દેશના પહેલા CDS જનરલ બિપીન રાવતના મૃત્યુની તપાસ માટે રચાયેલી સંસદીય સમિતિનો રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટમાં 8 ડિસેમ્બર, 2021ના રોજ થયેલા Mi-17 V5 હેલિકોપ્ટર દુર્ઘટના માટે ‘માનવીય ભૂલ’ને જવાબદાર ઠેરવવામાં આવી છે. આ સૈન્ય હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નુર પાસે ક્રેશ થયું હતું. CDS રાવત અને તેમની પત્ની સહિત હેલિકોપ્ટરમાં હાજર તમામ લોકો માર્યા ગયા હતા.
મંગળવારે સંસદમાં રજૂ કરાયેલા એક અહેવાલમાં, સંરક્ષણ પરની સ્થાયી સમિતિએ 13મી સંરક્ષણ યોજનાના સમયગાળા દરમિયાન ભારતીય વાયુસેનાના વિમાનોની સાથે સંકળાયેલા અકસ્માતોની સંખ્યા પર ડેટા શેર કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2017 થી 2022 સુધીમાં કુલ 34 અકસ્માતો થયા છે.
જેમાં 2021-22માં ભારતીય વાયુસેનાના નવ વિમાન અકસ્માતો અને 2018-19માં 11 વિમાન અકસ્માતોનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ તમામ ઘટનાઓ માનવીય ભૂલના કારણે બની છે.
જનરલ રાવતનું હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નુર પાસે એક પહાડી પર ક્રેશ થયું હતું. ત્રણ વર્ષ બાદ સંરક્ષણ અંગેની સ્થાયી સમિતિનો અહેવાલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે. આમાં, ઘટનાનું કારણ ‘માનવીય ભૂલ’ (એરક્રુ) એટલે કે માનવ ભૂલ જણાવવામાં આવ્યું છે.
ઘટનાની તપાસ કરી રહેલી ટીમે શરૂઆતમાં કહ્યું હતું કે ખીણમાં હવામાનની સ્થિતિમાં અણધાર્યા ફેરફારને કારણે વાદળો અંદર પ્રવેશ્યા બાદ આ અકસ્માત થયો હતો. જેના કારણે પાયલોટ યોગ્ય લોકેશન શોધી શક્યો ન હતો અને તેનો રસ્તો ખોવાઈ ગયો હતો.
અકસ્માતનું સંભવિત કારણ જાણવા માટે તપાસ ટીમે ફ્લાઈટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઈસ રેકોર્ડરની તપાસ કરી હતી. આ ઉપરાંત ટીમે ઉપલબ્ધ તમામ સાક્ષીઓની પણ પૂછપરછ કરી હતી. જે બાદ સંપૂર્ણ માહિતી રજૂ કરવામાં આવી છે.
દેશના પ્રથમ CDS વડા જનરલ બિપીન રાવત 8 ડિસેમ્બર 2021ના રોજ તેમની પત્ની મધુલિકા અને અન્ય 12 સશસ્ત્ર દળોના કર્મચારીઓ સાથે તમિલનાડુના કોઈમ્બતુરમાં સુલુર એરફોર્સ બેઝથી ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ, વેલિંગ્ટન જઈ રહ્યા હતા. તેઓ Mi-17 V5 હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહ્યા હતા, હેલિકોપ્ટર લેન્ડિંગ કરતા પહેલા પહાડીઓમાં તૂટી પડ્યું હતું. આ ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોના મોત થયા છે.
જનરલ બિપીન રાવત જે Mi-17V5 હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહ્યા હતા તે VVIP હેલિકોપ્ટર છે, તેમાં 2 એન્જિન છે. સેના આ હેલિકોપ્ટરનો ઉપયોગ દુર્ગમ વિસ્તારો માટે કરે છે. આ દુનિયાનું સૌથી એડવાન્સ ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર છે. આ હેલિકોપ્ટરનો ઉપયોગ સૈન્ય અને શસ્ત્રોના પરિવહન, ફાયર સપોર્ટ, પેટ્રોલિંગ અને શોધ-અને-બચાવ મિશન માટે થાય છે.