આવકવેરા વિભાગે કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુના ઘરે દરોડા પાડ્યા હતા. તેમને ત્યાંથી એટલી બધી માત્રામાં ચલણી નોટો મળી આવી હતી કેસ રોકડ ગણતરી કરવા માટે મંગાવેલા મશીનો ખરાબ થઈ ગયા હતા. આવકવેરા વિભાગના અધિકારીઓએ વ્યાપક કરચોરીની શંકાના આધારે દરોડા પાડ્યા હતા. જ્યારે આવકવેરા વિભાગની ટીમે સાંસદને ત્યાં દરોડા પાડ્યા ત્યારે તેમની સાથે CISFના જવાનો પણ સામેલ હતા.
ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સભ્ય ધીરજ સાહુ છેલ્લા બે દિવસથી વ્યાપક ચર્ચામાં છે. તેઓ ચર્ચામાં એટલા માટે છે કે તેમના ત્યાં પડેલા આવકવેરાના દરોડામાં અધધધ કહી શકાય એટલી માત્રામાં રોકડ રકમ હાથ લાગી છે. આવકવેરા વિભાગે બુધવારે ત્રણ રાજ્યોમાં ધીરજ સાહુના અડધો ડઝન સ્થળો પર દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગે ઝારખંડ અને ઓડિશામાં બૌદ્ધ ડિસ્ટિલરી પ્રાઇવેટ લિમિટેડ પર દરોડા પાડ્યા અને કંપની સાથે સંકળાયેલા પરિસરમાંથી મોટી માત્રામાં ચલણી નોટો જપ્ત કરી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓડિશાના બોલાંગીર અને સંબલપુર અને ઝારખંડના રાંચી અને લોહરદગામાં સર્ચ અને સર્વે કરવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ધીરજ સાહુને ત્યાંથી મળેલા રોકડાની કિંમત કરોડોમાં થતી હતી. રોકડા રૂપિયાની ચલણી નોટોની ગણતરી કરવા માટે બહારથી મશીનો મંગાવવામાં આવ્યા હતા. રૂપિયાની ગણતરી કરતા કરતા મશીન પણ ખરાબ થઈ ગયા હતા. આવકવેરા વિભાગના અધિકારીઓએ બૌદ્ધ ડિસ્ટિલરી પ્રાઇવેટ લિમિટેડમાં કરચોરીની શંકાના આધારે ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા.
ગઈકાલ બુધવારના રોજ દરોડા પાડવામાં આવ્યો હતો અને વિભાગના અધિકારીઓએ રોકડની વાસ્તવિક રકમની ખાતરી કરવા માટે નોટ કાઉન્ટીંગ મશીનનો ઉપયોગ કર્યો હતો, સૂત્રોએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ દરોડા દરમિયાન મળી આવે રોકડ રકમ બિનહિસાબી જણાઈ છે. ધીરજ સાહુને ત્યાંથી પકડાયેલ કાળુ નાણુ બેંકમાં લાવવા માટે આવકવેરા વિભાગે કુલ 157 મોટી બેગ ખરીદી હતી, જે પણ ઓછી પડી હતી. શુટકેસ ઓછી પડતા, બોરીઓ લાવીને તેમાં રોકડા ભરવામાં આવ્યા હતા. અને શુટકેસ અને બોરીઓ ટ્રકમાં નાખીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં લઈ જવામાં આવી હતી.
ધીરજ સાહુની વાત કરીએ તો તેઓ કોંગ્રેસના નેતા છે. તેઓ ઝારખંડથી રાજ્યસભા માટે ચૂંટાયેલા સાંસદ છે. ધીરજ સાહુ એક બિઝનેસમેન છે. તેઓ ઉદ્યોગપતિ પરિવારમાંથી આવે છે. ધીરજ સાહુના ભાઈ શિવ પ્રસાદ સાહુ પણ સાંસદ રહી ચૂક્યા છે. ધીરજનો પરિવાર આઝાદી બાદથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો છે. ધીરજ સાહુએ 1977માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 1978માં જેલ ભરો આંદોલન દરમિયાન તેઓ જેલમાં પણ ગયા હતા. જૂન 2009માં તેઓ પ્રથમ વખત રાજ્યસભામાં ચૂંટાયા હતા.
Published On - 12:28 pm, Fri, 8 December 23