સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોની માઠી દશા, એક જ સિઝનમાં ત્રણ વાર વાવેતર કર્યા બાદ પણ ધોવાઈ ગયો પાક- Video

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોની માઠી દશા, એક જ સિઝનમાં ત્રણ વાર વાવેતર કર્યા બાદ પણ ધોવાઈ ગયો પાક- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2024 | 8:49 PM

જગતના તાત માથે તો જાણે ઘાત બેઠી હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. મેઘરાજા રિસાયા છે, તો કુદરત નારાજ છે, અને આ બંનેનો શિકાર ખેડૂતો બની રહ્યાં છે . એક સિઝનમાં ત્રણ ત્રણ વાર વાવેતર કર્યા બાદ પણ ખેડૂતોને નસીબ તો માત્ર નિસાસો જ છે.

ધોધમાર વરસાદે ખેડૂતોની હાલત ન ઘરના ન ઘાટના જેવી કરી નાખી છે. લાખો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ ખેડૂતોને તો લમણે હાથ મૂકીને રોવાનો વારો જ આવ્યો છે. દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક એટલે ડાંગર, પરંતુ ભારે વરસાદને પગલે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ડાંગરથી હાથ ધોવાનો વારો આવ્યો છે. સૌરાષ્ટ્રના મગફળી પકવતા ખેડૂતોની હાલત પણ કંઇક આવી જ છે. તૈયાર મગફળીનો પાક પાણીમાં તણાયો. વરસાદી પાણીમાં પાક નહીં, પરંતુ ખેડૂતોની મહેનત તાણાઇ છે. આવી સ્થિતિમાં પોકાર ઉઠી છે કે સરકાર સરવે કરાવે અને સહાય ચૂકવે. પરંતુ અહીં સવાલ એ સર્જાય કે એક સિઝનમાં કેટલીવાર સરવે કરાવવો? કેટલીવાર સહાય ચૂકવવી?

વરસાદે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવી લીધો છે. જે પાક બસ દિવાળીમાં કામ આવવાનો હતો, તે પાક ખેતરમાં જ નષ્ટ થઈ ગયો.  કોડીદ્રા, ભેટાળી, પંડવા સહિતના ગામડાઓમાં ખેડૂતોની મહેનત પર વરસાદી પાણી ફરી વળ્યા. ખેતરમાં પાણીનો ભરાવો થતાં પાક કોહવાઈ ગયો. આખા વર્ષની મહેનત, મોંઘા બિયારણ, ભારે જતન અને અઢળક જહેમતના અંતે તો બધુ જ બરબાદ થઈ ગયું. ખૂબ આશાઓ સાથે જે બિયારણ નાખ્યા હતા તેને આ હાલતમાં બહાર કાઢતા ખેડૂતોની આંખો ભરાઈ આવે છે.

જામનગરના ખેડૂતોની પણ હાલત કફોડી છે. જીવાપર ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. જેમાં પોતાના પાકને બચાવવા એક ખેડૂત નિષ્ફળ પ્રયાસો કરી રહ્યો છે. કમરડૂબ પાણી ખેતરોમાં ભરાઈ ગયા અને મગફળીના પાથરા આ પાણીમાં તણાવા લાગ્યા. ખેડૂતો ધસમસતા પાણીમાં જઈને મગફળી બચાવી રહ્યા છે. તેમને પણ ખબર છે, હવે આ મગફળી માત્ર નિરાશા આપશે. ખેડૂતોના આ મરણિયા પ્રયાસ જોઈને ભલભલા કઠણ કાળજાના માનવીને ગળે ડૂમો ભરાઈ જાય..

દક્ષિણ ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદના કારણે ડાંગર પકવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ભારે પવન સાથે વરસાદના કારણે. ખેતરમાં લહેરાતો ડાંગરનો પાક જમીન પર આડો પડી ગયો છે. હજીરા-સારોલી રોડ પર આવેલા ડાંગરના ખેતરોના આ દ્રશ્યો. ખેડૂતોને થયેલી નુકસાનની સાક્ષી પુરે છે. પવન અને વરસાદે ખેતરમાં ડાંગરને પાકને વેર-વિખેર કરી નાંખ્યો છે.

ડાંગર જેવા મુખ્ય પાકમાં નુકસાન થતાં ખેડૂતો પાયમાલ બન્યા છે, ત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની વ્હારે સરકાર આવે તેવી માગ ખેડૂત આગેવાન કરી રહ્યાં છે. ખેતીવાડી વિભાગ દ્વારા નુકસાનીનો સરવે કરવાની પણ માગ કરવામાં આવી રહી છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 21, 2024 08:49 PM
g clip-path="url(#clip0_868_265)">