાસે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. પરંતુ જે ખેડૂતો (Farmers)ની પાસે ખેતીલાયક જમીન ઓછી છે તો તેમના માટે મશરૂમ ફાર્મિંગ (Mushroom Farming)સિવાય બીજો કોઈ સારો વિકલ્પ હોઈ શકે નહીં. આ એટલા માટે છે કારણ કે તેમાં વધુ ખર્ચ થતો નથી અને ફાર્મ હોવું જરૂરી નથી. આ જ કારણ છે કે આજના સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેડૂતો મશરૂમનું ઉત્પાદન કરી રહ્યા છે. તેમને ડાંગર અને ઘઉંની ખેતીમાં કરતા પણ વધુ આવક મળી રહી છે.
હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં રહેતા ખેડૂત વિનોદ ઠાકુર મશરૂમની ખેતી સાથે નવી સફળતાની ગાથા લખી રહ્યા છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે સોલનને ભારતનું મશરૂમ સિટી પણ કહેવામાં આવે છે. તેનું પહેલું કારણ એ છે કે અહીં મશરૂમનું ઘણું ઉત્પાદન થાય છે અને બીજું કારણ એ છે કે મશરૂમ સંશોધન નિયામક (Directorate of Mushroom Research) અહીં છે. વિનોદ ઠાકુર એ જ સોલનના એક નાનકડા ગામ બેર કી સેર(ગામનું નામ)માં રહે છે.
અભ્યાસ બાદ ખેતીમાં પોતાનું ભવિષ્ય શોધનાર ઠાકુરે પરંપરાગત ખેતી સિવાય મશરૂમનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. 1980માં પોતાના એક રૂમમાં 25 ટ્રે સાથે મશરૂમની ખેતી શરૂ કરનાર ઠાકુર આજે એક જાણીતા અને સફળ ખેડૂત તરીકે ઓળખાય છે. આજે મશરૂમથી તેમની એક અલગ ઓળખ બની છે.
વિનોદ ઠાકુર મશરૂમની ખેતી કરે છે. તેઓ પોતે તેનું માર્કેટિંગ પણ કરે છે. સફળતા મળ્યા બાદ તેમણે મશરૂમની સાથે ટામેટાં, વટાણા અને મકાઈની ખેતી શરૂ કરી. આ સાથે પોતાનો બિઝનેસ વધારવા માટે તેમણે ડેરી ફાર્મિંગ પણ શરૂ કર્યું. આધુનિક ટેક્નોલોજી અને ખેતીના વિશ્વમાં થઈ રહેલા પ્રયોગો જાણતા અને સમજતા વિનોદ ઠાકુર ખાતર બનાવીને પણ કમાણી કરે છે.
ડીડી કિસાનના અહેવાલ મુજબ, ઠાકુર દર વર્ષે 170 ટન મશરૂમનું ઉત્પાદન કરે છે. તેમની આ સફળતાએ અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી છે અને તેઓ પણ મશરૂમની ખેતી દ્વારા તેમના જીવનમાં પરિવર્તન લાવી રહ્યા છે. સફળ ખેડૂત વિનોદ ઠાકુરને કૃષિ ક્ષેત્રે તેમના યોગદાન માટે ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Mixed & Multi Farming: મિશ્ર ખેતી અને મલ્ટી ફાર્મિંગમાં શું છે અંતર જાણો આ ખેતીના લાભ વિશે