સુરત પોલીસને બગાસું ખાતા પતાસુ મળ્યું, જાણો કેમ ?
સુરતમાં એક અજીબ પ્રકારનો કિસ્સો બન્યો છે. સુરત પોલીસ માટે બગાસું ખાતા પતાસુ મળ્યા જેવુ થયું છે. વાત એવી છે કે, આરોપીઓએ જ અન્ય આરોપીઓને પકડાવી દીધા છે. સમગ્ર ઘટના જાણવા જુઓ આ વીડિયો
સુરતમાં એક અજીબ પ્રકારનો કિસ્સો બન્યો છે. સુરત પોલીસ માટે બગાસું ખાતા પતાસુ મળ્યા જેવુ થયું છે. આ ઘટનાથી પોલીસને તો નકલી પોલીસની ગેંગ મળી આવી તો સાથોસાથ જુગારીઓ પણ ઝડપાઈ ગયા છે. સમગ્ર કિસ્સો એવો છે કે, સુરતના વરાછામાં જુગારધામ ચાલતુ હતું. આ જુગારધામ અંગે કેટલાક લોકોને માહિતી મળી ગઈ. પાંચ લોકો પોલીસ બનીને જુગારધામ પર ત્રાટક્યા. જુગાર રમતા જુગારીઓને પકડ્યા. કેટલાક લોકો પાસેથી કેસ ના કરવા અંગે રૂપિયા પડાવ્યા.
જુગારધામમાં જુગાર રમતા જુગારીઓ પાસેથી કેસ ના કરવા માટે પોલીસ બનીને આવેલા પાંચેયે 1 લાખ 73 હજાર રૂપિયા લઈ લીધા. જુગારીઓ પાસેથી રૂપિયા લઈને પાંચેય પોલીસ રફુચક્કર થઈ ગઈ. જો કે જુગાર રમતા જુગારીઓને કશુક અજુગતુ લાગ્યું અને તેમણે વરાછાની અસલી પોલીસનો સંપર્ક કરીને સમગ્ર ઘટનાની જાણ કરી.
સમગ્ર ધટનાની જાણકારી મેળવીને સુરતની વરાછા પોલીસે સીસીટીવી ચકાસતા, પોલીસ બનીને ત્રાટકેલા પાંચ જણા નકલી પોલીસ જણાયા. આથી વરાછા પોલીસે, નકલી પોલીસ બનીને જુગારધામ પર ત્રાટકનારા પાંચ જણાની શોધખોળ હાથ ધરી. પાંચ પૈકી ત્રણ નકલી પોલીસ, અસલી પોલીસના હાથમાં આવી ગયા. જો કે હજુ પણ અસલી પોલસીના હાથમાં બે નકલી પોલીસ આવ્યા નથી. વરાછા પોલીસે અન્ય બે નકલી પોલીસને વોન્ટેડ જાહેર કરીને શોધખોળ હાથ ધરી છે.