વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) યુનિફોર્મ સિવિલ કોડ (Uniform Civil Code)ની હિમાયત કર્યા બાદ દેશમાં આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. તેનો વિરોધ કરતાં કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષોએ કહ્યું છે કે તેને દેશ પર લાદી શકાય નહીં. આ મુદ્દે ભાજપના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધનમાં તિરાડ દેખાવા લાગી છે. ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યોમાં એનડીએના કેટલાક સહયોગીઓએ કહ્યુ કે તે આદિવાસીઓ માટે યોગ્ય નથી.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ પૂર્વોત્તરમાં એનડીએના સહયોગીઓનું કહેવું છે કે યુસીસીના કારણે લોકોની સ્વતંત્રતા અને તેમના અધિકારો પર અંકુશ લાગશે. પૂર્વોત્તરના રાજ્યોમાં 200 થી વધુ જાતિના લોકો રહે છે. આ જાતિઓની પોતાની સંસ્કૃતિ છે અને લોકો તે પ્રમાણે જીવન જીવે છે. ભારતની 12 ટકાથી વધુ આદિવાસી વસ્તી ઉત્તર પૂર્વના વિસ્તારમાં રહે છે.
રિપોર્ટ અનુસાર મેઘાલયના CM અને ભાજપના સહયોગી નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ના વડા કોનરાડ સંગમાએ યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ કરતા કહ્યું છે કે તે ભારતના વાસ્તવિક વિચારની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે ભારત વિવિધતાઓનો દેશ છે અને આ આપણી તાકાત છે. એક રાજકીય પક્ષ તરીકે અમને લાગે છે કે સમગ્ર પૂર્વોત્તરમાં અનન્ય સંસ્કૃતિઓ છે, અમે ઇચ્છીએ છીએ કે આ સંસ્કૃતિઓ સાચવવામાં આવે અને તેની સાથે છેડછાડ કરવામાં આવે નહીં.
નાગાલેન્ડમાં ભાજપના સહયોગી નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) એ શનિવારે જ UCC સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. પાર્ટીએ કહ્યું કે, UCC લાગુ કરવાથી લઘુમતી સમુદાય અને આદિવાસીઓની સ્વતંત્રતા અને અધિકારો પર નકારાત્મક અસર પડશે. પાર્ટીએ 29 જૂનના રોજ કાયદા પંચની જાહેર નોટિસનો પણ જવાબ આપ્યો, જે યુસીસી અંગે જાહેર કરવામાં આવી હતી.
આ માટે પાર્ટીએ એક નિવેદન બહાર પાડ્યું છે. પાર્ટી દ્વારા જાહેર કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે સ્વતંત્રતા આપણા બંધારણનો મૂળભૂત ભાગ છે અને તેની સાથે ક્યારેય છેડછાડ થવી જોઈએ નહીં. NDPP એક વૈચારિક પક્ષ છે, જે બધાના અધિકારો અને પરંપરામાં વિશ્વાસ રાખે છે. અમે UCCના અમલની વિરુદ્ધ છીએ.