આર્થિક સંકટનો (Economic Crisis) સામનો કરી રહેલા શ્રીલંકામાં (Sri Lanka) ઈમરજન્સી લાદવામાં આવી છે. દેવાની માયાજાળને કારણે દેશ અત્યારે નાદારીની આરે પહોંચી ગયો છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે (Gotabaya Rajapaksa) સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. લોકો રસ્તા પર ઉતરીને હિંસક વિરોધ કરી રહ્યા છે. પરિસ્થિતિ એ હદે વણસી છે કે, ખાદ્યપદાર્થોના ભાવ પણ આસમાને પહોંચી રહ્યા છે. લગભગ એક દાયકાથી શ્રીલંકા વિદેશી દેવાના ભારે દબાણ હેઠળ હતું. શ્રીલંકા પરનું વિદેશી દેવું વર્ષ 2019માં તેના જીડીપીના 41.3 ટકા પર પહોંચી ગયું છે. વિદેશી હૂંડિયામણની અછતથી પીડિત શ્રીલંકાને કોરોનાના કપરા સમયગાળાએ વધુ તોડી નાખ્યું છે.
શ્રીલંકાના વિદેશી હૂંડિયામણનો મુખ્ય સ્ત્રોત પ્રવાસન ઉદ્યોગ કોવિડ-19 રોગચાળાને કારણે અટકી ગયો હતો. વિદેશી હૂંડિયામણ બચાવવા માટે વર્ષ 2020માં શ્રીલંકામાં આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આયાતમાં ઘટાડો થવાને કારણે કિંમતો સતત વધી રહી છે, અને ફુગાવાનો દર 17.5 ટકાથી વધુ થઈ ગયો છે. હાલમાં એક ડોલરની કિંમત 292 શ્રીલંકન રૂપિયાની બરાબર જોવા મળી રહી છે.
શ્રીલંકામાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં ભયંકર વધારો થઈ રહ્યો છે. સામાન્ય લોકો પર તેની ખૂબ ખરાબ અસર જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીનના દેવામાં ડૂબી જવાથી શ્રીલંકાની આવી પરિસ્થિતિ બની છે. શ્રીલંકાએ તેના કુલ દેવાના 36 ટકા ચીન પાસેથી લીધા છે. જેના કારણે આજે શ્રીલંકા નાદારીના આરે પહોંચી ગયું છે.
શ્રીલંકાનું કુલ બાહ્ય દેવું 7 ટ્રિલિયન રૂપિયા છે. જેમાં ભારતે શ્રીલંકાને 19 હજાર કરોડ રૂપિયાની લોન આપી છે. આ સિવાય શ્રીલંકાની સરકારે ભારત પાસેથી વધુ 11 હજાર કરોડ રૂપિયાની લોન માંગી છે. શ્રીલંકા કાચા તેલની બાબતમાં અન્ય દેશો પર સંપૂર્ણપણે નિર્ભર છે. શ્રીલંકા પોતાનું 80 ટકા ખનીજ તેલ અન્ય દેશો પાસેથી ખરીદ કરે છે.
શ્રીલંકા પાસે વિદેશી દેવું ચૂકવવા માટે પૈસા નથી. દેશની તિજોરી સાવ ખાલી છે. ઘણી ટ્રેનો રોકી દેવામાં આવી છે. તમામ પાવર હાઉસ બંધ છે. જ્યારે હોસ્પિટલોમાં દવાઓની અછત છે. પેટ્રોલપંપ પર ઈંધણ પૂરવવા માટે લાંબી કતારો છે. શ્રીલંકામાં 74 વર્ષમાં સૌથી ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે. 2.20 કરોડ ઘરોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે. ત્રણ મહિનામાં પેટ્રોલ 92 ટકા અને ડીઝલ 72 ટકા મોંઘું થયું છે.
શ્રીલંકામાં એક લિટર પેટ્રોલની કિંમત 303 રૂપિયા થઈ ગઈ છે. દવાઓ 30 ટકા મોંઘી થઈ ગઈ છે. ડીઝલ સંપૂર્ણપણે ખલાસ થઈ ગયું છે. દેશમાં અત્યારે કાગળની અછત છે. બધી પરીક્ષાઓ અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે. શ્રીલંકાનું દેવું $51 બિલિયન સુધી પહોંચી ગયું છે. દેશમાં પાંચ લાખ લોકો ગરીબીમાં ફસાયેલા છે.
આ પણ વાંચો – Pakistan: માત્ર એક દિવસ બાકી, આવતીકાલે ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર થશે મતદાન