12 jyotirlinga: ‘મહાકાલ’ને શા માટે કહેવાય છે પૃથ્વીલોકના સ્વામી ? જાણો, ઉજ્જૈનીના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની મહત્તા
સમગ્ર વિશ્વમાં મહાકાલ એ એકમાત્ર એવાં દેવ મનાય છે કે જે અદભુત શણગાર સાથે વિવિધ સ્વરૂપોમાં ભક્તોને દર્શન દે છે. ‘એક' મહાકાલના ‘અનેક' સ્વરૂપમાં દર્શન પ્રાપ્ત કરવા જ ભક્તો અહીં દર્શનાર્થે ઉમટી પડે છે.
ભારત ભૂમિના મધ્ય ભાગમાં આવેલું મધ્યપ્રદેશ (madhyapradesh) ભારતનું હૃદયસ્થાન મનાય છે. તો, આ જ મધ્યપ્રદેશના ‘હૃદય’ તરીકે પ્રસિદ્ધ છે શિવનગરી ઉજ્જૈન. (ujjain) ઉજ્જૈન એટલે તો એ નગરી કે જ્યાં સદાકાળ દેવાધિદેવનો નિવાસ મનાય છે. પૌરાણિક માન્યતા અનુસાર આ નગરી એ આકાશ અને ધરતી બંન્નેના કેન્દ્રબિંદુ પર સ્થિત છે. ઉજ્જૈની શબ્દનો અર્થ થાય છે, “ઉત્કર્ષ સાથે જયઘોષ કરનારી નગરી.” અને તેના નામની જેમ જ અહીં સતત થતો રહે છે મહાકાલનો (mahakal) જયઘોષ !
ભારતના પ્રસિદ્ધ 12 જ્યોતિર્લિંગમાં ત્રીજા સ્થાને મહાકાલના દર્શનનો મહિમા છે. ઉજ્જૈનમાં પાવની ક્ષિપ્રા નદીને કિનારે દેવાધિદેવ ‘મહાકાલેશ્વર’ (mahakaleshwar) જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન થયા છે. શાસ્ત્રોમાં આ શિવલિંગની મહત્તાનું વર્ણન કરતા કહેવાયું છે કે, આકાશે તારકં લિંગમ્, પાતાલે હાટકેશ્વરમ્ । ભૂલોકે ચ મહાકાલો: લિંગમ્ ત્રય નમોડસ્તુતે ।। એટલે કે, આકાશ, પાતાળ અને ભૂલોક પર સ્થિત મહત્વના ત્રણ શિવલિંગોમાં મહાકાલની ગણના ‘ભૂલોકના સ્વામી’ તરીકે થઈ છે. ઉજ્જૈનમાં તો મહાકાલ જ સર્વેસર્વા મનાય છે. અને એટલે જ તો તે અહીં રાજાધિરાજ તેમજ અવંતિકાનાથ તરીકે પૂજાય છે.
મહાકાલેશ્વરનું જ્યોતિર્લિંગ એ એકમાત્ર એવું જ્યોતિર્લિંગ છે કે જે દક્ષિણાભિમુખ છે. અને એટલે જ અહીં બિરાજમાન દેવાધિદેવ ‘દક્ષિણામૂર્તિ’ તરીકે પણ પ્રસિદ્ધ છે. સમગ્ર વિશ્વમાં મહાકાલ એ એકમાત્ર એવાં દેવ મનાય છે કે જે અદભુત શણગાર સાથે વિવિધ સ્વરૂપોમાં ભક્તોને દર્શન દે છે. ‘એક’ મહાકાલના ‘અનેક’ સ્વરૂપમાં દર્શન પ્રાપ્ત કરવા જ ભક્તો અહીં દર્શનાર્થે ઉમટી પડે છે.
શિવપુરાણની કોટિરુદ્રસંહિતામાં મહાકાલના ઉજ્જૈનીમાં પ્રાગટ્યની કથા વર્ણીત છે. જે અનુસાર, ઉજ્જૈનીના પરમ શિવભક્ત રાજા ચંદ્રસેનને ચિંતામણિ નામે અત્યંત દુર્લભ મણિની પ્રાપ્તિ થઈ. આ મણિને પ્રાપ્ત કરવા અન્ય રાજાઓએ ઉજ્જૈની પર આક્રમણનો નિર્ણય લીધો. ચંદ્રસેને દેવાદિદેવનું શરણું લીધું. અને દિવસરાત તેમની ભક્તિમાં લીન રહેવા લાગ્યા. ચંદ્રસેનની શિવપૂજા જોઈ પાંચ વર્ષનો શ્રીકર નામનો એક ગોપબાળ શિવપૂજા તરફ આકર્ષાયો. તેણે એક સામાન્ય પત્થરની સ્થાપના કરી, જેવી આવડી તેવી પૂજા કરી અને પછી સાધનામાં લીન થઈ ગયો.
કહે છે કે એ શ્રીકરની શુદ્ધ સાધના જ હતી, કે જે કાળના પણ કાળ મહાકાળને ઉજ્જૈનીમાં લઈ આવી. રાતોરાત ત્યાં રત્નમય શિવલિંગનું પ્રાગટ્ય થયું. આ ઘટના વાયુવેગે ઉજ્જૈનીમાં પ્રસરી. રાજા ચંદ્રસેને હર્ષાશ્રુ સાથે મહાકાલની પૂજા કરી. યુદ્ધ કરવા આવેલાં રાજાઓએ પણ ભયભીત થઈ શસ્ત્ર મૂકી દીધાં. મહાકાલના આગમન માત્રથી ઉજ્જૈની પરનું મહાસંકટ દૂર થઈ ગયું. અને એટલે જ તો શિવજી ભયથી મુક્તિ અપાવનારા તેમજ કાળના પણ કાળ ‘મહાકાળ’ તરીકે અહીં બિરાજમાન થયા. ભૂલોકના સ્વામી તરીકે પ્રસિદ્ધ થયા.
જગદગુરુ શંકરાચાર્યજીએ 8મી સદીમાં ઉજ્જૈનના આ પાવનકારી ધામને પુન: જાગૃત કર્યું હતું. મહાકાલેશ્વર એ દુનિયાનું એકમાત્ર એવું શિવાલય છે કે જ્યાં મહેશ્વરની ભસ્મ આરતી થાય છે. શ્રદ્ધાળુઓને મન આ આરતીના દર્શનનો સવિશેષ મહિમા રહેલો છે. કહે છે કે જીવનની તમામ મુસીબતોથી મુક્તિ અપાવનારા અને અકાળ મૃત્યુથી રક્ષણ પ્રદાન કરનારા છે મહાકાલ.
આ પણ વાંચોઃ જાણો મુક્તિદાતા મલ્લિકાર્જુનનો મહિમા, અહીં મળશે શિવ-શક્તિના એકસાથે આશીર્વાદ
આ પણ વાંચોઃ જાણો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના પ્રાગટ્યની કથા, શા માટે અહીં દર્શનનો છે વિશેષ મહિમા ?