દાદાની સરકારમાં ખનિજ માફિયા બેફામ ! નદીનુ વહેણ રોકીને ગેરકાયદે રેતીનું ખુલ્લેઆમ ખનન
બેફામ બનેલા ખાણ ખનિજ માફિયાઓ, સરકારી તંત્રની કોઈ પડી જ ના હોય તેમ ખેડા જિલ્લામાં વાત્રક નદીના પટ્ટમાં રેતીનો કામચલાઉ બ્રિજ બનાવી નાખ્યો છે. આ ઘટના પ્રકાશમાં લાવવામાં આવતા જ, તંત્ર હાફળુ ફાંફળુ થઈને કડક કામગીરી કરવા નદીના પટ્ટમાં દોડી ગયું હતું.
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કે તંત્રનો ડર જ ના હોય તેમ ખાણ ખનિજ માફિયાઓ વર્તી રહ્યાં છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ, તેમના વિસ્તારમાં રેતી માફિયાઓ બે માળ સુધી ખાડા ખોદીને રેતી ચોરી કરી ગયાની ગુહાર લગાવી હતી. તો બીજી બાજુ અમદાવાદને અડીને આવેલ ખેડા જિલ્લામાંથી ખાણ માફિયા બેફામ બન્યાનો કિસ્સો સામે આવ્યો છે. ખેડા જિલ્લાના રઢુ પાસેથી પસાર થતી વાત્રક નદીનુ વહેણ અટકાવવા કામચલાઉ બ્રિજ બનાવીને ખાણ માફિયાઓ રેતીની ખુલ્લેઆમ ચોરી કરી રહ્યાં છે.
બેફામ બનેલા ખાણ ખનિજ માફિયાઓ, સરકારી તંત્રની કોઈ પડી જ ના હોય તેમ વાત્રક નદીના પટ્ટમાં રેતીનો કામચલાઉ બ્રિજ બનાવી નાખ્યો છે. આ ઘટના પ્રકાશમાં લાવવામાં આવતા જ, તંત્ર હાફળુ ફાંફળુ થઈને કામગીરી કરવા દોડી ગયું હતું. જિલ્લાના કલેકટરે, ગેરકાયદે બનાવેલ હંગામી બ્રિજ તોડી પાડીને વાત્રક નદીના પાણીના વહેણને મૂળ વહેણમાર્ગે વહેવા દીધુ હતું. જિલ્લામાં કોઈ પણ નદીના પાણીના વહેણને રોકવામાં આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
વાત્રક નદીના પટ્ટમાં હંગામી બ્રિજ કોના દ્વારા બનાવવામાં આવ્યો છે? કેટલા સમય પહેલા બનાવવામાં આવ્યો છે ? કેટલી રેતીનું ખનન કરવામાં આવ્યું છે? જેવા મુદ્દાઓ પર ખેડા જિલ્લાના કલેકટર દ્વારા તપાસ કરવામાં આવશે. જ્યારે ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ જણાવ્યું કે, જો વહીવટી તંત્ર દ્વારા પોલીસમાં ફરિયાદ આપવામાં આવશે કે કરવામાં આવશે તો હંગામી પુલ બનાવી દેનાર લોકો અને રેતી ખનન કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.