ભારતમાં દારૂ ખરીદવા અને પીવાની સાચી ઉંમર કઈ, 18 કે 21 ? સુપ્રીમ કોર્ટ પહોંચ્યો મામલો
સુપ્રીમ કોર્ટમાં દારૂ પીવાની સાચી ઉંમરને લઈને એક અરજી દાખલ કરવામાં આવી છે. જેના પર કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, દેશના અલગ-અલગ રાજ્યોમાં દારૂ ખરીદવા અને પીવાની સાચી ઉંમર કેટલી છે અને સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં શું માંગણી કરવામાં આવી છે.
સુપ્રિમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં માંગ કરવામાં આવી છે કે દારૂની દુકાનોની બહાર લખેલું હોય છે કે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને દારૂ આપવામાં આવશે નહીં, પરંતુ વેચાણ સમયે કોઈની ઉંમર તપાસવામાં આવતી નથી. અરજીમાં માંગ કરવામાં આવી છે કે દારૂની દુકાનો પર ઉંમરની ચકાસણી માટે અસરકારક પ્રોટોકોલ લાગુ કરવામાં આવે. આ માટે અસરકારક તંત્ર હોવું જોઈએ.
જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેંચ સમક્ષ આવેલી અરજી પર કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. આવો જાણીએ દેશના અલગ-અલગ રાજ્યોમાં દારૂ ખરીદવા અને પીવાની સાચી ઉંમર કેટલી છે અને સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં શું માંગણી કરવામાં આવી છે.
વિવિધ રાજ્યોમાં દારૂ ખરીદવા અને પીવાની ઉંમર અલગ અલગ હોય છે
જ્યાં સુધી દારૂ ખરીદવાની કાયદેસરની ઉંમરનો સંબંધ છે, તે દરેક રાજ્યમાં બદલાય છે. ગોવા, પુડુચેરી, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મેઘાલય અને સિક્કિમ જેવા રાજ્યોમાં 18 વર્ષથી વધુ વયના લોકો દારૂ ખરીદી અને પી શકે છે. તો મહારાષ્ટ્રમાં દારૂ ખરીદવા અને પીવાની કાયદેસર ઉંમર 25 વર્ષ છે, પરંતુ ત્યાં 21 વર્ષથી વધુ ઉંમરના લોકો બીયર ખરીદી અને પી શકે છે.
મહારાષ્ટ્રની જેમ દિલ્હી, ચંદીગઢ, પંજાબમાં દારૂ ખરીદવા અને પીવા માટેની લઘુત્તમ વય 25 વર્ષ છે, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, લદ્દાખમાં દારૂ ખરીદવા અને પીવા માટેની લઘુત્તમ વય 21 વર્ષ છે. કેરળમાં આ માટે ઓછામાં ઓછી 23 વર્ષની ઉંમર હોવી જરૂરી છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ અરજીમાં શું છે ઉલ્લેખ ?
સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે દેશના અલગ-અલગ રાજ્યોની એક્સાઇઝ પોલિસીમાં દારૂ ખરીદવા અને પીવા માટેની ઉંમર સંબંધિત કાયદો છે. આ અંતર્ગત ચોક્કસ ઉંમરથી ઓછી ઉંમરના લોકો માટે દારૂ પીવો ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યો છે. જો કે, દારૂના વેચાણ માટે દારૂના ઠેકાણાઓ પર ખરીદદારોની ઉંમર ચકાસવા માટે કોઈ કડકતા નથી. પિટિશનમાં દારૂની ડોર ટુ ડોર ડિલિવરીનો પણ વિરોધ કરવામાં આવ્યો છે. આ માટે દલીલ એવી છે કે હોમ ડિલિવરી સગીર વયના લોકોમાં દારૂનું વ્યસન વધશે.
આ અરજી બંધારણની કલમ 32 હેઠળ ડ્રંકન ડ્રાઇવિંગ વિરુદ્ધ સમુદાય વતી દાખલ કરવામાં આવી છે. જેમાં સગીર વયના દારૂ પીવા અને દારૂના કારણે થતા અકસ્માતો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અરજીકર્તાએ આ હેતુ માટે અરજી દાખલ કરી છે, જેથી તમામ રાજ્યોમાં દારૂ અંગે એક સમાન નીતિ બનાવી શકાય. આનાથી નશામાં વાહન ચલાવવાથી થતા અકસ્માતો ઘટશે. પિટિશનમાં વિવિધ રાજ્યોમાં દારૂ ખરીદવા અને પીવા માટે અલગ-અલગ ઉંમર વચ્ચેના અંતર પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે.