ભાજપે બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં રાજકોટ અગ્નિકાંડના પ્રશ્નો પુછતા ભાજપના નેતાઓ જવાબ આપ્યા વગર ભાગ્યા, જુઓ વીડિયો
રાજકોટમાં ગત શનિવારે ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ પ્રથમ વખત ભાજપે બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં હાજર નેતાઓમાંથી કોઈએ પણ અગ્નિકાંડ અંગે સ્પષ્ટ જવાબ આપ્યા નહીં. પત્રકારોના સવાલોના મારા સામે ભાજપના નેતાઓ નીચી મૂંડી કરીને ચાલતા થયા હતા.
રાજકોટ ભારતીય જનતા પાર્ટીએ, આજે કમલમ ખાતે બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં, પત્રકારોના સવાલના જવાબ આપ્યા વીના જ નેતાઓ ભાગ્યા હતા. ભાજપના નેતાઓએ બોલાવેલી પત્રકાર પરિષદમાં એવુ કહેવામાં આવ્યું હતુ કે લોકસભાની ચૂંટણીના પરિણામની ઉજવણી રાજકોટ ભાજપ દ્વારા કરવામા નહીં આવે. આ બાદ જ્યારે પત્રકારોએ, અગ્નિકાંડને લઈને સવાલો પુછવાનું શરુ કર્યું ત્યારે રાજકોટ ભાજપના નેતાઓ કાંઈ પણ બોલ્યા વિના ચાલતી પકડી હતી.
રાજકોટ ખાતે આવેલા ભાજપના કાર્યાલય કમલમ ખાતે, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા, રાજકોટ શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશી, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમીન ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યાં હતા.
રાજકોટમાં ગત શનિવારે ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ પ્રથમ વખત ભાજપે બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં હાજર નેતાઓમાંથી કોઈએ પણ કોઈ જવાબ આપ્યા નહીં. પત્રકારોના સવાલોના મારા સામે ભાજપના નેતાઓ નીચી મૂંડી કરીને ચાલતા થયા હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમીન ઉપાધ્યાયે કહ્યું હતું કે પાર્ટી કહેશે તો હોદ્દા પરથી રાજીનામુ આપીશ.