જ્યારે ઈન્દિરા ગાંધીના કારણે જસ્ટિસ સંજીવ ખન્નાના કાકા નહોતા બની શક્યા CJI, જાણો શું હતી સમગ્ર ઘટના
એક સમયે સંજીવ ખન્નાના કાકા જસ્ટિસ એચઆર ખન્ના પોતે મુખ્ય ન્યાયાધીશ બનવાના હતા, પરંતુ તત્કાલીન ઈન્દિરા ગાંધી સરકારે તેમની જગ્યાએ જસ્ટિસ એમ.એચ બેગને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બનાવ્યા હતા. ત્યારે આ લેખમાં જાણીશું કે, એવી તો શું ઘટના બની કે, સૌથી વરિષ્ઠ ન્યાયાધીશના બદલે અન્ય કોઈને મુખ્ય ન્યાયાધીશ (CJI) બનાવવામાં આવ્યા હતા.
જસ્ટિસ સંજીવ ખન્નાએ 11 નવેમ્બરે ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. જસ્ટિસ સંજીવ ખન્ના, જેઓ દિલ્હીના એક પ્રતિષ્ઠિત પરિવાર સાથે સંબંધ ધરાવે છે, તેઓ ત્રીજી પેઢીના વકીલ છે. તેમના પિતા જસ્ટિસ દેવ રાજ ખન્ના દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ જજ છે. એટલું જ નહીં જસ્ટિસ સંજીવ ખન્નાના કાકા જસ્ટિસ એચઆર ખન્ના સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ હતા.
તમને જણાવી દઈએ કે એક સમયે સંજીવ ખન્નાના કાકા જસ્ટિસ એચઆર ખન્ના પોતે મુખ્ય ન્યાયાધીશ બનવાના હતા, પરંતુ તત્કાલીન ઈન્દિરા ગાંધી સરકારે તેમની જગ્યાએ જસ્ટિસ એમએચ બેગને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બનાવ્યા હતા. ત્યારે આ લેખમાં જાણીશું કે, એવી તો શું ઘટના બની કે, સૌથી વરિષ્ઠ ન્યાયાધીશના બદલે અન્ય કોઈને મુખ્ય ન્યાયાધીશ (CJI) બનાવવામાં આવ્યા હતા.
વર્ષ 1973માં તૂટી સૌથી વરિષ્ઠ જજને CJI બનાવવાની પરંપરા
આ વાત વર્ષ 1973ની છે. જ્યારે CJI સર્વ મિત્ર સિકરી નિવૃત્ત થયા બાદ જસ્ટિસ અજીત નાથ રેને CJI બનાવવામાં આવ્યા હતા, જેને લઈને ઘણો વિવાદ સર્જાયો હતો, કારણ કે તેઓ વરિષ્ઠતા યાદીમાં ચોથા સ્થાને હતા. જસ્ટિસ અજીત નાથ રે પહેલા જેએમ શેલત, જસ્ટિસ કેએલ હેગડે અને જસ્ટિસ એએન ગ્રોવર સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ જજ હતા. આ ત્રણમાંથી કોઈને પણ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા નહોતા. તેનું કારણ એ હતું કે આ ન્યાયાધીશોએ કેશવાનંદ ભારતી વિરુદ્ધ સરકાર કેસમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે સંસદ તેના મૂળભૂત માળખાને બદલવા માટે બંધારણમાં સુધારો કરી શકે નહીં.
એવું કહેવાય છે કે જ્યારે જસ્ટિસ એએન રેને CJI નિયુક્ત કરવાના હતા, ત્યારે તેમને તેના પર નિર્ણય લેવા માટે માત્ર બે કલાકનો સમય આપવામાં આવ્યો હતો. તેમણે સરકાર તરફથી CJI તરીકેની નિમણૂક સ્વીકારી હતી. તેમણે કહ્યું હતું કે જો તેમણે આ પદ સ્વીકાર્યું ન હોત તો કોઈ અન્ય વ્યક્તિ આ પદ પર કબજો કરી લેત. જસ્ટિસ DY ચંદ્રચુડના પુત્ર અભિનવ ચંદ્રચુડે પણ તેમના પુસ્તક સુપ્રીમ વ્હિસ્પર્સમાં આનો ઉલ્લેખ કર્યો છે. જસ્ટિસ એએન રે ત્રણ વર્ષ અને 276 દિવસ સુધી પદ પર રહ્યા.
