આતિશી
આતિશી માર્લેનાનો જન્મ 8 જૂન 1981ના રોજ દિલ્હીમાં થયો હતો. તેની માતાનું નામ ત્રિપ્તા સિંહ અને પિતાનું નામ વિજય સિંહ છે. બંને દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. આતિશીએ સ્પ્રિંગડેલ્સ સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું હતું. વર્ષ 2001માં તેણે સેન્ટ સ્ટીફન્સ કોલેજ દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યાર બાદ તેણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી વધુ અભ્યાસ કર્યો. આ સાથે તેમણે રોડ્સ સ્કોલર તરીકે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી શૈક્ષણિક સંશોધનમાં બીજી માસ્ટર ડિગ્રી પણ મેળવી છે.
આતિશીએ આંધ્રપ્રદેશની ઋષિ વેલી સ્કૂલમાં થોડો સમય કામ કર્યું. આ સાથે તે એક બિન-સરકારી સંસ્થા સંભાવના ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક પોલિસી સાથે પણ સંકળાયેલી હતી. તે આમ આદમી પાર્ટીની રચના બાદથી તેની સાથે જોડાયેલી છે. વર્ષ 2015માં તેમણે મધ્યપ્રદેશના ખંડવામાં AAP નેતા આલોક અગ્રવાલ દ્વારા ચલાવવામાં આવેલા જળ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. આમ આદમી પાર્ટીએ 2019ની લોકસભા ચૂંટણીમાં પૂર્વ દિલ્હીથી આતિશીને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. જો કે તે ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર સામે હારી ગઈ હતી.
આ પછી 2020 વિધાનસભા ચૂંટણીમાં તેણે કાલકાજીમાંથી ચૂંટણી જીતી અને પ્રથમ વખત ધારાસભ્ય બની છે. પાર્ટીએ તેમને ગોવા યુનિટના પ્રભારી પણ બનાવ્યા છે. 2018 સુધી તેમણે દિલ્હીના ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાના સલાહકાર તરીકે કામ કર્યું અને દિલ્હીની સરકારી શાળાઓમાં શિક્ષણને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આતિશી આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા છે.