Shravan-2021: પાવનકારી શ્રાવણ (shravan) માસ ચાલી રહ્યો છે. ભક્તો વિવિધ દ્રવ્યો અર્પણ કરી ભોળાનાથને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભક્તો હંમેશા એ વાત ધ્યાનમાં રાખતા જ હોય છે કે શિવને (shiv) શું અર્પણ કરીએ તો તે જલ્દી પ્રસન્ન થાય ! પરંતુ, તે સાથે જ એ ધ્યાનમાં રાખવું પણ તો જરૂરી છે, કે શિવજીને શું ભૂલથી પણ અર્પણ ન કરવું ? હા, કેટલીક એવી વસ્તુઓ પણ છે કે જે અર્પણ કરવાથી દેવાધિદેવ ભક્તોની નારાજ થઈ જતા હોવાની લોકવાયકા છે. આ એ દ્રવ્યો છે કે જેનો શિવપૂજામાં નિષેધ મનાય છે. ત્યારે આવો, આજે આપણે તે સંબંધી જ માહિતી મેળવીએ.
મહાદેવને આપણે ભોળાનાથ કહીએ છીએ. ભોળાનાથ એટલે તો ઝડપથી પ્રસન્ન થનારા દેવ. પણ, જ્યારે આ જ ભોળાનાથ રૌદ્ર રૂપ ધારણ કરે છે, ત્યારે તેમના ક્રોધથી બચવું મુશ્કેલ બની જાય છે. એટલે જ તેમની પૂજા સમયે વિશેષ ધ્યાન રાખવું. પુરાણોના આધાર પર તેમજ લોકમાન્યતાઓના આધાર પર કેટલીક વસ્તુઓ શિવજીને અર્પણ કરવાની મનાઈ છે. તો શિવપૂજા સમયે આ બાબતોને વિશેષ ધ્યાનમાં રાખવી.
શંખથી જળ અર્પણ ન કરવું !
ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ વર્જિત છે. શિવપુરાણ અનુસાર દૈત્ય શંખચૂડના અત્યાચારોથી જ્યારે દેવતાઓ પરેશાન હતા, ત્યારે શિવજીએ ત્રિશૂળ વડે તેનો વધ કર્યો. શંખચૂડનું શરીર ભસ્મ થઈ ગયું, અને પછી તે જ ભસ્મથી શંખની ઉત્પત્તિ થઈ ! આ જ કારણને લીધે શિવજીની પૂજામાં શંખનો ઉપયોગ કરવામાં નથી આવતો. એટલે શ્રીહરિ વિષ્ણુની જેમ શિવજીને ક્યારેય શંખથી જળ અર્પણ ન કરવું.
નારિયેળનું પાણી ન ચઢાવો
મહેશ્વરને વિવિધ દ્રવ્યોથી અભિષેક કરવાનો મહિમા છે. પણ, નારિયેળના પાણી વડે તેમનો ક્યારેય અભિષેક ન કરવો જોઈએ. નારિયેળને લક્ષ્મી સ્વરૂપ પણ માનવામાં આવે છે. એટલે જ શિવપૂજામાં ક્યારેય નારિયેળના જળનો પ્રયોગ નથી થતો.
તુલસીના પાનનો નિષેધ
તુલસીના પાનનો ઉપયોગ પૂજામાં અત્યંત ફળદાયી મનાય છે. પરંતુ, આપણે જ્યારે વાત કરતા હોઈએ ભગવાન શિવની, તો તેમની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ વર્જિત છે. પ્રચલિત કથા અનુસાર ભગવાન શિવે જાલંધર નામના રાક્ષસનો વધ કર્યો હતો. જાલંધરની પત્ની વૃંદા જ તુલસીનો છોડ બની હતી. આ કારણે વૃંદાને, એટલે કે તુલસીના પાનને ભગવાન શિવની પૂજામાં ઉપયોગમાં નથી લેવામાં આવતું.
જનોઈ અર્પણ ન કરો
રુદ્ર મહાલય તંત્રશાસ્ત્ર અનુસાર શિવલિંગને ક્યારેય ભૂલથી પણ જનોઈ અર્પણ ન કરવી જોઈએ. નહીંતર, શિવજીના ભયાનક ગુસ્સાનો ભોગ બનવું પડી શકે છે. શિવલિંગને સફેદ વસ્ત્ર અર્પણ કરવાનો મહિમા છે, પરંતુ, જનોઈ નહીં. ભગવાન ભોળાનાથના મૂર્તિ સ્વરૂપને જનોઈ અર્પણ કરી શકાય છે. પણ, કહે છે કે શિવલિંગને તો ભૂલમાં પણ જનોઈ અર્પણ ન કરવી.
કેતકીનું ફૂલ ન ચઢાવો
પૌરાણિક કથા અનુસાર કેતકીના ફૂલે બ્રહ્માજીને અસત્ય બોલવામાં સાથ આપ્યો હતો. જેના કારણે નારાજ થઈને ભોળાનાથે કેતકી ફૂલને શ્રાપ આપ્યો હતો કે તે પૂજામાં ક્યારેય તેનો સ્વીકાર નહીં કરે. આ શ્રાપ બાદ શિવજીને કેતકીનું પુષ્પ અર્પણ કરવું અશુભ માનવામાં આવે છે.
કુમકુમ, સિંદૂર અર્પણ ન કરો
સિંદૂર સૌભાગ્યવતી સ્ત્રીઓનું ઘરેણું માનવામાં આવે છે. સિંદૂર કે કુમકુમ હિંદુ મહિલાઓ તેમના પતિના દીર્ઘાયુષ્ય માટે લગાવે છે. પરંતુ, ભગવાન શિવ તો વિધ્વંસક રૂપ મનાય છે. એટલા માટે શિવલિંગ પર ક્યારેય કુમકુમ નથી ચઢાવવામાં આવતું.
હળદર
લગભગ બધા જ દેવી દેવતાઓના પૂજનમાં હળદરનો એક ઔષધિના રૂપમાં પ્રયોગ કરવામાં આવે છે. પરંતુ, શિવલિંગ પર હળદર ક્યારેય ન ચઢાવવી જોઈએ. કારણ કે મહિલાઓ તેમની સુંદરતાને વધારવા માટે તેનો ઉપયોગ કરે છે. જ્યારે, શિવજી તો વૈરાગ્યના દેવતા છે. એટલે તેમને હળદર અર્પણ ન કરવી.
ઉલ્લેખનીય છે કે આ બધી જ બાબતો આમ તો પ્રચલિત લૌકિક માન્યતાઓ અને કથાઓ પર આધારિત છે. પણ, કહે છે કે આ વાતોને ધ્યાનમાં રાખીએ તો મહાદોષથી અને રુદ્રના ક્રોધથી બચી શકાય છે.
આ પણ વાંચોઃ ‘મહાકાલ’ને શા માટે કહેવાય છે પૃથ્વીલોકના સ્વામી ? જાણો, ઉજ્જૈનીના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની મહત્તા
આ પણ વાંચોઃ શ્રાવણમાં શિવજીને જળ અર્પણ કરવાનો વિશેષ મહિમા, જાણો કેવી રીતે શરૂ થઈ આ પ્રથા ?