Closing Bell : સાત દિવસના ઘટાડા પર લાગી બ્રેક, સેન્સેક્સમાં 1328 પોઈન્ટનો ઉછાળો, રોકાણકારો 7.76 લાખ કરોડથી થયા માલામાલ
આજે BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 250 લાખ કરોડ રૂપિયા પર બંધ થયું. આજે રોકાણકારોની સંપત્તિમાં 7.76 લાખ કરોડ રૂપિયાનો ઉછાળો આવ્યો.
Share Market : સતત સાત ટ્રેડિંગ સેશનમાં ઘટાડા બાદ આજે (25 ફેબ્રુઆરી,2022) સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેરબજાર તેજી (Share market updates) સાથે બંધ થયું હતું. ગુરુવારની ભારે વેચવાલી બાદ સેન્સેક્સ 2.44 ટકા (Sensex today) એટલે કે 1328 પોઈન્ટના ઉછાળા સાથે 55858 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 410 પોઈન્ટના ઉછાળા સાથે 16658 પર બંધ થયો હતો. આજે સેન્સેક્સના ટોપ-30માં 29 શેરો વધ્યા હતા અને એકમાત્ર નેસ્લે ઈન્ડિયા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફાઈનાન્સ અને એનટીપીસી ટોપ ગેનર હતા. આજે મિડકેપ અને સ્મોલકેપમાં 4 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.
આ સિવાય મેટલ ઈન્ડેક્સમાં 5.74 ટકા, મીડિયામાં 4.69 ટકા, રિયલ્ટીમાં 5.34 ટકા, PSU બેન્ક ઈન્ડેક્સમાં 4.69 ટકાનો જબરદસ્ત વધારો જોવા મળ્યો હતો. આજે BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 250 લાખ કરોડ રૂપિયા પર બંધ થયું હતું. ગઈકાલના ભારે ઘટાડા બાદ BSEનું માર્કેટ કેપ ઘટીને 242.24 લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું. આ રીતે આજે રોકાણકારોની સંપત્તિમાં 7.76 લાખ કરોડ રૂપિયાનો ઉછાળો આવ્યો હતો.
ટ્રેડર્સ અંતર જાળવી રાખે
એવેન્ડસ કેપિટલના સીઈઓ વૈભવ સંઘવીએ ET નાઉ સ્વદેશને જણાવ્યું કે આ સમયે માર્કેટમાં ઘણી અસ્થિરતા છે. આ સમયે વેપારીઓએ બજારથી અંતર રાખવું જોઈએ. હમણાં માટે, ફક્ત એવા રોકાણકારોએ જ બજારમાં પ્રવેશ કરવો જોઈએ કે જેમની પાસે લાંબા ગાળાનો દ્રષ્ટિકોણ છે. LIC નો IPO આવી રહ્યો છે, ઉત્તર પ્રદેશની ચૂંટણીના પરિણામો અને આવતા મહિને ફેડરલ રિઝર્વ વ્યાજદર અંગે શું નિર્ણય લે છે, તેના પર બજારની નજર રહેશે. આ પરિણામો આવ્યા બાદ બજારની મુવમેન્ટ ઓછી થશે.
રૂપિયામાં આવ્યો 34 પૈસાનો ઉછાળો
આજે ડોલર સામે રૂપિયામાં 34 પૈસાની મજબૂતી જોવા મળી હતી અને તે 75.26ના સ્તરે બંધ રહ્યો હતો. સ્થાનિક બજારમાં ઉછાળો અને કાચા તેલમાં કરેક્શનના કારણે રૂપિયામાં આ ઉછાળો નોંધાયો છે. ક્રૂડ ઓઈલ હાલમાં 95 ડોલર પ્રતિ બેરલના સ્તરે છે, જે ગુરુવારે 105 ડોલરના સ્તરે પહોંચી ગયું હતું. ગુરુવારે રૂપિયામાં 99 પૈસાનો જંગી ઘટાડો નોંધાયો હતો.