CEPA દ્વારા જેમ્સ જ્વેલરી સેક્ટરને સૌથી વધુ ફાયદો, 52 અબજ ડોલરની નિકાસનું લક્ષ્ય મેળવવું શક્ય: ઈન્ડસ્ટ્રી
કરાર હેઠળ, UAE ભારતીય જ્વેલરી પરની ડ્યૂટી દૂર કરવા માટે સંમત થયું છે, જ્યારે ભારત 200 ટન સુધીની સોનાની આયાત પરની ડ્યૂટીને માફ કરશે.
ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે થયેલ વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગને (Gems Jewelry Sector) વેગ આપશે અને 2022-23માં આ ક્ષેત્રને 52 અબજ ડોલરના નિકાસ લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદ કરશે. શુક્રવારે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા આ અંદાજ આપવામાં આવ્યો છે. જીજેઈપીસીના ચેરમેન કોલિન શાહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નિકાસના મોરચે, જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગને યુએઈ સાથે સીઈપીએથી સૌથી વધુ ફાયદો થશે. CEPA સાથે, અમે આગામી નાણાકીય વર્ષ માટે 52 અબજ ડોલરના જેમ્સ અને જ્વેલરીની નિકાસના નિર્ધારિત લક્ષ્યને હાંસલ કરવાનો વિશ્વાસ ધરાવીએ છીએ.
કરાર એક મહિનામાં અમલમાં આવશે
ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) એક મહિનામાં અમલમાં આવશે. ભારતમાં UAEના રાજદૂતે ગુરુવારે આ માહિતી આપી હતી. મર્ચન્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત સત્રને સંબોધતા, યુએઈના ભારતમાં રાજદૂત અહેમદ અબ્દુલ રહેમાન અલ્બાનાએ જણાવ્યું હતું કે 1980માં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 18.5 કરોડ ડોલર હતો, જે 2021માં વધીને 45 અબજ ડોલર થઈ ગયો છે.
તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે CEPA આગામી એક મહિનામાં અમલમાં આવશે. તેમણે ભારતીય કંપનીઓને ઉત્પાદન, સંરક્ષણ, ફૂડ પ્રોસેસિંગ અને હેલ્થકેર જેવા ક્ષેત્રોમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. તે જ સમયે, ભારત સરકારનો અંદાજ છે કે લગભગ 26 અબજ ડોલરના મૂલ્યના ઘરેલુ ઉત્પાદનો જેમ કે જેમ્સ અને જ્વેલરીને FTAથી ફાયદો થવાની સંભાવના છે. હાલમાં તેમના પર ગલ્ફ કન્ટ્રીમાં પાંચ ટકા ઈમ્પોર્ટ ડ્યુટી લાદવામાં આવે છે.
ભારત-યુએઈ એફટીએ સાથે સંકળાયેલા લાભોને રેખાંકિત કરતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે આ કરાર દ્વારા શ્રમ-સઘન ક્ષેત્રો જેવા કે, કાપડ, ચામડું, ફૂટવેર, રમતગમતનો સામાન, પ્લાસ્ટિક, ફર્નિચર, કૃષિ અને લાકડાના ઉત્પાદનો, એન્જિનિયરિંગ ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ઉપકરણો અને વાહનો જેવા ઉદ્યોગોને ઘણો ફાયદો થશે.
5 વર્ષમાં 100 બિલિયન ડોલરનો દ્વિપક્ષીય વેપાર શક્ય
કરાર પછી કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે અનુમાન આપ્યું હતું કે ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને 100 અબજ ડોલર સુધી પહોચાડવામાં અને લાખો નોકરીઓનું સર્જન કરવામાં મદદ કરશે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, કરાર અમલમાં આવતાની સાથે જ પ્રથમ દિવસથી જ ભારતીય હિત સાથે સંબંધિત લગભગ 90 ટકા ઉત્પાદનો માટે UAEમાં નિકાસનો માર્ગ ખુલી જશે.
ભારત અને UAEની કંપનીઓને મુક્ત વેપાર કરારથી નોંધપાત્ર લાભ મળશે. આમાં માર્કેટ એક્સેસ અને ઓછી ફી દરનો સમાવેશ થાય છે. આ કરાર ટેક્સટાઈલ, હેન્ડલૂમ, જેમ્સ એન્ડ જ્વેલરી, લેધર અને ફૂટવેર જેવા શ્રમ સઘન ક્ષેત્રોમાં 10 લાખ નોકરીઓનું સર્જન કરશે. યુએઈ ભારતીય જ્વેલરી પરની ડ્યૂટી નાબૂદ કરવા માટે સંમત છે, જ્યારે ભારત 200 ટન સુધીની સોનાની આયાત ડ્યૂટીમાં મુક્તિ આપશે.