ટાયર બનાવતી કંપની એમઆરએફનો સ્ટોક(MRF Stock Price) દેશમાં સૌથી મોંઘો છે. તેની કિંમત હાલમાં 70,000 રૂપિયાની આસપાસ છે જે સામાન્ય રોકાણકારના પહોંચ બહાર મનાય છે. પરંતુ ટૂંક સમયમાં તમે માત્ર રૂ.100માં MRF શેર ખરીદી શકશો. તેનું કારણ એ છે કે સરકાર અમેરિકાની તર્જ પર ભારતમાં ફ્રેક્શનલ શેર્સ(fractional shares) માટે ફ્રેમવર્ક બનાવવાની યોજના પર કામ કરી રહી છે. વર્તમાન સિસ્ટમમાં રોકાણકાર ટ્રેડિંગ ભાવે કંપનીનો ઓછામાં ઓછો એક શેર ખરીદી શકે છે પરંતુ આગામી દિવસોમાં આ વ્યવસ્થા બદલાવાની છે. હવે તમે મોંઘા સ્ટોકનો એક ખરીદવાને બદલે તેનો હિસ્સો ખરીદી શકો છો.
આ વાત દેશના સૌથી મોંઘા સ્ટોક MRF ના ઉદાહરણથી સમજી શકાય છે. તેની કિંમત લગભગ 70,000 રૂપિયા છે. તેને ખરીદવું એ સામાન્ય રોકાણકાર માટે સહેલી બાબત નથી. પરંતુ ફ્રેક્શનલ શેર્સની રજૂઆત પછી રોકાણકારો તેનો એક ભાગ રૂ. 100 અથવા રૂ. 1,000માં ખરીદી શકે છે. શેરની કિંમતમાં વધારો થવાનું એક મુખ્ય કારણ એ છે કે બજારમાં તેનો પુરવઠો ઓછો છે. તાજેતરના વર્ષોમાં દેશમાં ઇક્વિટી રોકાણમાં વધારો થયો છે પરંતુ ભારતીયોના કુલ રોકાણમાં ઇક્વિટીનો હિસ્સો પાંચ ટકાથી ઓછો છે.
યુ.એસ.માં રોબિનહૂડ અને ચાર્લ્સ શ્વાબ જેવા બ્રોકરેજોએ તાજેતરના વર્ષોમાં ફ્રેક્શનલ શેર્સ પર વધુ ભાર મૂક્યો છે. તેના કારણે એમેઝોન અને ગૂગલ જેવા મોંઘા શેરો પણ નાના રોકાણકારોની પહોંચમાં આવી ગયા છે. સોમવારે સાંજે એમેઝોનનો શેર 3025 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો જ્યારે Googleના શેરની કિંમત 2590 ડોલર હતી. હાલમાં ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા યુએસ માર્કેટમાં રોકાણ કરનારા ભારતીય રોકાણકારો ફ્રેક્શનલ શેર્સમાં રોકાણ કરી શકે છે.
એક અખબારી અહેવાલ મુજબ ભારતમાં આવા રોકાણ માટે અત્યારે કોઈ નિયમ નથી. કોર્પોરેટ અફેર્સ મંત્રાલય હવે આને મંજૂરી આપવા માટે કંપની એક્ટમાં સુધારો કરવાની યોજના બનાવી રહ્યું છે. સ્ટોક એક્સચેન્જના એક અધિકારીએ જણાવ્યું હતું કે બોનસ શેર અને રાઇટ્સ ઇશ્યૂ સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવવાની જરૂર છે. આમાં હજુ ઘણા પડકારો છે. કાયદો એક માળખું આપશે પરંતુ ઘણા નિયમો અનુસાર ઘણા પગલાં લેવાના બાકી છે. સૌથી પહેલા તો બજાર નિયામક સેબી (SEBI)એ આ માટે વ્યવસ્થા કરવી પડશે. ટેક્સ સત્તાવાળાઓએ પણ તેના માટે વ્યવસ્થા કરવી પડશે.
ફ્રેક્શનલ શેર્સને એવા શેર કહેવામાં આવે છે જે સંપૂર્ણ શેર નથી. સામાન્ય રીતે આ શેરો સ્ટોક સ્પ્લિટ, બોનસ શેર અને સમાન કોર્પોરેટ ક્રિયાઓ દ્વારા મળે છે. આ બજારમાંથી ખરીદી શકાતી નથી. ઉદાહરણ તરીકે જો તમારી પાસે કંપનીના નવ શેર છે. જો તે કંપની 2 સ્ટોક સ્પ્લિટ માટે 3ની જાહેરાત કરે છે તો તમને વધારાના 4.5 શેર મળશે. એટલે કે તમારી પાસે 13.5 શેર હશે.
સામાન્ય રીતે તમે શેરબજારમાંથી અડધો શેર ખરીદતા નથી પરંતુ આ કિસ્સામાં તમારી પાસે ફ્રેક્શનલ શેર હશે. ફ્રેક્શનલ શેરના કિસ્સામાં મોટાભાગની કંપનીઓ તેને નજીકની પૂર્ણ સંખ્યા સુધી રાઉન્ડઅપ કરે છે. ઉદાહરણ તરીકે આ કિસ્સામાં તમારી પાસે 14 શેર હોવાનું માનવામાં આવશે. જો કોઈ કંપની બીજી કંપની સાથે મર્જ થાય અને સોદો શેરના વિનિમયમાં થાય તો ફ્રેક્શનલ શેરની સ્થિતિ આવી શકે છે.