Surat : મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મોડી રાત સુધી AAPના ધરણાં, દરખાસ્તો પર ચર્ચા પહેલા જ સભા પુરી કરી દેતા રોષ
સુરત મહાનગરપાલિકાની (SMC) સામાન્ય સભા (General meeting) મળી હતી. જેમાં આમ આદમી પાર્ટીના નગરસેવકો બે દરખાસ્ત રજૂ કરવાના હતા. પરંતુ તેઓ દરખાસ્તો રજૂ કરે તે પહેલા જ સામાન્ય સભા બરખાસ્ત કરી દેવાઈ હતી.
સુરત (Surat ) મહાનગરપાલિકાની સામાન્ય સભા બરખાસ્ત કરી દેવાતાં આમ આદમી પાર્ટીના નગરસેવકોએ મોડી રાત સુધી ધરણાં (Protest) યોજ્યા. ગઈકાલે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા (General meeting) મળી હતી. જેમાં આમ આદમી પાર્ટીના નગરસેવકો બે દરખાસ્ત રજૂ કરવાના હતા. પરંતુ તેઓ દરખાસ્તો રજૂ કરે તે પહેલા જ સામાન્ય સભા બરખાસ્ત કરી દેવાઈ હતી. તેમની દરખાસ્ત પહેલા જ સભા બરખાસ્ત કરી દેવાતાં AAPના નગરસેવકો રોષે ભરાયા હતા અને મોડી રાત સુધી સભાખંડમાં ધરણા પર બેસી રહ્યા હતા.
શનિવારે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં વિપક્ષ આપના કોર્પોરેટર કેટલીક રજૂઆત કરી હતી. લાઇટ એન્ડ ફાયર સમિતિ હસ્તકની કતારગામ ઝોનમાં સ્ટ્રીટ લાઇટ પોલ ઊભા કરી એલઇડી સભા ફિટિંગ્સ લગાડવાની કામગીરીના કારણે શહેરમાં ઘણાં સ્થળેથી લાઇટો બંધ થઇ જતી હોવાની અને કેટલાંક કિસ્સાઓમાં અંધારાને કારણે મા-બેન-દીકરીઓ સાથે અઘટિત ઘટનાઓ થતી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. વિપક્ષી સભ્ય દ્વારા મહિલાઓ સાથે દુષ્કર્મ થતો હોવાનો ઉલ્લેખ કરાતાં શાસકપક્ષના સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને મહિલાઓનું અપમાન કર્યુ હોવાનો આક્ષેપ ફગાવ્યો હતો.
મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મોડી રાત સુધી AAPના ધરણાં, દરખાસ્તો પર ચર્ચા પહેલા જ સભા પુરી કરી દેતા રોષ#Surat #SuratAAP #AAP #Gujarat #TV9News pic.twitter.com/8gdoDNvbmP
— Tv9 Gujarati (@tv9gujarati) May 1, 2022
ભારે હોબાળો થતાં મેયરે મંચ પરથી સભા પૂર્ણ થવાની જાહેરાત કરી દીધી હતી. જોકે, સામાન્યસભામાં બે વધારાની દરખાસ્તો રજૂ કરાઇ હતી, પરંતુ આ દરખાસ્તો પર વિપક્ષને ચર્ચા કરવાની તક મળે તે પહેલા જ સભાગૃહમાં બોર્ડ સમાપ્તિની જાહેરાત થઈ જતાં વિપક્ષી સભ્યોએ ભારે હોબાળો કર્યો હતો. મેયર દ્વારા વિપક્ષની દરખાસ્ત પર ચર્ચા કરવાને બદલે પૂર્વ આયોજીત ષડયંત્રના ભાગરૂપે સભાગૃહમાં ભાજપી સભ્યો પાસે હોબાળો કરાવી સમાપ્તિની જાહેરાત કરાઇ હોવાનો આક્ષેપ વિપક્ષી સભ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. સભા પૂર્ણ થયા બાદ વિપક્ષી સભ્યોએ સભાગૃહમાં ધરણાં કર્યા હતા અને સભાગૃહમાંથી મેયર સહિતના શાસકપક્ષના તમામ સભ્યો, અધિકારીઓ, સેક્રેટરી વિભાગનો સ્ટાફ પણ ગૃહમાંથી રવાના થઇ ગયા હતા.
વિપક્ષી દ્વારા સભાગૃહ પૂર્ણ થયા બાદ પણ પોતાના ધરણાં યથાવત રાખવામાં આવ્યા હતા. મનપાના સિક્યુરિટી વિભાગનો સ્ટાફ સભાગૃહમાં વિપક્ષી સભ્યોના ધરણાંના કારણે હાજર રહ્યો હતો. સામાન્યસભા પૂર્ણ થયા બાદ ગૃહમાંથી મેયર સહિતના પદાધિકારીઓ, ભાજપના સભ્યો, કમિશનર સહિતના અધિકારીઓ નીકળી ગયા, પરંતુ વિપક્ષી સભ્યોએ ગૃહમાં મોડે સુધી ધરણાં પર બેસી વિરોધ દર્શાવ્યો. એટલું જ નહીં રાતવાસો પણ સભાખંડમાં જ કર્યો હતો.
આમ પાણીના મીટર હટાવવા, વર્ગ4 ના કર્મચારીઓની ભરતી કરવા જેવા અલગ અલગ મુદ્દાઓને લઈને માગ પર અડગ રહી સભાખંડમાં જ ધરણાં પર બેસેલા આપના નગરસેવકોને મળવા ગોપાલ ઇટલીયા અને ઇલેક્શન ઇન્ચાર્જ ગુલાબસિંહ યાદવ પણ પહોંચ્યા હતા પણ તેઓને મળવા દેવામાં આવ્યા નહોતા. હવે જોવાનું એ રહેશે કે આપના નગરસેવકોની આ લડાઈ કેટલી લાંબી ચાલે છે.
આ પણ વાંચો-જામીન મળ્યા બાદ જીગ્નેશ મેવાણી આકરા પાણીએ, કહ્યું ‘ભાજપ મારી બદલે આસામની સમસ્યાઓ પર ધ્યાન આપે’