ભારતના મુખ્ય ન્યાયાધીશોની યાદી (1950-2024)
ક્રમ | મુખ્ય ન્યાયાધીશનું નામ | કાર્યકાળ |
1 | એચ.જે. કાનિયા | 1950-1951 |
2 | એમ.પી શાસ્ત્રી | 1951-1954 |
3 | મેહરચંદ મહાજન | 1954 |
4 | બી.કે. મુખર્જી | 1954-1956 |
5 | એસ.આર. દાસ | 1956-1959 |
6 | બી.પી. સિંહા | 1959-1964 |
7 | પી.બી. ગજેન્દ્રગડકર | 1964-1966 |
8 | એ.કે. સરકાર | 1966 |
9 | કે.એસ. રાવ | 1966-1967 |
10 | કે.એન. વાંચુ | 1967-1968 |
11 | એમ. હિદાયતુલ્લાહ | 1968-1970 |
12 | જે.સી. શાહ | 1970-1971 |
13 | એસ.એમ. સિકરી | 1971-1973 |
14 | એ.એન. રે | 1973-1977 |
15 | મિર્ઝા હમીદુલ્લા બેગ | 1977-1978 |
16 | વાય.વી.ચંદ્રચુડ | 1978-1985 |
17 | પી.એન. ભગવતી | 1985-1986 |
18 | આર.એસ. પાઠક | 1986-1989 |
19 | ઇ.એસ. વેંકટરામૈયા | 1989 |
20 | એસ. મુખર્જી | 1989-1990 |
21 | રંગનાથ મિશ્રા | 1990-1991 |
22 | કે.એન. સિંહ | 1991 |
23 | એમ.એચ. કાનિયા | 1991-1992 |
24 | એલ.એમ. શર્મા | 1992-1993 |
25 | એમ.એન. વેંકટચલૈયા | 1993-1994 |
26 | એ.એમ. અહમદી | 1994-1997 |
27 | જે.એસ. વર્મા | 1997-1998 |
28 | એમ.એમ. પુંછી | 1998 |
29 | એ.એસ. આનંદ | 1998-2001 |
30 | એસ.પી. ભરૂચા | 2001-2002 |
31 | બી.એન. ક્રિપાલ | 2002 |
32 | જી.બી. પટનાયક | 2002 |
33 | વી.એન. ખરે | 2002-2004 |
34 | રાજેન્દ્ર બાબુ | 2004 |
35 | આર.સી લાહોટી | 2004-2005 |
36 | વાય.કે. સભરવાલ | 2005-2007 |
37 | કે.હા. બાલકૃષ્ણન | 2007-2010 |
38 | એસ.એચ. કાપડિયા | 2010-2012 |
39 | અલ્તમસ કબીર | 2012-2013 |
40 | પી. સતશિવમ | 2013-2014 |
41 | રાજેન્દ્ર મલ લોઢા | 2014 |
42 | એચ.એલ. દત્તુ | 2014-2015 |
43 | ટી.એસ. ઠાકુર | 2015-2017 |
44 | જગદીશ સિંહ ખેહર | 2017 |
45 | દીપક મિશ્રા | 2017-2018 |
46 | રંજન ગોગોઈ | 2018-2019 |
47 | શરદ અરવિંદ બોબડે | 2019-2021 |
48 | એન.વી. રમન | 2021-2022 |
49 | ઉદય.યુ. લલિત | 2022 |
50 | ધનંજય યશવંત ચંદ્રચુડ | 2022-2024 |
51 | સંજીવ ખન્ના | 2024… |
જ્યારે જસ્ટિસ એચઆર ખન્ના CJI બનતા બનતા રહી ગયા…
જસ્ટિસ એએન રેની નિવૃત્તિ પછી જસ્ટિસ એચઆર ખન્ના સૌથી વરિષ્ઠ હતા. આ જસ્ટિસ ખન્ના હાલમાં ચીફ જસ્ટિસના શપથ લેનારા જસ્ટિસ સંજીવ ખન્નાના કાકા હતા. વર્ષ 1977માં જ્યારે જસ્ટિસ એચઆર ખન્નાનો સીજેઆઈ બનવાનો વારો આવ્યો ત્યારે ફરી એકવાર સરકારે પરંપરાનું પાલન ન કર્યું, કારણ કે જસ્ટિસ ખન્નાએ પણ એવો નિર્ણય આપ્યો હતો જેનાથી ઈન્દિરા ગાંધીની આગેવાનીવાળી સરકાર અસ્વસ્થ થઈ ગઈ હતી.
મધ્યપ્રદેશના જબલપુરના એક એડીએમના કેસમાં ન્યાયાધીશ ખન્નાએ કહ્યું હતું કે તેઓ સરકારના એ મત સાથે બિલકુલ સહમત નથી કે કોઈ પણ વ્યક્તિની કસ્ટડી પર માત્ર કટોકટી લાગુ હોવાને કારણે પ્રશ્ન ન ઉઠાવી શકાય. આ નિર્ણય બાદ જસ્ટિસ એચઆર ખન્નાની જગ્યાએ જસ્ટિસ એમએચ બેગને સીજેઆઈ બનાવવામાં આવ્યા હતા. હવે એ જ જસ્ટિસ એચઆર ખન્નાના ભત્રીજા જસ્ટિસ સંજીવ ખન્ના CJI તરીકે શપથ લઈ રહ્યા છે.
