પાછોતરા વરસાદથી ખેડૂતોની હાલત થઈ કફોડી, તૈયાર મગફળીના પાથરા પલળી જતા ખેડૂતોના મોં માં આવેલો કોળિયો છીનવાયો- Video
ગીર સોમનાથના ખેડૂતોની માઠી દશા બેઠી છે. પાછોતરા વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. ખેતરોમાં સૂકાવા માટે રાખેલા મગફળીના પાથરા પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.
ગીર-સોમનાથમાં પાછોતરા વરસાદે ખેડૂતોના મુખમાં આવેલો કોળિયો છીનવી લીધો છે. વેરાવળ પંથકમાં વરસાદના કારણે ખેડૂતોનો પાક નષ્ટ થયો છે. વેરાવળના કોડીદ્રા, ભેટાળી, પંડવા સહિતના ગામડાઓમાં ખેડૂતોની મહેનત પર વરસાદી પાણી ફરી વળ્યું છે. મગફળી, સોયાબીન સહિતનો ચોમાસું પાક પાણી ભરાઈ જવાથી નિષ્ફળ ગયો છે. ખેતરમાં પાણીનો ભરાવો થતા પાક કોહવાઈ ગયો છે.
સોના જેવા પાકમાં પાણી ભરાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
આખા વર્ષની મહેનત, મોંઘા બિયારણ અને ભારે જતન કરીને ઉછેરેલા પાક પર વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે. જે ખેતરોમાં થોડા સમય પહેલા હરિયાળો પાક લહેરાતો હતો ત્યાં આજે વરસાદના કારણે બધુ રમણ-ભમણ થઈ ગયું છે. પાછાતરા વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા છે.
ખેડૂતોનો પાક પલળી જતા તેમની પીડાનો કોઈ પાર રહ્યો નથી. હાથમાં પલળેલો પાક લઈ ખેડૂત આક્રંદ કરતા જોવા મળ્યા છે. સોયાબિન અને મગફળીનો પાક સંપૂર્ણપણે પલળી જતા ખેડૂતોને રોવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી. ત્યારે ખેડૂતો હવે સરકાર તરફ મીટ માંડીને બેઠા છે કે સરકાર હવે તેમની સામે કંઈક જુએ.