MONEY9: એક પછી એક આફત, ઉડ્ડયન ઉદ્યોગને ક્યારે મળશે રાહત?

MONEY9: એક પછી એક આફત, ઉડ્ડયન ઉદ્યોગને ક્યારે મળશે રાહત?

Divyesh Nagar
| Edited By: | Updated on: Mar 17, 2022 | 9:08 PM

વધતી ખોટ, જંગી ઋણ, મોંઘું ઈંધણ, કોરોના, યુદ્ધ જેવી આફતો ઉડ્ડયન ઉદ્યોગ પર પસ્તાળ પાડી રહી છે. એરલાઈન્સ કંપનીઓ બે વર્ષથી મદદ માંગી રહી છે, પરંતુ સરકાર પાસે જ પૈસા નથી ત્યારે આ ઉદ્યોગ ક્યારે સુધારાની ફ્લાઈટ પકડશે તેને લઈને મોટા સવાલો ઊભા થયા છે.

એવિએશન (AVIATION) કંપનીઓની દશા બેઠી છે, એક પછી એક આફતો આવી રહી છે. છેલ્લાં બે વર્ષથી એરલાઈન્સ (AIR LINES) પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહી છે અને હજુયે તેનો અંત દેખાતો નથી. 27 માર્ચથી ભારતની તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પૂરી ક્ષમતાથી શરૂ થવાની હતી, ત્યાં તો ચીનમાં ફરી કોરોનાના કેસમાં ઝડપી ઉછાળો આવવા લાગ્યો. આમ તો, લૉકડાઉન (LOCK DOWN)માં એવિએશન કંપનીઓનો બિઝનેસ જ હવામાં લટકી ગયો હતો. તમામ ઉડાનો બંધ થઈ ગઈ હતી પણ, કંપનીઓના ખર્ચનું મીટર તો ચાલુ જ રહ્યું હતું. પરિણામે, કંપનીઓનો ઋણબોજ વધી ગયો અને નફાની જગ્યાએ ખોટના આંકડા વધવા લાગ્યા.

આશા તો હતી કે, લોકડાઉન હટશે એટલે ઉડ્ડયન ઉદ્યોગ અગાઉની જેમ ઉડાન ભરશે, પરંતુ ટેકઑફ થતાંની સાથે જ રોકડની અછત અને મોંઘાદાટ ઈંધણના કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા. ઈન્ડિગોની ખોટ 2021ના સપ્ટેમ્બર સુધીમાં વધીને 4,600 કરોડ રૂપિયાને પાર થઈ ગઈ, જ્યારે સ્પાઈસજેટની ખોટમાં પણ જંગી વધારો થયો છે. કોરોનાની બીજી લહેર પૂરી થઈ એટલે ઉદ્યોગમાં થોડોક સુધારો જોવા મળ્યો પણ ખરો અને ડિસેમ્બરમાં 1 કરોડથી વધુ સ્થાનિકોએ હવાઈસફર કરી, પરંતુ જાન્યુઆરીમાં ત્રીજી લહેરે ઉડ્ડયન ઉદ્યોગના જખમ તાજા કરી નાખ્યા.

ફેબ્રુઆરીમાં સ્થિતિ સુધરવા લાગી તો વળી, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું અને એવિએશન ફ્યુઅલના ભાવ આભ આંબી ગયા. હવાઈ-ઈંધણના ભાવ 2021ના જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 87 ટકા વધી ગયા છે અને તેના કારણે મોટો ફટકો પડ્યો છે, કારણ કે, એરલાઈન્સના કુલ ખર્ચમાં માત્ર હવાઈ ઈંધણનો હિસ્સો 40-45 ટકા હોય છે.

એવિએશન કંપનીઓની હાલત પહેલેથી જ ખરાબ છે અને દેવાનો બોજ સતત વધી રહ્યો છે. ગયા નાણાકીય વર્ષ સુધીના આંકડા પ્રમાણે, ઈન્ડિગોના માથે 2,500 કરોડ રૂપિયાથી પણ વધુ જ્યારે સ્પાઈસજેટ પર 707 કરોડ રૂપિયાનું દેવું હતું. મોંઘા ઈંધણને કારણે આ વર્ષે પણ તેમના ઋણમાં ધરખમ વધારો થવાની શક્યતા છે.

એરલાઈન્સ કંપનીઓને ઋણ અને ખોટના અસહ્ય બોજથી ઉગારવી હોય તો, નાણાકીય વર્ષ 2022-23માં પાંચ અબજ ડૉલર એટલે કે 35-40 હજાર કરોડ રૂપિયાની મદદ કરવી પડે અને તેના માટે કંપનીઓએ સરકાર પાસે મદદની માંગણી કરી છે. પરંતુ સરકાર પાસે જ આવકના સ્રોત મર્યાદિત છે અને સરકાર પોતાનો ખર્ચ પૂરો કરવા માટે જ દેવું કરી રહી છે, એટલે ઉડ્ડયન ઉદ્યોગને સરકારી મદદ મળે તેવી શક્યતા દેખાતી નથી.

આ પણ જુઓ

હેલ્થ ઇન્સ્યૉરન્સ પૉલિસીને લેપ્સ થતા કેવી રીતે બચાવશો?

આ પણ જુઓ

હેલ્થ વીમામાં ગ્રેસ પીરિયડ શું હોય છે?

Published on: Mar 17, 2022 09:07 PM
g clip-path="url(#clip0_868_265)">