અરવલ્લીઃ મોડાસા વિસ્તારના ખેડૂતો રાત્રી વીજળીથી પરેશાન, આંદોલન કરવાની ચિમકી સાથે રેલી યોજી
મોડાસા તાલુકાના ટીંટોઈ તથા આસપાસના ખેડૂતો, કિસાન સૂર્યોદય યોજનાથી વંચિત રહેતા UGVCL પેટા વિભાગ કચેરી ટીંટોઇ ખાતે મોટી સાંખ્યમાં રેલી યોજી હતી. રેલી દ્વારા પહોંચેલા ખેડૂતોએ અધિકારીને આવેદનપત્ર આપી માંગ સંતોષવા રજુઆત કરી હતી. માંગ નહીં સંતોષાય તો ગાંધી ચીંધ્યા માર્ગે જેલ ભરો આંદોલનની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી રોષ ઠાલવ્યો હતો.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ખેડૂતો રાત્રી દરમિયાની વિજળીને લઈ પરેશાન બન્યા છે. કિસાન સૂર્યોદય યોજનાનો લાભ ખેડૂતોને નહીં મળવાને લઈ ખેડૂતો મોટાભાગના તાલુકા મથકમાં રોષ ઠાલવી રહ્યા છે અને રવિ સિઝનમાં સિંચાઈ માટે મોડી રાત્રીના બદલે શેડ્યૂલમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી રહી છે. આવી જ રીતે મોડાસા પંથકના ખેડૂતોએ મંગળવારે રોષ ઠાલવીને રેલી યોજી હતી.
ખેડૂતોની માંગણી છે કે, મોડી રાત્રીના બદલે શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવે, જેથી વહેલી સવારથી મોડી સાંજ સુધીમાં ખેતીમાં સિંચાઈનું કામ પૂર્ણ થઈ જવા પામે. આ માટે યોગ્ય આયોજન પૂર્વક શેડ્યૂલ ગોઠવવા માંગ કરાઈ રહી છે. આવુ અનેક વિસ્તારમાં કરવામાં આવી રહ્યુ છે, જેનાથી ખેડૂતોને રાહત મળી રહી છે. મોડાસાના ટીંટોઈ વિસ્તારના ખેડૂતોએ મંગળવારે રેલી યોજીને UGVCL કચેરીએ પહોંચીને આવેદન પત્ર આપ્યુ હતુ.