વર્ષ 1964માં આ પરંપરા પ્રથમવાર તોડવામાં આવી હતી
જો કે, 1973 અને 1977 પહેલા પણ વરિષ્ઠતાને અવગણીને એક વખત ચીફ જસ્ટિસની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ તે કેસમાં સરકાર વિરુદ્ધ નિર્ણય લેવાનું કારણ ન હતું. સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં વર્ષ 1964માં દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના કાર્યકાળ દરમિયાન જસ્ટિસ ઈમામની વરિષ્ઠતા હોવા છતાં જસ્ટિસ ગજેન્દ્ર ગડકરને સીજેઆઈ બનાવવામાં આવ્યા હતા, જો કે તે સમયે જસ્ટિસ ઈમામ ગંભીર રીતે બીમાર હતા, જેના કારણે તેમની માનસિક ક્ષમતા પર પણ અસર પડી હતી. તેથી તેમની જગ્યાએ અન્ય કોઈને CJI બનાવવામાં આવ્યા હતા.
સંજીવ ખન્ના 14 વર્ષ સુધી દિલ્હી હાઈકોર્ટના જજ રહ્યા
14 મે, 1960ના રોજ જન્મેલા જસ્ટિસ સંજીવ ખન્નાએ દિલ્હી યુનિવર્સિટીના લો સેન્ટરમાંથી કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યાર બાદ 1983માં તેમણે દિલ્હી બાર કાઉન્સિલમાં વકીલ તરીકે નોંધણી કરાવી. તેમણે તીસ હજારી કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ કરી. ત્યાર બાદ તેઓ વર્ષ 2005માં દિલ્હી હાઈકોર્ટમાં જજ તરીકે નિયુક્ત થયા. 14 વર્ષ સુધી હાઈકોર્ટમાં જજ તરીકે સેવા આપ્યા બાદ તેમને વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે બઢતી આપવામાં આવી હતી.
જો કે, જસ્ટિસ ખન્નાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી વખતે વિવાદ થયો હતો. કોલેજિયમે જસ્ટિસ ખન્નાને બઢતી આપવાનો નિર્ણય લીધો હતો, ત્યારે તેઓ વરિષ્ઠતાના ક્રમમાં 33મા ક્રમે હતા. આ સમયગાળા દરમિયાન કોલેજિયમ પર 32 જજોની અવગણના કરવાનો આરોપ લાગ્યો હતો.
જસ્ટિસ સંજીવ ખન્નાએ સુપ્રીમ કોર્ટમાં તેમની કારકિર્દી એ જ કોર્ટરૂમથી શરૂ કરી હતી જ્યાંથી તેમના કાકા જસ્ટિસ એચઆર ખન્ના નિવૃત્ત થયા હતા. જસ્ટિસ સંજીવ ખન્નાના પિતા જસ્ટિસ દેવરાજ ખન્ના પણ દિલ્હી હાઈકોર્ટના જજ હતા.
CJIની નિમણૂક કેવી રીતે થાય છે ?
સૌથી રસપ્રદ વાત એ છે કે CJIની નિમણૂક માટે કોઈ નિશ્ચિત પ્રક્રિયા નથી. બંધારણના અનુચ્છેદ 124(1)માં કહેવામાં આવ્યું છે કે ભારતની એક સર્વોચ્ચ અદાલત હશે, જેનું નેતૃત્વ મુખ્ય ન્યાયાધીશ કરશે. તેમની નિમણૂક કેવી રીતે થશે તે અંગે કોઈ ચોક્કસ પ્રક્રિયા આપવામાં આવી નથી. બંધારણના અનુચ્છેદ 126માં સુપ્રીમ કોર્ટના કાર્યકારી CJIની નિમણૂક સંબંધિત કેટલીક જરૂરી માર્ગદર્શિકા છે. કોઈ નિશ્ચિત પ્રક્રિયા ન હોવાથી CJIની નિમણૂક પરંપરાગત રીતે કરવામાં આવે છે.
પરંપરા અનુસાર CJIની નિવૃત્તિ પછી તેમના સ્થાને સૌથી વરિષ્ઠ ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિવૃત્તિની વય 65 વર્ષ છે, પરંતુ વરિષ્ઠતા વયના બદલે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે કેટલા વર્ષો સેવા આપી છે તેના આધારે નક્કી કરવામાં આવે છે. જો એવી સ્થિતિ ઊભી થાય કે બે જજને સમાન અનુભવ હોય તો હાઈકોર્ટમાં જજ તરીકેનો તેમનો અનુભવ ગણવામાં આવે છે. જેમની પાસે વધુ અનુભવ હોય તેમને વરિષ્ઠ ગણવામાં આવે છે.