Bhakti: પ્રમુખસ્વામી મહારાજના લોકકલ્યાણના કાર્યોએ કેવી રીતે સર્જી દીધાં વિક્રમ ? સ્વામીજીના ભગીરથ કાર્યોને ઓળખો
સંતો તો ઘણાં થાય. પણ, એવાં સંતો ભાગ્યે મળે કે જેમની કથની અને કરની એક સમાન હોય ! પ્રમુખસ્વામી એક એવાં જ સંત હતા. અને એટલે જ ભક્તોને ‘પ્રમુખ'માં ‘પ્રભુમુખ'ના દર્શન થવા લાગ્યા.
આજે પ્રમુખસ્વામી મહારાજની (Pramukh Swami Maharaj) 100મી જન્મજયંતી છે. આજથી 100 વર્ષ પૂર્વે વડોદરાના ચાણસદ ગામમાં માગશર સુદ આઠમની તિથિએ જ પ્રમુખસ્વામી મહારાજનો જન્મ થયો હતો. બાળપણનું તેમનું નામ શાંતિલાલ રખાયું હતું. પ્રભુ સ્વામીનારાયણના ત્રીજા આધ્યાત્મિક અનુગામી એવાં શાસ્ત્રીજી મહારાજે શાંતિલાલના માહ્યલાને ઓળખીને તેમને દીક્ષીત કર્યા. અને તેમના લોકસેવાના કાર્યોને જોઈ માત્ર 28 વર્ષની ઉંમરે જ તેમને BAPSના પ્રમુખ પદની જવાબદારી સોંપી. શાંતિલાલ સૌના લાડીલા ‘પ્રમુખસ્વામી’ મહારાજ બની ગયા.
BAPSના પ્રમુખ પદ પર બિરાજમાન થઈ પ્રમુખસ્વામી મહારાજે સેવાની એવી સુંવાસ પ્રસરાવી કે જેની કલ્પના કરવી પણ દુર્લભ હોય. સંતો તો ઘણાં થાય. પણ, એવાં સંતો ભાગ્યે મળે કે જેમની કથની અને કરની એક સમાન હોય ! પ્રમુખસ્વામી એક એવાં જ સંત હતા. અને એટલે જ ભક્તોને ‘પ્રમુખ’માં ‘પ્રભુમુખ’ના દર્શન થવા લાગ્યા.
પ્રમુખસ્વામી મહારાજે અનેક કુરિવાજોને દૂર કરીને સમાજના વિકાસમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું. દહેજ, અસ્પૃશ્યતા તેમજ ભ્રૂણહત્યા જેવી બદીઓને નાબૂદ કરવા માટે તેમણે લોકોને સમજ આપી. સાક્ષરતાથી લઈ જળસંચય અભિયાન, તેમજ વ્યસન મુક્તિ આંદોલનોનો પ્રારંભ કરાવ્યો. તો, પ્રમુખસ્વામી દ્વારા શરૂ થયેલાં આ સેવાયજ્ઞોએ અનાયાસે જ અનેક વિક્રમો સર્જી લીધાં.
BAPSના પ્રમુખ તરીકે પ્રમુખસ્વામી મહારાજે 50 જેટલાં દેશોની મુલાકાત લીધી. તેમણે દેશ-દુનિયાના લગભગ 17,000 જેટલાં ગામડાં અને શહેરોમાં વિચરણ કર્યું. ભારતમાં 1000થી વધુ અને વિદેશની ધરતી પર 125 જેટલાં મંદિરોનું નિર્માણ કરાવ્યું. પ્રમુખસ્વામી મહારાજે 2,50,000 જેટલાં ઘરોમાં જઈ લોકોને નિર્વ્યસની જીવનની પ્રેરણા આપી. 7,60,000 જેટલાં પત્રો વાંચી તેના જવાબ આપ્યા. તેમજ 8,10,000 લોકોને વ્યક્તિગત રીતે મળીને તેમની સમસ્યાઓનું સમાધાન કર્યું. પ્રમુખસ્વામી મહારાજે લગભગ 1000 લોકોને દીક્ષા આપી. લોકસેવા માટે 55,000 સેવકોની ફોજ ઉભી કરી. તો, વર્ષ 2001 માં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા જાહેર થયેલી દુનિયાની 20 પ્રતિભાશાળી વ્યક્તિઓમાં પણ સ્થાન મેળવ્યું.
પ્રમુખસ્વામી મહારાજના આ કાર્યોને લીધે તેમને આખા વિશ્વમાં અનેક અવૉર્ડસથી સન્માનિત કરાયા. પરંતુ, આટલાં કાર્યો, આટલાં અવૉર્ડસ અને આટલું સન્માન છતાં તેમનામાં ક્યારેય અહંનું નામોનિશાન ન હતું. નાનામાં નાનું કાર્ય કરવામાં પણ તેમને સંકોચ ન હતો. અને તેમની આ જ વિશેષતાએ વધુને વધુ લોકોના હૃદયમાં તેમને ગુરુ તરીકે સ્થાપિત કર્યા.
તા- 13/08/2016 એટલે કે સંવત 2072ની શ્રાવણ સુદ દશમીના રોજ સારંગપુરના સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામીજીએ સ્થૂળદેહને ત્યાગી દીધો. સ્વામીજી સદેહે ભલે આજે હયાત ન હોય, પરંતુ, તેમનો આત્મા આજે પણ એ સેવાકાર્યોમાં શ્વસી રહ્યો છે કે જેનો હેતુ માત્ર અને માત્ર લોકહિતાર્થ જ હતો. પ્રમુખસ્વામીજીના દેહત્યાગ બાદ તેમની જ અંતિમ ઈચ્છા અનુસાર પૂજ્ય મહંત સ્વામી મહારાજ પ્રભુ સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી બન્યા. જે પ્રમુખસ્વામીના જ પથ પર ચાલી તેમના અધૂરાં સ્વપ્નને આગળ ધપાવી રહ્યા છે. અને BAPSની યશગાથામાં નવા અધ્યાય ઉમેરી રહ્યા છે.
આ પણ વાંચો : શનિવારે પીપળાના વૃક્ષની પૂજા સાથે આ ઉપાયો કરો, શનિદેવ સંબંધિત દરેક પ્રકારની પરેશાનીઓ થશે દૂર
આ પણ વાંચો : ધરતી ઉપર પ્રભુનું નામ સદાયને માટે અમૃત સમાન છે