નવરાત્રીના અંતિમ દિવસોમાં વિધ્ન બન્યો વરસાદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં મેઘરાજાએ બોલાવી રમઝટ- Video
નવરાત્રીના અંતિમ દિવસો બાકી રહ્યા છે ત્યારે વરસાદ વિધ્ન બનીને આવ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી, જાફરાબાદ, રાજુલા, ભાવનગર, ગીર સોમનાથમાં મેઘરાજાએ રમઝટ બોલાવી. ત્યારે ગરબા આયોજકોની ચિંતા વધી છે.
હવામાન વિભાગની અને અંબાલાલની આગાહી મુજબ રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. નવરાત્રીના અંતિમ દિવસોમાં વરસાદે તોફાની બેટીંગ કરતા ખેલૈયાઓની મજા બગડી ગઈ છે અને ગરબા આયોજકોની ચિંતા વધી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હજુ ચાર દિવસ વરસાદી માહોલ રહેશે.
સૌરાષ્ટ્રની વાત કરીએ ભાવનગરના મહુવાના ગ્રામ્ય વિસ્તાર ઊંચા કોટડા અને નીચા કોટડાના ગામોમાં વરસાદ પડ્યો. આ તરફ અમરેલીના ખાંભા શહેર તેમજ ગામ્ય વિસ્તાર નાનુડી, ભાડ, ઇંગોરાળા વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા હવે ગરબાની મજા બગડી છે. જાફરાબાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડતા બજારોમાં પાણી ભરાવાની શરૂઆત થઇ ગયા છે. રાજુલાના નાગેશ્રી, મીઠાપુર, બાલાનીવાવ, ભટવદરમાં પણ વરસાદે બેટિંગ કરી હતી. ગીર સોમનાથના કોડીનારમાં અડધો કલાકમાં બે ઈંચથી વધુ વરસાદ પડતા રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા.
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. નવરાત્રિ દરમિયાન આવેલા વરસાદે ખેલૈયાઓની મજા જરૂર બગાડી મુકી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચાર દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી 48 કલાક એટલે દશેરા સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. જે બાદ જ વરસાદની રાહત મળવાની શકયતાઓ છે. દક્ષિણ ગુજરાત કરતા સૌરાષ્ટ્રમાં હાલ વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં બેથી 3 ઇંચ વરસાદ પડ્યો છે. આ વરસાદ ધરતીપુત્રોની મુશ્કેલી વધારી શકે છે.