સંજય રાઉતના બિઝનેસ પાર્ટનર સુજીત પાટકરની વિરૂદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ, મુંબઈ પોલીસે કરી કાર્યવાહી
આ નવો કેસ નોંધાયા બાદ સંજય રાઉતની મુશ્કેલીઓ વધી શકે છે. કિરીટ સોમૈયાએ સુજીત પાટકર પર કોરોનાના સમયગાળા દરમિયાન લાઈફ લાઈન હોસ્પિટલ ખોલીને 38 કરોડનું કૌભાંડ કરવાનો આરોપ લગાવ્યો છે.
શિવસેનાના (Shivsena) નેતા સંજય રાઉતની (Sanjay Raut) ધરપકડ બાદ હવે તેમના નજીકના સાથી સુજીત પાટકર વિરુદ્ધ મુંબઈના આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. સુજીત પાટકર સહિત અન્ય કેટલાક લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. ભાજપ નેતા કિરીટ સોમૈયાની ફરિયાદ પર સુજીત પાટકર વિરુદ્ધ આ કેસ નોંધવામાં આવ્યો છે. કિરીટ સોમૈયાએ પોતાની ફરિયાદમાં સુજીત પાટકર અને અન્યો ઉપરાંત સંજય રાઉત પર પણ આરોપ લગાવ્યા છે. સુજીત પાટકર સંજય રાઉતના બિઝનેસ પાર્ટનર રહી ચૂક્યા છે.
આ નવો કેસ નોંધાયા બાદ સંજય રાઉતની મુશ્કેલીઓ વધી શકે છે. કિરીટ સોમૈયાએ સુજીત પાટકર પર કોરોનાના સમયગાળા દરમિયાન લાઈફ લાઈન હોસ્પિટલ ખોલીને 38 કરોડનું કૌભાંડ કરવાનો આરોપ લગાવ્યો છે.
કોવિડના દર્દીઓની સારવાર કરવાની માત્ર વાતો
ભૂતપૂર્વ સાંસદ અને મહારાષ્ટ્ર ભાજપના ઉપાધ્યક્ષ કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યો કે સુજીત પાટકરના લાઈફલાઈન મેનેજમેન્ટને મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કોરોનાના સમયગાળા દરમિયાન કોરોનાની સારવાર માટે તરત જ કોવિડ ટ્રીટમેન્ટ સેન્ટર ખોલવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ કોન્ટ્રાક્ટ સંજય રાઉતની ભલામણ પર આપવામાં આવ્યો હતો. સોમૈયાનો આરોપ છે કે કોવિડ દર્દીઓની સારવારના નામે 38 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હતું. આ મામલામાં સોમૈયાએ મુંબઈના આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં સુજીત પાટકર અને અન્યો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આઝાદ મેદાન પોલીસ સ્ટેશનની પોલીસે તપાસ હાથ ધરી છે.
અસલમ શેખના ફિલ્મ સ્ટુડિયોનું કૌભાંડ, સોમૈયાએ બહાર કાઢ્યા
આ ઉપરાંત ભાજપના નેતા કિરીટ સોમૈયાએ મહાવિકાસ આઘાડી સરકારમાં મંત્રી અને કોંગ્રેસ નેતા અસલમ શેખ દ્વારા મુંબઈના મલાડમાં હાજર ફિલ્મ સ્ટુડિયોનું કૌભાંડ પણ બહાર કાઢ્યું છે. કિરીટ સોમૈયાએ આ અંગે સીએમ અને ડેપ્યુટી સીએમને જાણકારી આપી છે. જણાવી દઈએ કે અસલમ શેખ અને ભાજપ નેતા મોહિત કંબોજ દેવેન્દ્ર ફડણવીસને તેમના સાગર બંગલે મળ્યા હતા. ત્યારે એવું કહેવામાં આવ્યું કે અસલમ શેખ આ કૌભાંડ અંગે ફડણવીસને તેમના વતી સ્પષ્ટતા આપવા ગયા છે.
મામલો એ છે કે ફેબ્રુઆરી 2021માં સ્ટુડિયોના નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ આ મંજુરી કામચલાઉ ધોરણે શૂટિંગ માટે આપવામાં આવી હતી પણ અસલમ શેખે ત્યાં કાયમી ધોરણે સ્ટુડિયો ઊભો કર્યો. તે સમુદ્રના કિનારે જ બાંધવામાં આવ્યો છે, જે પર્યાવરણીય કાયદાઓ અને CRZ નિયમોનું ઉલ્લંઘન છે. આ સ્ટુડિયો અંગે પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેને ફરિયાદ મળી હતી. તેમણે સ્ટુડિયોની મુલાકાત પણ લીધી હતી. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. કિરીટ સોમૈયાએ માંગ કરી છે કે આ મામલે પણ તપાસ થવી જોઈએ.