Surat : ઉનાળામાં પાણીજન્ય રોગમાં ઝાડા ઉલ્ટીના કેસ વધ્યા, અખંડ આનંદ કોલેજના ક્લાર્ક સહીત બે વ્યક્તિના મોત
શહેરમાં (Surat )પડી રહેલી કાળઝાળ ગરમીમાં પાણીજન્ય રોગોનો વધારો થઇ રહ્યો છે. નવી સિવિલ હોસ્પિટલના મેડીસીન વિભાગના એચઓડી ડો.કે.એન.ભટ્ટે જણાવ્યું કે, નવી સિવિલ હોસ્પિટલમાં પાણીજન્ય રોગોના કેસોની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે
સુરતની (Surat )અખંડ આનંદ કોલેજના ક્લાર્ક સહિત બે વ્યક્તિના ઝાડા-ઊલટીમાં મોત (Death )થયા છે. હાલ શહેરમાં ગરમીના(Heat ) તાપમાનનો પારો ઉચ્ચ સપાટી પર પહોંચ્યો છે. અમુક લોકો ગરમી સહન નહીં કરી શકતા હોય પાણીજન્ય બીમારીમાં સપડાઇ રહ્યા છે. શહેરના કતારગામ વેડરોડ વિસ્તારના રહેવાસીઓ પૈકી ઘણા લોકો ઝાડાઉલ્ટીની બીમારીમાં સપડાઇ રહ્યા છે. એક આધેડનું ઝાડા-ઊલટીની બીમારીમાં મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. કતારગામ વિસ્તારમાં વિજયનગર સોસાયટીમાં રહેતા ૫૫ વર્ષીય કિરણકુમાર મણિશંકર પાઠક અખંડ આનંદ કોલેજમાં ક્લાર્ક તરીકેની ફરજ બજાવી રહ્યા હતા. જેઓ ત્રણ દિવસ પહેલા ઝાડા-ઊલટીની બીમારીમાં સપડાયા હતા. કિરણકુમારે બીમારીને લઇને સામાન્ય ક્લિનિકમાં સારવાર કરાવી દવા લેતા અમુક સમય માટે તેને સારું રહેતું હતું. જોકે રવિવારે સવારના સમયે પોતે બેભાન થઇ જતાં તેમની પત્ની સંગીતાબેન તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઇ તપાસીને મૃત જાહેર કર્યા હતા.
અન્ય બનાવમાં મધ્યપ્રદેશના રહેવાસી ૨૭ વર્ષીય ઇતરીબેન મગનલાલ ગરાસિયા ધુળેટી બાદ પરિવાર સાથે સચિન વિસ્તારમાં આવેલા રોડ નંબર 12 હોજીવાલા એસ્ટેટમાં કોન્ટ્રાક્ટર પર કડિયા કામ કરવા માટે આવેલા હતા. કાળઝાળ ગરમીમાં ઇતરીબેન કામ કરી રહ્યા હતા. જે રવિવારે ઝાડા-ઉલ્ટીમાં સપડાયા હતા. તેઓની તબિયત વધુ લથડી જતાં ઇતરીબેન બેભાન થઇ જતા તેને સારવાર માટે તેના શેઠ નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં તેણીને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.
ઉનાળાની સિઝનમાં પાણીજન્ય રોગ ઉઠલો મારતો હોય છે : ડો.કે.એન.ભટ્ટ
શહેરમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં પાણીજન્ય રોગોનો વધારો થઇ રહ્યો છે. નવી સિવિલ હોસ્પિટલના મેડીસીન વિભાગના એચઓડી ડો.કે.એન.ભટ્ટે જણાવ્યું કે, નવી સિવિલ હોસ્પિટલમાં પાણીજન્ય રોગોના કેસોની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે. ઉનાળાની ગરમીમાં લોકો સમયસર પાણી ન પીવે અથવા તો કોઇ વ્યક્તિ ચોખ્ખું પાણી ન પીવે તો તે પાણીજન્ય રોગમાં સપડાઇ શકે છે. ઉનાળાની દરેક સિઝનમાં આવા રોગો ઉઠલા મારતા હોય છે. અમુક વ્યક્તિમાં ડિહાઇડ્રેશન થવાથી પણ તે બીમાર થઇ શકે છે. ત્યારે ઉમરલાયક વ્યક્તિઓ કે જે અન્ય બીમારીમાં સપડાયેલા હોય તેવા લોકોને પાણીજન્ય રોગો પેહલા ઝપેટમાં લે તેવી શક્યતા હોય છે. હાલની કાળઝાળ ગરમીમાં લોકોમે માથામાં દુખાવો, તાવ આવવો, ગભરામણ થવુ અને ચક્કર આવવા તેવા લક્ષણો દેખાઇ રહ્યા છે. શહેરીજનો ઉનાળાની આ સિઝનમાં તકેદારી રાખવી જરૂરી છે.
આ પણ વાંચો :