Tokyo Olympics: ભારતની કમલપ્રીત કૌર ડિસ્ક થ્રોની ફાઈનલમાં પહોંચી, ક્વોલિફિકેશન રાઉન્ડમાં બીજું સ્થાન મેળવ્યું
કમલપ્રીત (Kamalpreet kaur) નો આ પ્રથમ ઓલિમ્પિક છે, અને તેમના ઓલિમ્પિકમાં ડેબ્યુ પર જ તેણે ભારત માટે મેડલની આશા ઉભી કરી છે. કમલપ્રીતે 64 મીટર ડિસ્ક ફેંકી હતી અને ક્વોલિફિકેશન રાઉન્ડમાં બીજા નંબર પર રહી હતી.
ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020) માંથી ભારત માટે સૌથી સારા સમાચાર એથ્લેટિક્સમાંથી આવ્યા છે. જ્યાં ભારતની કમલપ્રીત કૌરે (Kamalpreet kaur) મહિલા ડિસ્ક થ્રો (Discus Throw) ઇવેન્ટમાં ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. કમલપ્રીતની આ પ્રથમ ઓલિમ્પિક છે, અને તેના ઓલિમ્પિક ડેબ્યુ પર જ તેણે ભારત માટે મેડલની આશા ઉભી કરી છે. કમલપ્રીતે 64 મીટર ડિસ્ક ફેંકી હતી અને ક્વોલિફિકેશન રાઉન્ડમાં બીજા સ્થાને રહી હતી. ક્વોલિફિકેશનમાં માત્ર અમેરિકાની ખેલાડી જ કમલપ્રીતથી આગળ હતી, જેણે ડિસ્કને 66.42 મીટર સુધી ફેંકી હતી.
ચોથી ઓલિમ્પિક રમી રહેલી ભારતીય ખેલાડી સીમા પુનિયાનું પ્રદર્શન ખરાબ રહ્યું હતુ.સીમાએ તેના બીજા પ્રયાસમાં 60.57 મીટરની ડિસ્ક થ્રો ફેંકી હતી. આ અંતર તેને ફાઇનલ માટે ટિકિટ ન આપી શક્યું. તે તેના ક્વોલિફિકેશન ગ્રુપમાં છઠ્ઠા સ્થાને રહી હતી, જ્યારે તે ઓવરઓલ 16મા ક્રમે હતી. ડિસ્ક થ્રોના નિયમો અનુસાર, ટોચના 12 ડિસ્ક ફેંકનારાઓને જ ફાઇનલમાં જવાની તક મળે છે. આ માટે, દરેક ડિસ્ક ફેંકનારને ત્રણ પ્રયત્નો કરવા પડે છે, અને શ્રેષ્ઠ પ્રયાસ તેની પ્રગતિનું માપદંડ માનવામાં આવે છે.
ભારતની કમલપ્રીત કૌરે ક્વોલિફિકેશન રાઉન્ડમાં એક પણ પ્રયાસ નિષ્ફળ ન થવા દીધો. અને, દરેક પ્રયાસમાં 60 મીટરથી વધુ અંતર માટે ડિસ્ક ફેંકી હતી. કમલપ્રીતે પ્રથમ પ્રયાસમાં 60.29 મીટર ડિસ્ક ફેંકી હતી. બીજા પ્રયાસમાં તેણે અંતરમાં થોડો સુધારો કર્યો અને ડિસ્કને 63.97 મીટર સુધી ફેંકી હતી. આ પછી, ત્રીજા પ્રયાસમાં, તેમણે 64 મીટરનું અંતર કાપ્યું હતુ, જે નિયમો અનુસાર ફાઇનલમાં સીધા પ્રવેશ માટે જરૂરી હોય છે.