ચીનને સારુ લાગે કે ના લાગે, બોર્ડર પર સૈન્ય ઝડપથી પહોંચે તે માટે ભારત સરહદ પર રોડ-પુલ-ટનલ બાંધશે જ- વિદેશ પ્રધાન એસ જયશંકરની સ્પષ્ટ વાત
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને બોર્ડર પર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ખૂબ જ મજબૂત કર્યું છે. આ માટે 14300 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન અન્ય ખાનગી કંપનીઓ સાથે મળીને સરહદી વિસ્તારોના વિકાસમાં વ્યસ્ત છે.
ચીનના પડકારને પહોંચી વળવા ભારતે સરહદી માળખાકીય સુવિધાઓમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. મુશ્કેલ વિસ્તારોમાં રસ્તા, ટનલ, પુલ બનાવવામાં આવ્યા છે. જેથી સુરક્ષા દળો ઝડપથી ગતિવિધિ કરી શકે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ વાત કરી છે. TV9ના એક પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રીએ કહ્યું કે, ચીને તેની સરહદની અંદર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે. તેઓ તરત જ સેનાને તેમની સરહદ પર લાવી શકે છે. આપણી અગાઉની સરકારોએ સરહદ પર કામ કર્યું ન હતું. અગાઉની સરકારો વિચારતી હતી કે, બોર્ડર પર રોડ બનાવવાથી ચીનાઓ આપણી તરફ આવશે, તેથી બોર્ડર પર રોડ બનાવવા નહીં. તેમણે કહ્યું કે 2014 પહેલા એવું શક્ય નહોતું કે, આપણી સેના તરત જ સરહદ પર તૈનાત થાય.
વિદેશ મંત્રીએ મીડિયાને કહ્યું કે તેમની (ચીની) સેના વાહનો દ્વારા બોર્ડર પોઈન્ટ્સ સુધી પહોંચતી હતી અને આપણા સૈનિકોને સરહદે પહોચવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. તેથી જ અમે સરહદનો વિકાસ કર્યો છે. આજે જો આપણી સેના ત્યાં ઝડપથી તૈનાત થઈ શકે છે તો તે સરહદનો કરાયેલા વિકાસને કારણે છે. 2014 પહેલા આ શક્ય નહોતું. અમે આપણા સૈનિકોને સરહદ પર તૈનાત કરવામાં સક્ષમ છીએ. તેમને (ચીન) ગમે કે ન ગમે, પરંતુ આપણું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ચાલુ રહેશે. જયશંકરે કહ્યું કે સંરક્ષણ, ગૃહ, વિદેશ મંત્રાલયો અને અન્ય મંત્રાલયો સરહદી માળખાના વિકાસ માટે વધુ સારા સંકલન સાથે કામ કરી રહ્યા છે.
બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) પણ ખાનગી કંપનીઓ સાથે મળીને કામ કરે છે. જેથી તમામ પ્રકારની કુશળતાનો લાભ લઈ શકાય. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, સરહદી વિસ્તારમાં આપણી સેનાની હિલચાલને સરળ બનાવવામાં આવી છે. તેઓ ખૂબ જ ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. સરહદ પર રહેતા લોકોને પણ સુવિધા મળી છે. બીઆરઓએ ત્રણ વર્ષમાં 2445 કિલોમીટરના રસ્તાઓ બનાવ્યા છે. ચશુલથી દામચોક સુધીના વિસ્તારમાં રોડ બનાવવામાં આવ્યા છે. ઘણી ટનલ પણ બનાવવામાં આવી છે. અગાઉ એક વર્ષમાં એક ટનલ બનાવવામાં આવતી હતી. હવે એક વર્ષમાં પાંચ-સાત ટનલ બની રહ્યી છે. વધુ સાત ટનલ બનાવવાની યોજના છે.
બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે બજેટમાં 400 % વધારો
વિદેશ મંત્રીએ કહ્યું કે 19000 ફૂટની ઉંચાઈ પર સરકારે વિશ્વના સૌથી ઊંચા વિસ્તારમાં રોડ બનાવ્યો છે. લદ્દાખમાં 16 પાસ પાસેના ડેમચોક વિસ્તારમાં 70 રસ્તાઓ બનાવવામાં આવ્યા અને 1800 કિલોમીટરના રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ચીનને લઈને કોણ આટલું ગંભીર છે, કોણે શું નિવેદન આપ્યું, આ બધાની જરૂર નથી. હવે જમીન પર શું સ્થિતિ છે તે મહત્વનું છે. તેમણે કહ્યું કે મોદી સરકારે સરહદની સુરક્ષા માટે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરહદ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કર્યું છે. આ માટે 14300 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે 2014 થી તેનું બજેટ 400 ટકા વધ્યું છે.