Bhakti : જાણો દિવાસા પર થતાં એવરત જીવરત વ્રતનો મહિમા, આ વ્રત પૂર્ણ કરશે પરિવારના સુખની કામના !
દિવાસો એટલે કે સો પર્વનો વાસો. દિવાસાના દિવસે એવરત અને જીવરત એમ બે પ્રકારના વ્રત થાય છે. વ્રતથી અખંડ સૌભાગ્યની સાથે સંતાન સુખના આશિષ પ્રાપ્ત થવાની માન્યતા છે.
અષાઢ માસનો અંતિમ દિવસ એટલે કે દિવાસો (Divaso). દિવાસો એટલે કે સો પર્વનો વાસો. દિવાસાથી જ વ્રત, તહેવાર અને ઉત્સવોનો પ્રારંભ થાય છે. દિવાસાથી લઈ દિવાળી સુધી લગભગ સો દિવસનો સમય રહે છે. અને તે સંપૂર્ણપણે ઉત્સવમય રહે છે. એટલે જ અષાઢી અમાસનો દિવસ ખુબ ઉત્તમ માનવામાં આવે છે. આપણો દેશ એ ઉત્સવ પ્રિય દેશ છે. આપણા અઢળક તહેવારોનું ધાર્મિક અને સામાજિક રીતે ખુબ મહત્વ છે. એવી જ રીતે દિવાસાનું પણ આપણી સંસ્કૃતિમાં ખુબ મહત્વ છે.
આપણે ત્યાં સ્ત્રીઓ માટે કેટલાય વ્રતનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. નાની બાળકીઓ ગોરો એટલે મોળાકતનું વ્રત કરે છે. તો તરૂણાવસ્થામાં પહોંચેલી દીકરીઓ જયાપાર્વતી કે ફૂલકાજળનીનું વ્રત કરે છે. તો પરિણીત સ્ત્રીઓ એવરત જીવરતનું વ્રત કરે છે. મોળાકત અને જયાપાર્વતીનું વ્રત કુંવારીકાઓ પોતાના મનના માણીગર માટે કરે છે. તો દિવાસાનું વ્રત પરિણીતાઓ પરિવારની સુખાકારી અને સુસ્વાસ્થય માટે કરે છે.
કહે છે કે દિવાસાનું વ્રત કરનાર સ્ત્રીને એવરત અને જીવરત મા અખંડ સૌભાગ્યના આશિષ આપે છે. સાથે જ પતિના દીર્ઘાયુ માટે પણ સ્ત્રીઓ આ વ્રત કરે છે. એટલું જ નહીં, સંતાન સુખના પણ આશિર્વાદ આપે છે દિવાસાનું વ્રત. દિવાસાના વ્રતના માહાત્મ્ય સંબંધી કથાઓ આપે પણ લોકમુખે સાંભળી હશે. આજે અમે આપને દિવાસાના વ્રત સંબંધી કેટલીક ખાસ બાબતો જણાવી દઈએ.
દિવાસાના દિવસે એવરત અને જીવરત એમ બે પ્રકારના વ્રત થાય છે. નવપરિણીતાઓ એવરત અને મોટી ઉંમરની મહિલાઓ જીવરતનું વ્રત કરે છે. વ્રત કરનાર મહિલા ઉપવાસ રાખે છે. દિવાસાના ઉપવાસમાં સ્ત્રીએ મીઠાં વગરનો જ ખોરાક લેવાનો હોય છે. દિવાસાનું વ્રત કરનાર સ્ત્રી જવારાની વાવણી કરે છે. એવરતમા, જીવરતમાની પૂજા-અર્ચના કરે છે. અને સાથે જ ત્રણ પ્રહર સુધી જાગરણ કરે છે.
દિવાસાના વ્રતની આ જ ખાસિયત છે. કારણકે કોઈ પણ સામાન્ય વ્રતનું જાગરણ 24 કલાક સુધી ચાલતું હોય છે. જો કે દિવાસામાં કુલ 36 કલાકનું જાગરણ કરવામાં આવે છે. જાગરણ દરમિયાન માતા એવરત અને જીવરતનાં ગુણલાં ગવાય છે. પરિવારના લોકો પણ સાથે જોડાય છે અને ભજન કિર્તન કરતાં કરતાં 36 કલાકનું જાગરણ પૂરુ કરાવે છે. અલબત, દિવાસા પર દીપપૂજાનું પણ ખુબ મહત્વ છે.
કહેવાય છે કે વ્રતના આ ત્રણ પ્રહર દરમિયાન એક દિવો અખંડ ચાલુ રાખવો. કેટલાક સ્થળો પર કુંવારીકાઓ પણ એવરતનું વ્રત કરે છે. મનના માણીગરની કામના સાથે મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરે છે. તો કેટલાક સ્થળો પર માત્ર નવપરિણીત સ્ત્રીઓ જ એવરતનું વ્રત કરે છે.
આ પણ વાંચો : કેવું છે જગદંબાનું સાચું સ્વરૂપ ? નિર્ગુણા કે સગુણા ? જાણો ‘દેવી ભાગવત’ની કથા. આ પણ વાંચો : ઘરના મંદિર પાસે ભૂલથી પણ ન કરતા આ કામ, નહીંતર પસ્તાવાનો આવશે વારો !