મહિલા પોલીસની ભારતમાં કેટલી ભાગીદારી? રિપોર્ટમાં થયો ખુલાસો
મંગળવારે જાહેર કરાયેલા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો. મહિલાઓ જુનિયર હોદ્દા પર અને પુરુષ અધિકારીઓ ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે. બીજું કે, ન્યાય વ્યવસ્થાની સ્થિતિ પણ સૌથી ખરાબ છે.

ભારતમાં પોલીસ અને ન્યાયતંત્રમાં મહિલાઓની ભાગીદારી ખૂબ જ ઓછી છે. પોલીસ દળમાં 90% મહિલાઓ જુનિયર હોદ્દા પર છે, જ્યારે ઉચ્ચ હોદ્દા પર પુરુષ અધિકારીઓ કાર્યરત છે. આમ જોવા જઈએ તો, ન્યાયતંત્રમાં મહિલા ન્યાયાધીશોની સંખ્યા પણ ઓછી છે. રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે, 52% સબ-ઇન્સ્પેક્ટર, 25% ASI અને 13% કોન્સ્ટેબલ મહિલાઓ છે.
રિપોર્ટ અનુસાર, ભારતીય પોલીસ દળમાં ડિરેક્ટર જનરલ અને પોલીસ અધિક્ષક જેવા ઉચ્ચ હોદ્દાઓ પર 1,000થી ઓછી મહિલાઓ છે, જ્યારે પોલીસ દળમાં કામ કરતી બધી મહિલાઓમાંથી 90 ટકા કોન્સ્ટેબલના પદ પર જ કાર્યરત છે. મંગળવારે જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે, પોલીસમાં અધિકારી સ્તરે મહિલાઓનું પ્રતિનિધિત્વ ઓછું છે. પોલીસમાં 2.4 લાખ મહિલાઓમાંથી ફક્ત 960 ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારીઓ રેન્કમાં છે, જ્યારે 24,322 ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ, ઇન્સ્પેક્ટર અથવા સબ-ઇન્સ્પેક્ટર જેવા રેન્કમાં નોન-આઇપીએસ અધિકારીઓ છે. ભારતીય પોલીસ સેવા (IPS)ની અધિકૃત સંખ્યામાં 5,047 અધિકારીઓ છે.
એક જજ અને એમની પાસે 15 હજાર કેસ
રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, નીચલા ન્યાયતંત્રમાં 38 ટકા મહિલાઓ ન્યાયાધીશો હતી, જ્યારે ઉચ્ચ અદાલતોમાં આ સંખ્યા ઘટીને 14 ટકા થઈ ગઈ. આ સાથે, ન્યાયતંત્ર પણ ન્યાયાધીશોની અછતનો સામનો કરી રહ્યું છે. ભારતમાં દર દસ લાખ લોકો માટે ફક્ત 15 ન્યાયાધીશો છે, જે 1987માં કાયદા પંચની 50ની ભલામણ કરતાં ઘણી ઓછી છે. અલ્હાબાદ હાઈકોર્ટમાં દરેક ન્યાયાધીશ સામે 15,000 કેસ પેન્ડિંગ છે. આ ન્યાય વ્યવસ્થાની સૌથી ખરાબ સ્થિતિ છે તેવું કહી શકાય. લગભગ બધી જ હાઈકોર્ટમાં 33 ટકા જગ્યાઓ ખાલી છે અને જિલ્લા કોર્ટમાં 21 ટકા સ્ટાફની અછત છે. અલ્હાબાદ અને મધ્યપ્રદેશ જેવી હાઈકોર્ટમાં દરેક ન્યાયાધીશ સામે 15,000 જેટલા કેસ પેન્ડિંગ છે. જિલ્લા કોર્ટના ન્યાયાધીશો અંદાજિત 2,200 કેસ સંભાળે છે.
મધ્યપ્રદેશની સ્થિતિમાં ઘણો સુધારો
મધ્યપ્રદેશમાં સૌથી વધુ 133 મહિલા નાયબ પોલીસ અધિક્ષક (DySP) છે. લગભગ 78 ટકા પોલીસ સ્ટેશનોમાં હવે મહિલા હેલ્પ ડેસ્ક પણ હાજર છે. 86 ટકા જેલોમાં વીડિયો કોન્ફરન્સિંગ સુવિધાઓ છે અને 2019થી 2023 દરમિયાન કાનૂની સહાય પર વ્યક્તિગત ખર્ચ બમણો થઈને લગભગ રૂ. 6.46 થવાનો છે. આ જ સમયગાળા દરમિયાન, જિલ્લા ન્યાયતંત્રમાં મહિલાઓની ભાગીદારી વધીને 38 ટકા જેટલી થઈ છે.
દેશભરના મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.