સીબીઆઇએ ICICI બેંકના પૂર્વ સીઇઓ-એમ.ડી ચંદા કોચરની ધરપકડ કરી
વીડિયોકોન અને ICICI બેંક લોન ફ્રોડ કેસમાં સીબીઆઇએ ICICI બેંકના ભૂતપૂર્વ CEO ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરી છે. ચંદા કોચરે વર્ષ 2009માં વીડિયોકોન ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક્સને 300 કરોડ રૂપિયાની મંજૂરી આપી હતી તે સમિતિમાં હતા.
વીડિયોકોન અને ICICI બેંક લોન ફ્રોડ કેસમાં સીબીઆઇએ ICICI બેંકના ભૂતપૂર્વ CEO ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરી છે. ચંદા કોચરે વર્ષ 2009માં વીડિયોકોન ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક્સને 300 કરોડ રૂપિયાની મંજૂરી આપી હતી તે સમિતિમાં હતા. તેની બાદ વર્ષ 2011માં પણ કંપનીને 750 કરોડ રૂપિયા આપવાની મંજૂરી આપવામાં આવી હતી. આ કેસમાં ચંદા કોચર પર બેંકના નિયમન અને નીતિનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો.
સીબીઆઇ અધિકારીઓએ જણાવ્યું હતું કે ચંદા કોચર અને તેમના પતિ અને વિડિયોકોન ગ્રુપના વેણુગોપાલ ધૂત તેમજ ન્યુપાવર રિન્યુએબલ્સ, સુપ્રીમ એનર્જી, વિડિયોકોન ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને વિડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સામે ગુનાહિત કાવતરું બદલ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ IPCની કલમો હેઠળ FIRમાં આરોપી તરીકે કેસ નોંધ્યો છે.
3,250 કરોડની લોન પાસ કરવાનો મામલો
આ સમગ્ર મામલો વિડિયોકોન ગ્રૂપને 3,250 કરોડ રૂપિયાની લોન આપવામાં ચંદા કોચરની કથિત ભૂમિકાની ફરિયાદ મળ્યા બાદ બેંકે મે 2018માં ચંદા કોચર વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. ચંદા કોચરના પતિ દીપક કોચરને લોન આપીને ફાયદો થયો હતો. ત્યારબાદ કોચર રજા પર ઉતરી ગયા અને સમય પહેલા નિવૃત્તિ માટે અરજી કરી જે સ્વીકારવામાં આવી. બાદમાં તેને બરતરફ કરવામાં આવ્યા હતા. ચંદા કોચર પર વીડિયોકોન ગ્રુપની તરફેણ કરવાનો આરોપ છે.
2021માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)દ્વારા આ જ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી
ચંદા કોચર પર વર્ષ 2009 અને 2011 વચ્ચે વિડિયોકોન ગ્રૂપના પ્રમોટર વેણુગોપાલ ધૂતને લોન આપવા માટે ICICI બેંકમાં તેમના પદનો દુરુપયોગ કરવાનો આરોપ હતો. જેમા વેણુગોપાલ ધૂતે ICICI બેંક પાસેથી લોન મેળવ્યા બાદ નુપાવર રિન્યુએબલ્સમાં કરોડોનું રોકાણ કર્યું હતું. સીબીઆઈએ 2019 માં એફઆઈઆર નોંધ્યા પછી એક નિવેદનમાં કહ્યું હતું કે આરોપીઓએ ICICI બેંકને છેતરવાના ગુનાહિત કાવતરામાં ખાનગી કંપનીઓને કેટલીક લોન મંજૂર કરી હતી. ચંદા કોચરની અગાઉ 2021માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)દ્વારા આ જ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
કોર્ટે નિવૃત્તિ પછીના લાભો માટેની તેમની વચગાળાની અરજી પણ ફગાવી દીધી
હાલમાં જ બોમ્બે હાઈકોર્ટે ચંદા કોચરને સીઈઓના પદ પરથી બરતરફીને માન્ય ગણાવી છે. આ સાથે કોર્ટે નિવૃત્તિ પછીના લાભો માટેની તેમની વચગાળાની અરજી પણ ફગાવી દીધી હતી.